શારદાની ‘ગુમનામ’ ને બદલે ‘સૂરજ’ થી શરૂઆત

રાજેન્દ્રકુમાર –વૈજયંતિમાલાની ફિલ્મ ‘સૂરજ’ (૧૯૬૬) ના શંકર-જયકિશનના સંગીતવાળા ગીતો લોકપ્રિય થયા હતા. એમાં મોહમ્મદ રફીએ ગાયેલું ‘બહારોં ફૂલ બરસાઓ’ ઉપરાંત નવા ગાયિકા શારદાના સ્વરમાં ‘તિતલી ઉડી, ઉડ જો ચલી’ પણ ધૂમ મચાવી ગયું હતું. એ કારણે જ શારદાએ મોહમ્મદ રફીને ફિલ્મફેર એવોર્ડમાં સ્પર્ધા પૂરી પાડી હતી. એ સમય પર ફિલ્મફેરમાં સ્ત્રી અને પુરુષ ગાયક માટે અલગ એવોર્ડ ન હતા. ગાયન માટે એક જ કેટેગરી હતી. એ વર્ષે એવોર્ડની સ્પર્ધામાં શ્રેષ્ઠ ગાયક માટે મોહમ્મદ રફીના ‘સૂરજ’ નું ‘બહારોં ફૂલ બરસાઓ’ સાથે લતા મંગેશકરના બે ગીત ‘લો આ ગઇ’ (દો બદન) અને ‘કાંટો સે ખીંચ કે’ (ગાઇડ) હતા. અસલમાં નામાંકન માટે ‘સૂરજ’ ના જ બે ગીતો ‘બહારોં ફૂલ બરસાઓ’ ઉપરાંત ‘તિતલી ઉડી’ હતા. બંનેને સરખા મત મળ્યા હતા.

Sharda & Jaikishan

 

ફિલ્મફેરના ૧૫ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત આવું બન્યું હતું. એટલે જ્યુરીએ ચર્ચા કરી હતી. એમાં એમને મોહમ્મદ રફીનું ‘બહારોં ફૂલ બરસાઓ’ વધુ યોગ્ય લાગ્યું હતું. આ ગીત બિનાકા ગીતમાલામાં પ્રથમ નંબર પર હતું. મતલબ કે સૌથી લોકપ્રિય હતું. જ્યારે શારદાનું ‘તિતલી ઉડી’ ૨૧ માં નંબર પર વાગ્યું હતું. એ ઉપરાંત મોહમ્મદ રફી વરિષ્ઠ અને લોકપ્રિય ગાયક હતા. એમની અવગણના થઇ શકે એમ ન હતી. ફિલ્મફેરમાં ‘સૂરજ’ માટે શ્રેષ્ઠ સંગીતકાર (શંકર-જયકિશન), શ્રેષ્ઠ ગીતકાર (હસરત જય્પુરી) અને શ્રેષ્ઠ પાર્શ્વગાયક (મો. રફી)નું નામાંકન થયું હતું. એ ત્રણેય માટે એવોર્ડ મળ્યા હતા. મોહમ્મદ રફીને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળ્યો પરંતુ ‘તિતલી ઉડી’ ગીતની લોકપ્રિયતાને ધ્યાનમાં લઇ શારદાનું શ્રેષ્ઠ નવોદિતનો એક ખાસ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

પાછળથી શારદાને લતા મંગેશકરના બે ગીતો બાબુલ પ્યારે (જૉની મેરા નામ) અને બિંદિયા ચમકેગી’ (દો રાસ્તે) સ્પર્ધામાં હોવા છતાં શંકર-જયકિશનના જ સંગીતમાં શશી-હેમાની ફિલ્મ ‘જહાં પ્યાર મિલે’ (૧૯૬૯) ના હેલન પર ફિલ્માવેલા કેબરે ગીત ‘બાત જરા હૈ આપસ કી’ ગીત માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ મહિલા ગાયિકાનો એવોર્ડ જરૂર મળ્યો હતો. નવાઇની વાત એ છે કે સંગીતકાર જયકિશને શરૂઆતમાં શારદાને પાર્શ્વ ગાયિકા તરીકે સ્વીકાર્યા ન હતા. તેમનું આખું નામ શારદા રંજન હતું. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી ન હતી. શારદાએ તેહરાનમાં એક સ્ટેજ શોમાં ગાયું ત્યારે ત્યાં હાજર રાજ કપૂર અવાજથી પ્રભાવિત થતાં મુંબઇમાં મળવાનું કહ્યું હતું.

રાજજીએ શારદાની મુલાકાત શંકર- જયકિશન સાથે કરાવી હતી. જયકિશન શારદાના બિનતાલીમી સ્વરથી ખુશ ન હતા. શંકરે શારદા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ગાયનની તાલીમ આપી હતી. શારદાએ એમના સંગીતમાં ફિલ્મ ‘ગુમનામ’ (૧૯૬૫) માટે પ્રથમ ગીત ‘આયેગા કૌન યહાં’ રેકોર્ડ કરાવ્યું હતું. પરંતુ કોઇ કારણથી ફિલ્મમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. શંકર- જયકિશને જ ફરીથી શારદાને ‘સૂરજ’ માં બે ગીત ગાવાની તક આપી હતી. અને ‘તિતલી ઉડી’ ગીત શારદાની ઓળખ બની રહ્યું હતું. બીજું ગીત ‘દેખો મેરા દિલ મચલ ગયા’ પણ યાદગાર રહ્યું હતું. એ પછી શારદાએ ઘણી ફિલ્મોના ગીતો ગાયા પણ ‘સૂરજ’ જેવી લોકપ્રિયતા કોઇ ફિલ્મના ગીતોને મળી ન હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]