રાજ-મીનાકુમારીની જોડી ના બની

રાજ કપૂર અને મીનાકુમારીએ માત્ર બે ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. એમાંની એક ફિલ્મની ભૂમિકા પછી રાજ કપૂરે મીનાકુમારીના હીરો તરીકે કામ કરવાનો ક્યારેય વિચાર કર્યો ન હતો. દક્ષિણના જાણીતા નિર્માતા-નિર્દેશક એલ.વી. પ્રસાદે પોતાની પહેલી હિન્દી ફિલ્મ ‘શારદા’ (૧૯૫૭) નું આયોજન કર્યું ત્યારે મુખ્ય અભિનેત્રી તરીકે મીનાકુમારીને સાઇન કરી હતી. અને મીનાકુમારી સાથે એ સમયના લોકપ્રિય હીરો રાજ કપૂરને લીધા હતા. આ ફિલ્મ બની રહી હતી ત્યારે ખ્વાજા અહમદ અબ્બાસે રાજ-મીનાની જોડીને પોતાની ફિલ્મ ‘ચાર દિલ ચાર રાહેં’ (૧૯૫૯) માટે સાઇન કરી હતી. જે આ જોડીની છેલ્લી ફિલ્મ બની રહી.

રાજ-મીનાની જોડી બીજી ફિલ્મોમાં જોવા ના મળી એની પાછળ ‘શારદા’ ની વાર્તા કારણભૂત બની ગઇ. ફિલ્મમાં મીનાકુમારીની એક ત્યાગમય ભારતીય નારીની ભૂમિકા હતી. જે પરિસ્થિતિઓને કારણે એ વ્યક્તિના પિતા સાથે લગ્ન કરવા મજબૂર બને છે, જેની સાથે એ પ્રેમ કરતી હોય છે. રાજ તેને મા તરીકે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ મીનાકુમારીના ત્યાગ અને સમર્પણ સામે તેણે ઝુકવું પડે છે. ફિલ્મના અંતમાં રાજ કપૂર પહેલી વખત મીનાકુમારીને મા કહીને સંબોધિત કરે છે એ દ્રશ્ય દિલને હચમચાવી દે એવું છે.

‘શારદા’ પછી રાજ કપૂરે ‘ચાર દિલ ચાર રાહેં’ પૂરી કરી દીધી. જે ફ્લોપ સાબિત થઇ હતી. અને રાજ કપૂરે ફરી ક્યારેય મીનાકુમારીના હીરો તરીકે કામ કરવાનું પસંદ ના કર્યું. રાજ કપૂરે મીનાકુમારીને હંમેશા સમ્માનની દ્રષ્ટીએ જ જોયા હતા. રાજ કપૂર અને મીનાકુમારીની જોડી ન બનવાનું બીજું એક કારણ બંનેની પોતપોતાની ઇમેજ પણ જવાબદાર હતી. મીનાકુમારી ગંભીર ભૂમિકાઓ કરવા માટે જાણીતા હતા. તે ટ્રેજેડી ક્વીન તરીકે જાણીતા થયા હતા. તેમની ઇમેજ એક ભારતીય નારીના રૂપમાં પ્રસ્થાપિત થઇ ચૂકી હતી.

મીનાકુમારીએ પોતાની ફિલ્મોમાં અભિનયથી સ્ત્રીઓને જ નહીં પુરુષોને પણ રડાવ્યા હતા. રાજ કપૂરની રોમેન્ટિક ભૂમિકાઓવાળી છબિ સાથે મીનાકુમારીની જે પ્રકારની છબિ હતી એ કારણે જોડી જામે એમ ન હતી. રાજ કપૂરની સાથે એવી અભિનેત્રીઓ વધુ કામ કરતી હતી જે આકર્ષક દેહ સૌંદર્ય ધરાવતી હતી. ‘શારદા’ પહેલાં જ ૧૯૫૬ માં રાજ-નરગીસની જોડી તૂટી ગઇ હતી. અને રાજ કપૂર-મીનાકુમારીની જોડી લોકપ્રિય થવાની સંભાવના જણાતી ન હોવાથી નિર્માતા- નિર્દેશકોએ પણ એમની સાથે ફિલ્મ બનાવવામાં રસ બતાવ્યો ન હતો. ‘શારદા’ જેવી પારિવારિક ફિલ્મ રાજ કપૂરની કારકિર્દીમાં અપવાદરૂપ જ રહી છે.

રાકેશ ઠક્કર (વાપી)