‘પ્યાર ઝુકતા નહીં’ ની સફળતામાં ‘આઇના’ 

મિથુન ચક્રવર્તી- પદમિની કોલ્હાપુરેની ફિલ્મ ‘પ્યાર ઝુકતા નહીં’ (૧૯૮૫) પાકિસ્તાની ફિલ્મ ‘આઇના’ (૧૯૭૭) પરથી બનાવવામાં આવી હતી. અને ‘આઇના’ માં ઘણા નિર્માતાઓને પોતાની ભાષાની સફળ ફિલ્મ દેખાઇ હતી. અનેક ભાષામાં તેની રીમેક બની હતી. જેમણે ‘આઇના’ જોઇ છે એમને ખ્યાલ આવશે કે એને હિન્દી ફિલ્મો આ ગલે લગ જા (૧૯૭૩), બોબી (૧૯૭૩), કોરા કાગઝ (૧૯૭૪) અને આંધી (૧૯૭૫) જેવી ફિલ્મોમાંથી પ્રેરણા લઇને જ નહીં એમાંથી કેટલાક દ્રશ્યોની નકલ કરીને બનાવવામાં આવી હતી. પરંતુ ‘પ્યાર ઝુકતા નહીં’ ને તો ‘આઇના’ ની સંપૂર્ણ નકલ કહેવામાં આવે છે.

નિર્માતા કે.સી. બોકાડિયાએ પણ ‘આઇના’ ને પ્રેરણાસ્ત્રોત ગણાવી હતી. કેમકે એમાં ‘આઇના’ના ઘણા સંવાદો અને દ્રશ્યોની નકલ કરવામાં આવી હતી. એટલું જ નહીં એના પોસ્ટર સુધ્ધાંની નકલ કરી હતી. લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતમાં ‘તુમસે મિલકર ના જાને ક્યૂં’ ગીત સુપરહિટ રહ્યું હતું. એ ગીત ‘આઇના’ ના મહેંદી હસને ગાયેલા ‘મુઝે દિલ સે ના ભુલાના’ ની નકલ જ હતું. ‘આઇના’ ની સફળતાનો અંદાજ એ પરથી આવશે કે પાકિસ્તાનની અગાઉની બધી જ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા હોવાથી તે ક્રાઉન જ્યુબીલી (સૌથી મોટી હિટ) ગણાઇ હતી. કરાચીના મુખ્ય થિયેટરમાં ‘આઇના’ આઠ વર્ષ સુધી ચાલી હતી. અને ફિલ્મને ૧૨ જેટલા એવોર્ડ મળ્યા હતા. જ્યારે ‘પ્યાર ઝુકતા નહીં’ ની લોકપ્રિયતા અને સફળતાને કારણે ફિલ્મફેરમાં ચાર શ્રેણીમાં નામાંકન થવા છતાં એકપણ એવોર્ડ મળ્યો ન હતો.

લક્ષ્મીકાંત-પ્યારેલાલનું નામાંકન શ્રેષ્ઠ સંગીતના એવોર્ડ માટે ‘પ્યાર ઝુકતા નહીં’ ઉપરાંત એ વર્ષે ‘સુર સંગમ’ માટે થયું હતું. ત્યારે એવોર્ડ રવિન્દ્ર જૈનને ‘રામ તેરી ગંગા મૈલી’ માટે મળ્યો હતો. ૧૯૮૫ માં ગુજરાતમાં છૂટાછેડા માટે કેસ દાખલ કરનાર એક યુગલને ફેમિલી કોર્ટે ‘પ્યાર ઝુકતા નહીં’ જોવાની સલાહ આપી હતી. ફિલ્મ જોયા પછી એ યુગલે જજ સાહેબનો આભાર માની કેસ પાછો ખેંચી લીધો હતો એ કિસ્સો ચર્ચામાં રહ્યો હતો. ‘આઇના’ પરથી પકિસ્તાનમાં ૧૯૯૮ માં ‘નિકાહ’ બની હતી.

૨૦૧૩ માં એ જ નામથી ફરીથી એક ફિલ્મ બની હતી. ‘પ્યાર ઝુકતા નહીં’ ની બીજી ભાષાઓમાં રીમેક બની હતી એમાં દ્વારાકિશ નિર્દેશિત તમિલ ફિલ્મ ‘નાન અદિમાઇ ઇલ્લાઇ’ (૧૯૮૬) ઉલ્લેખનીય હતી. તેમાં રજનીકાંત- શ્રીદેવીની જોડી હતી. ફિલ્મના બધા જ ગીતો એસ.પી. બાલાસુબ્રમણ્યમ અને એસ. જાનકીએ ગાયા હતા. શ્રીદેવીએ આ ફિલ્મ પછી કોઇ તમિલ ફિલ્મ કરી ન હતી. તેણે બોલિવૂડની ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વર્ષો પછી શ્રીદેવીએ ‘પુલી’ માં કામ કર્યું હતું. દ્વારાકિશે તમિલ ઉપરાંત વિષ્ણુવર્ધન- ભવ્યા સાથેની કન્નડ રીમેક ફિલ્મ ‘ની બરેડા કાદમ્બરી’ નું પણ નિર્દેશન કર્યું હતું. ‘પ્યાર ઝુકતા નહીં’ ની તેલુગુમાં ‘પાચની કપુરમ’ નામથી રીમેક બનાવવામાં આવી હતી. એમાં પણ શ્રીદેવી હીરોઇન હતી જ્યારે હીરો તરીકે ક્રિશ્ના હતો.