પદમિની કોલ્હાપુરે એ નામ ના બદલ્યું

બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆતમાં ઘણા કલાકારોએ નિર્માતા- નિર્દેશકોના આગ્રહથી ખાસ કરીને લાંબા નામ ટૂંકા કરી દીધા હતા. પરંતુ પદમિની જેવા કેટલાક કલાકારોએ આગ્રહ છતાં નામ બદલ્યું ન હતું. તેઓ કોલ્હાપુરના નિવાસી હોવાથી કોલ્હાપુરે અટક અપનાવી હતી. પિતા પંઢરીનાથ શાસ્ત્રીય સંગીતના જ્ઞાતા હતા. પદમિનીને બાળપણથી જ સંગીતનું વાતાવરણ મળ્યું હતું. દીનાનાથ મંગેશકર અને પદમિનીના દાદા બળવંત નાટક કંપનીમાં ભાગીદાર હતા. પદમિનિ ગાયિકા જ બનવા માગતી હતી.

અલબત્ત સારું ગાતી હોવા છતાં અભિનયમાં કારકિર્દી બનાવી હતી. પદમિનીએ સૌપ્રથમ ‘યાદોં કી બારાત’ નું ટાઇટલ ગીત પોતાની બહેન શિવાંગી સાથે ગાયું હતું. રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ (૧૯૭૮) માં ‘યશોમતિ મૈયા સે’ ગીત લતા મંગેશકરે ગાયું હતું. પરંતુ પદમિનિ ગાતી હોય એવો ભાસ ઊભો થયો હતો. તેનું કારણ એ હતું કે ગીતના રેકોર્ડિંગ પહેલાં લતાજીએ પદમિનિને બોલાવીને અને કોઇપણ ગીત ગાવા કહ્યું. પદમિનીએ એક ગીત ગાયું એનો લતાજીએ અવાજ સાંભળ્યો હતો અને એના જેવું ગાયું હતું. પદમિનિએ આમ તો ‘એક ખિલાડી બાવન પત્તે’ અને ‘આપ આયે બહાર આયી’ માં નાની ભૂમિકા ભજવી હતી પણ બાળ કલાકાર તરીકે પહેલી ફિલ્મ ‘ઇશ્ક ઇશ્ક ઇશ્ક’ (૧૯૭૪) મળી હતી.

Padmini Kolhapure.

આશા ભોંસલેને કારણે તે અચાનક અભિનયમાં આવી હતી. તે પદમિનિના ફોઇ થતા હતા. અને એ સમય પર તે દેવ આનંદની ફિલ્મ ‘ઇશ્ક ઇશ્ક ઇશ્ક’ માં ગીત ગાઇ રહ્યા હતા. તે ઘરે આવતા ત્યારે પદમિનિ એમના ગીતો પર ડાન્સ કરતી હતી. ત્યારે દાદી એમને એવો આગ્રહ કરતા કે પદમિનિને ફિલ્મમાં કામ અપાવવું જોઇએ. એ ઘણા સમયથી આ બાબતે આશાજીની પાછળ પડયા હતા. આશાજીએ દેવ આનંદને કહ્યું કે તેમની ૭ વર્ષની ભત્રીજી પદમિનિ માટે કોઇ ભૂમિકા હોય તો કહેજો. અને દેવ આનંદે ‘ઇશ્ક ઇશ્ક ઇશ્ક’ માં પાંચ બહેનોની ભૂમિકા હતી પણ પદમિનિનો સમાવેશ કરવા છ બહેનો કરી દીધી હતી. એ ફિલ્મ ચાલી નહીં અને બે વર્ષ એમ જ નીકળી ગયા. પરંતુ રાજ કપૂરની ‘સત્યમ શિવમ સુંદરમ’ મહત્વની બની રહી. એક વખત પદમિનિને સ્ટેજ પર ડાન્સ કરતી જોઇ રાજજીએ એને મળવા બોલાવી અને ઝીનતની બાળપણની ભૂમિકા સોંપી દીધી. અને પદમિનિએ અભિનયમાં જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કરી લીધો હતો.

Mumbai: Actress Padmini Kolhapure during a programme in Mumbai on Aug 2, 2019. (Photo: IANS)

એ પછી ‘ડ્રીમ ગર્લ’ અને ‘સાજન બિના સુહાગન’ જેવી ફિલ્મો બાળ કલાકાર તરીકે કરી. બી.આર. ચોપરાની ‘ઇન્સાફ કા તરાજુ’ એ ૧૫ વર્ષની પદમિનીને અભિનેત્રી તરીકે લાઇમ લાઇટમાં લાવી દીધી. એ માટે ફિલ્મફેરનો ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’ નો એવોર્ડ મળ્યો હતો. રાજ કપૂરે જ્યારે ‘પ્રેમ રોગ’ (૧૯૮૨) નું આયોજન કર્યું ત્યારે પદમિનિ યુવાન થઇ ચૂકી હતી અને એને રિશી કપૂર સામે હીરોઇન તરીકે સાઇન કરી લીધી. ત્યારે રાજ કપૂરને ‘પદમિનિ કોલ્હાપુરે’ નામ લાંબુ લાગતું હતું. એમણે નાનું કરવા સૂચન કર્યું પણ પદમિનિએ સ્પષ્ટ ના પાડી દીધી અને પોતાની જીદ પર અડી રહી એટલે એમણે એ જ નામ રહેવા દીધું હતું. ‘પ્રેમ રોગ’ ની ભૂમિકા માટે પદમિનીને ફિલ્મફેરનો ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ નો એવોર્ડ મળ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]