નિરૂપા રૉયની સ્ટંટ ફિલ્મોનો વિરોધ

હિન્દી ફિલ્મોમાં ‘દેવી’ તરીકે સૌથી વધુ ભૂમિકાઓ કરનાર નિરૂપા રૉય લગ્ન થયા ત્યાં સુધી એકપણ ફિલ્મ જોઇ શક્યા ન હતા. છતાં લગ્ન પછી અભિનય કરવા માગતા પતિને નહીં એમને તક મળી ગઇ હતી. ગુજરાતના વલસાડમાં જન્મેલા નિરૂપા રૉયનું નામ રાશિ મુજબ કાંતા હતું. શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે ૧૪ વર્ષની ઉંમરે તેમના લગ્ન કમલ બલસારા સાથે થયા પછી ‘કોકિલા બલસારા’ તરીકે ઓળખાતા હતા. પતિ કમલને અભિનયનો બહુ શોખ હતો. તેમને તક મળતી ન હતી. લગ્નના ચાર મહિના પછી કમલના વાંચવામાં એક જાહેરાત આવી. જેમાં ‘સનરાઇઝ પિક્ચર્સ’ દ્વારા ગુજરાતી ફિલ્મ ‘રાણકદેવી’ (૧૯૪૬) માટે નવા ચહેરાઓ શોધવામાં આવી રહ્યા હતા.

કમલ બલસારાએ એમાં અરજી કર્યા પછી ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા. પતિ કમલ સાથે કોકિલા પણ ગઇ હતી. અભિનયમાં કામ મેળવવા સંઘર્ષ કરતા કમલ ફરી એક વખત નાપાસ થયા. પરંતુ તેમની સાથે ગયેલી પત્ની કોકિલાને કંપનીએ પસંદ કરી લીધી. જો કે પાછળથી એમાં હીરોઇનની મળેલી ભૂમિકાને બદલે બીજી નાની ભૂમિકા આપવામાં આવી હતી.

કોકિલા અભિનય કરે એ સામે કમલને કોઇ વાંધો ન હતો. ‘સનરાઇઝ પિક્ચર્સ’ ના વી.એમ. વ્યાસ દ્વારા કોકિલાને નવું ફિલ્મી નામ ‘નિરૂપા રૉય’ આપવામાં આવ્યું હતું. કમલે પણ રૉય અટક અપનાવી લીધી હતી. નિરૂપા પતિની સંમતિ અને પ્રોત્સાહનથી ફિલ્મોમાં આવ્યા હતા પણ સમાજ અને પરિવાર દ્વારા તેમના આ નિર્ણયનો વિરોધ થયો હતો. પિતાએ તો તે ફિલ્મોમાં કામ કરશે તો સંબંધ તોડી નાખવાની ધમકી આપી હતી અને પોતાની વાત પર કાયમ રહ્યા હતા. ‘રાણકદેવી’ ની રજૂઆત પછી સમાજનો વિરોધ ઠંડો પડી ગયો હતો. જ્યારે પિતા તેમના નિર્ણય પર એવા અડગ રહ્યા કે મૃત્યુ પર્યંત તેમનું મોં જોયું નહીં.

 

નિરૂપા રૉયને હીરોઇન તરીકેની પહેલી હિન્દી ફિલ્મ ‘અજીત પિક્ચર્સ’ ની ‘ગુણસુંદરી’ (૧૯૪૮) અચાનક જ મળી હતી. અસલમાં એ ભૂમિકા શારદા કરવાની હતી. એને ચહેરા પર ખીલ થતાં નિરૂપાને નાનીને બદલે મોટી ભૂમિકા મળી ગઇ. એ ફિલ્મ ગુજરાતીમાં પણ બની હતી. એ પછી મેળવેલી ‘રણજીત મૂવીટોન’ ની જયરાજ સાથેની ‘લાખોં મેં એક’ (૧૯૪૭) પહેલી રજૂ થઇ હતી. નિરૂપા રૉય એવા અભિનેત્રી બની રહ્યા જેમને સામાજિક, ધાર્મિક અને ઐતિહાસિક એમ દરેક પ્રકારની ફિલ્મો મળતી રહી.

ફિલ્મ ‘હર હર મહાદેવ’ (૧૯૫૦) પછી દેવી તરીકે જાણીતા થયા હતા. એમણે પોતાની ઇમેજ બદલવા ‘સિંદબાદ ધ સેલર’ (૧૯૫૨) જેવી સ્ટંટ ફિલ્મોમાં કામ કરી જોયું હતું. એમની ‘દેવી’ તરીકેની ઇમેજ એટલી મજબૂત હતી કે લોકોએ તેમને સ્ટંટ ફિલ્મોમાં તલવારબાજી કરતાં સ્વીકાર્યા નહીં. નિરૂપા રૉયને સ્ટંટ ફિલ્મોમાં કામ કરવા સામે વિરોધ કરતા એટલા બધા પત્રો મળ્યા કે એવી ફિલ્મો કરવાનું બંધ કરવું પડ્યું. પાછળથી ચરિત્ર અભિનેત્રી તરીકે ઘણી ફિલ્મો કરી. ‘દીવાર’ (૧૯૭૫) માં અમિતાભની મા તરીકે કામ કર્યા પછી એવી જ ભૂમિકાઓ વધુ મળી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]