અસિત સેન : ધીમી બોલીએ ઝડપી સફળતા

વિશ્વજીત– વહીદાની ફિલ્મ ‘બીસ સાલ બાદ’ (૧૯૬૨) થી પોતાની ધીમી ગતિએ બોલવાની નિરાળી સંવાદ અદાયગીથી જાણીતા થયેલા હાસ્ય અભિનેતા અસિત સેનની ‘ગોપીચંદ જાસૂસ’ ની એ લોકપ્રિય થયેલી ભૂમિકા પર પહેલાં કાતર ચાલી ગઇ હતી. આમ તો અસિત સેન ફિલ્મોમાં અભિનય કરતાં પહેલાં નિર્દેશક હતા. અભિનય તો પછીથી મજબૂરીમાં શરૂ કર્યો હતો. સૌથી પહેલાં એ ફોટોગ્રાફર બન્યા હતા.

તેમની પુત્રી રોપા ગુપ્તાએ ‘જી’ મેગેઝીનને ૧૯૯૩ માં આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે બીજા વિશ્વયુધ્ધને કારણે તેમની ફોટોગ્રાફીની દુકાન બંધ થઇ ગઇ હતી ત્યારે નિર્દેશક બિમલ રૉય એક એવા બંગાળી વ્યક્તિની શોધમાં હતા જેમને હિન્દી ભાષાની ફાવટ હોય. અને તેમને બિમલ રૉયના સહાયક તરીકે ફિલ્મોમાં કામ મળી ગયું હતું. બિમલદાની ‘દો બીઘા જમીન'(૧૯૫૩) માં પ્રોડક્શન એક્ઝીક્યુટીવ અને ‘દેવદાસ'(૧૯૫૫) માં સહાયક નિર્દેશક રહ્યા હતા. અસિતની કાબેલિયત જોઇને બિમલદાએ પોતાની કંપનીની ફિલ્મ ‘પરિવાર’ (૧૯૫૬) નું નિર્દેશન તેમની પાસે કરાવ્યું હતું. દુર્ગા ખોટે અભિનિત આ સામાજિક ફિલ્મમાં કિશોરકુમારે મહેમાન ભૂમિકા ભજવવા સાથે ‘યાર તુમ શાદી મત કરના’ ગીત ગાયું હતું.

એ પછી અસિત સેને ‘અપરાધી કૌન?'(૧૯૫૭) નું નિર્દેશન કર્યું. તેમણે નિર્દેશક તરીકે જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો અને ચાર ફિલ્મો મેળવી. એમાંની બે ફિલ્મો બની જ નહીં અને બે ફિલ્મો શરૂ થઇ તે પૂરી જ ના થઇ. લગભગ એક વર્ષ સુધી નિર્દેશક તરીકે બીજી કોઇ ફિલ્મ ના મળી એટલે મુંબઇ છોડીને ગોરખપુર પાછા જવાની નોબત આવી ગઇ ત્યારે લાઇન બદલવાનો નિર્ણય કરી હાસ્ય અભિનેતા બની ગયા. નિર્દેશક કે.પી. આત્માની રહેમાન-નૂતનની ફિલ્મ ‘છોટા ભાઇ’ માં એક નોકરની ભૂમિકા સ્વીકારી લીધી. એ ભૂમિકામાં અસિત સેને બાળપણમાં ઘરે એક નોકર હતો તેની ધીમી ગતિએ બોલવાની સ્ટાઇલ અપનાવી. એવી જ સ્ટાઇલ સાથે ‘સૌતેલા ભાઇ’ પણ કરી. ત્યારે નિર્દેશક બિરેન નાગ ‘બીસ બાલ બાદ’ બનાવવા જઇ રહ્યા હતા. તેના લેખક દેવકિશને અસિતની એવી જ ધીમી ગતિએ સંવાદ બોલતા જાસૂસની ભૂમિકા રચી. અસિત સેન ‘ગોપીચંદ જાસૂસ’ બની ગયા.

ફિલ્મ ‘બીસ સાલ બાદ’ બનતી હતી ત્યારે કેટલાકે અસિતની ધીમી ગતિએ બોલવાના અંદાજની ટીકા કરી. એ કારણે બિરેન ગભરાઇ ગયા. તેમણે અસિતની ભૂમિકા પર કાતર ચલાવીને ટૂંકી કરી દીધી. પરંતુ ફિલ્મની રજૂઆત પહેલાં જ્યારે તેનો ટ્રાયલ શો રાખવામાં આવ્યો ત્યારે અસિત સેનનો અંદાજ બધાંને પસંદ આવ્યો પરંતુ તેમની સામાન્ય ભૂમિકા બનાવીને રાખવાની બાબતની ટીકા થઇ.

ફિલ્મના નિર્માતા અને સંગીતકાર હેમંતકુમારે જ્યારે બિરેન સાથે આ બાબતની ચર્ચા કરી ત્યારે તે ગભરાઇ ગયા અને અસિત સેનના કાપકૂપ કરેલા દ્રશ્યોને ફરી જોડી દીધા. એ નિર્ણય તેમના માટે સારો સાબિત થયો. અસિત સેનની ભૂમિકા ‘બીસ બાલ બાદ’નું મોટું આકર્ષણ બની રહી. આ ફિલ્મથી સૌથી વધારે ફાયદો અસિત સેનને થયો. એ પછી તેમણે અનેક ફિલ્મમાં ધીમી ગતિએ બોલવાના અંદાજ સાથે જ હાસ્ય ભૂમિકાઓ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી.

– રાકેશ ઠક્કર (વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]