અમિતાભને ઉંચાઇથી મળી ‘સાત હિન્દુસ્તાની’

અમિતાભને મોટી સફળતા ‘ઝંજીર'(૧૯૭૩) થી મળી હતી. પરંતુ પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની'(૧૯૬૯) થી પોતાની પ્રતિભાનો પરિચય આપી દીધો હતો. એ જાણીને નવાઇ લાગશે કે નિર્દેશક કે. એ. અબ્બાસે અમિતાભની પસંદગી તેની વધારે ઉંચાઇને કારણે જ કરી હતી. અમિતાભ અને ભાઇ અજિતાભ કલકત્તાથી છ મહિના માટે મુંબઇ આવ્યા ત્યારે અજિતાભની મુલાકાત નીના નામની એક સંઘર્ષ કરતી અભિનેત્રી સાથે થઇ. જે ખ્વાજા અહમદ અબ્બાસની ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ માં હીરોઇનની ભૂમિકા કરવા જઇ રહી હતી.

અજિતાભે પોતાની પાસેની અમિતાભની તસવીરો બીજાને ભલામણ માટે આપતો હતો એમ એને પણ આપી અને અબ્બાસ સાહેબને બતાવવા વિનંતી કરી. અમિતાભને ફિલ્મોમાં કામ કરવા સૌથી વધુ પ્રોત્સાહન અજિતાભ જ આપી રહ્યા હતા. અને એજ તેમને મુંબઇ લઇ આવ્યા હતા. નીના ભલી છોકરી હતી કે એણે અબ્બાસ સાહેબને અમિતાભની એ તસવીરો પહોંચાડી દીધી. પરંતુ એના નસીબમાં એ ફિલ્મ ના રહી. તેના સ્થાને જલાલ આગાની બહેન શહનાઝનો નંબર લાગી ગયો હતો.

અબ્બાસની છેલ્લી ફિલ્મમાં જલાલ જ હતો. અને ‘સાત હિન્દુસ્તાની’ માં તેની એક ભૂમિકા હતી. કે.એ. અબ્બાસનું ફિલ્મી દુનિયામાં મોટું નામ રહ્યું છે. તે એક સારા પટકથા લેખક હતા. તેમણે વી. શાંતારામ અને રાજ કપૂરની ઘણી ફિલ્મો લખી હતી. ‘આવારા’ થી ‘બોબી’ સુધી તે રાજજી સાથે રહ્યા હતા. તેમની ખાસિયત એ હતી કે પોતે નિર્માતા- નિર્દેશક તરીકે પ્રયોગાત્મક ફિલ્મો બનાવતા હતા જ્યારે બીજા માટે વ્યાવસાયિક ફિલ્મોનું લેખન કરતા હતા. છેલ્લી ફિલ્મ ‘બમ્બઇ રાત કી બાંહોં મેં’ (૧૯૬૮) માં તેમણે મુંબઇનો આધુનિક અને વિકૃત ચહેરો રજૂ કર્યો હતો. નવી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ માં તે ગોવાના મુક્તિ સંઘર્ષને આવરી લેવાના હતા.

ફિલ્મની વાર્તામાં છ પુરુષ અને એક સ્ત્રીનું પાત્ર હતું. સ્ત્રી ગોવાની અને પુરુષો દેશના જુદા જુદા રાજ્યોના હતા. દરેકની ભાષા અલગ હતી. અભિનેતાઓની પસંદગી વખતે તે રાષ્ટ્રીય એકતાનું ધ્યાન રાખવાના હતા. એવું નક્કી કર્યું હતું કે અભિનેતા જે રાજ્યનો હોય એને એની ભૂમિકા સોંપવાની નહીં. એ વાતને ધ્યાનમાં રાખીને તેમણે બંગાળી ઉત્પલ દત્તને પંજાબીની, કેરળના મધુને બંગાળીની, જલાલ આગાને મરાઠીની, ઉત્તરપ્રદેશના મધુકરને તમિલની અને મહેમૂદના ભાઇ અનવર અલીને હિન્દુની ભૂમિકા સોંપી હતી. હવે ફક્ત મુસ્લિમ યુવાનની ભૂમિકા માટે અભિનેતાની શોધ ચાલતી હતી.

અબ્બાસ ઇચ્છતા હતા કે કદ-કાઠીની દ્રષ્ટિએ પણ ‘સાત હિન્દુસ્તાની’ના બધાં પાત્રો અલગ દેખાય. તેમને ટીમમાં એક લાંબા અને દુબળા-પાતળા યુવાનની કમી લાગતી હતી ત્યારે અજિતાભે નીના મારફત મોકલાવેલી અમિતાભની તસવીર યાદ આવી. અને આમિતાભને મુસ્લિમ પાત્રની ભૂમિકા માટે વાત કરવા બોલાવ્યો. એનું વર્ણન તેમણે પોતાના પુસ્તક ‘આય એમ નોટ એન આયલેન્ડ’ માં કર્યું છે. તેમણે અમિતાભને તેનું નામ અને એનો અર્થ પૂછ્યો. ઉપરાંત કેટલો અભ્યાસ કર્યો છે એની જાણકારી મેળવી.

કોઇ ફિલ્મમાં કામ કર્યું છે કે નહીં એવો સવાલ પૂછ્યો ત્યારે અમિતાભે કહી દીધું કે કોઇએ તક જ આપી નથી! અબ્બાસે પૂછ્યું કે અત્યાર સુધી કોને કોને મળ્યો છે? ત્યારે અમિતાભે ઘણા જાણીતા લોકોના નામ આપ્યા. અબ્બાસનો સવાલ હતો કે એમણે તક કેમ ના આપી? અમિતાભે સાચું જ કહી દીધું કે એમને લાગે છે કે હું હીરોઇનોની સરખામણીએ ઘણો લાંબો છું. અમિતાભની એ વાત પર ખુશ થઇને અબ્બાસે કહ્યું કે મારે લાંબા માણસની જ જરૂર છે અને મારી ફિલ્મમાં આ પાત્રની કોઇ હીરોઇન નથી. જો હોત તો પણ મને ઉંચાઇની એ વાતનો વાંધો ન હોત. અમિતાભ તેની ઉંચાઇને કારણે ફિલ્મો મેળવી શકતો ન હતો ત્યારે ‘સાત હિન્દુસ્તાની’ માટે એ કારણથી જ પસંદ થયો અને તેની રાહ આસાન થઇ ગઇ.

રાકેશ ઠક્કર (વાપી)