હેમંત કુમાર દેવનો અવાજ બન્યા

ગાયક અને સંગીતકાર હેમંત કુમાર મુંબઇની હિન્દી ફિલ્મોમાં કામ કરવા ઇચ્છતા ન હતા. પ્રદીપકુમાર- વૈજયંતિમાલાની ફિલ્મ ‘નાગિન’ (૧૯૫૪) ની સફળતા પછી તે મુંબઇમાં સંગીતકાર સાથે ગાયક તરીકે દેવ આનંદનો અવાજ બનીને વર્ષો સુધી રોકાયા પણ છેલ્લે તો કલકત્તા જ પસંદ કર્યું હતું. અનેક બંગાળી ફિલ્મોમાં સંગીત આપ્યા પછી હેમંત કુમારને ફિલ્મિસ્તાન કંપનીની પૃથ્વીરાજ કપૂર-ભારત ભૂષણ વગેરેની હિન્દી ફિલ્મ ‘આનંદ મઠ’ (૧૯૫૨) માં સંગીતકાર તરીકે પહેલી તક મળી હતી. ફિલ્મનું લતા મંગેશકરે ગાયેલું ‘વંદે માતરમ’ ગીત ખૂબ લોકપ્રિય થયું હતું.

કંપનીના શશધર મુખર્જીએ એમનું નામ હેમંતા મુખોપાધ્યાય મુંબઇમાં વિચિત્ર લાગતું હોવાથી નવું ‘હેમંત કુમાર’ નામ આપ્યું હતું. એ પછી હેમંતદાને ફિલ્મિસ્તાન કંપનીએ બીજી બે ફિલ્મોના સંગીત માટે કહ્યું હતું. પરંતુ તેમને ઘરની યાદ બહુ સતાવતી હોવાથી તે મુંબઇ છોડીને પાછા કલકત્તા જવા માગતા હતા. ત્યારે ફિલ્મિસ્તાનના નિર્માતા શશધર મુખર્જીએ એમને કહ્યું કે તમે મને એક હિટ ફિલ્મ આપી દો. પછી કલકત્તા પાછા જઇ શકો છો.

શશધરે તેમને ‘નાગિન’ નું સંગીત તૈયાર કરવાનું સોંપ્યું એમાં મદારીની બીન વગાડવાની હતી. હેમંતદાની સમસ્યા એ હતી કે અસલ બીનનો ઉપયોગ કરવા માગતા ન હતા. એમણે પોતાના સહાયક કલ્યાણજીની મદદથી હાર્મોનિયમ અને ક્લેવિઓલાઇન પર બીનની ધૂન મેળવી લીધી. ‘મન ડોલે મેરા તન ડોલે’ સહિતના ગીતોની લોકપ્રિયતા સાથે ફિલ્મ સફળ થઇ ગઇ. એમને એ બીજી જ હિન્દી ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો અને તે મુંબઇમાં રોકાઇ ગયા. હેમંત કુમાર ગાયક તરીકે દેવ આનંદનો અવાજ બનીને પણ એટલા જ સફળ રહ્યા.

સચિનદેવ બર્મન દેવ આનંદની કંપની ‘નવકેતન’ ના કાયમી સંગીતકાર હતા ત્યારે તેમણે દેવ માટે ગાયેલા હૈ અપના દિલ તો, ના યે ચાંદ હોગા, યે રાત યે ચાંદની વગેરે ગીતો લોકપ્રિય થયા હતા. હેમંતદાએ એસ.ડી. બર્મનના સંગીતમાં ફિલ્મ ‘બાત એક રાત કી’ (૧૯૬૨) માટે ‘ના તુમ હમેં’ ગીત ગાયું હતું. એ પછી તે હિન્દી સાથે બંગાળી ફિલ્મો પણ કરતા રહ્યા. અભિનેતા ઉત્તમકુમારની બંગાળી ફિલ્મોમાં તેમણે વધારે સંગીત આપ્યું. હેમંતદાએ પોતે પણ બંગાળી ફિલ્મોનું નિર્માણ શરૂ કરી દીધું. મૃણાલ સેનના નિર્દેશનમાં બનાવેલી પહેલી જ ફિલ્મ ‘નીલ અક્શેર નીચે’ ને રાષ્ટ્રપતિનો સુવર્ણ ચંદ્રક મળ્યો. એ પછી ‘ગીતાંજલિ ફિલ્મ્સ’ ના નેજા હેઠળ હિન્દી ફિલ્મોનું નિર્માણ શરૂ કર્યું. એમાં સસ્પેન્સ ફિલ્મ ‘બીસ સાલ બાદ’ (૧૯૬૨) સુપરહિટ રહી જ્યારે ‘કોહરા'(૧૯૬૪) સામાન્ય રહી.

ઋષિકેશ મુખર્જી નિર્દેશિત ‘અનુપમા’ ના તેમણે પોતે ગાયેલા ‘યા દિલ કી સુનો’ સહિતના બધા જ ગીતોને પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે નિર્માણ કરેલી ‘ખામોશી'(૧૯૬૯) ના ‘વો શામ કુછ અજીબ થી’ સહિતના ગીતો લોકપ્રિય રહ્યા હતા. પછી એક સમય એવો આવ્યો જ્યારે તેમની પાસે બંગાળી ફિલ્મોનું કામ વધી ગયું અને મુંબઇમાં બીજા ઘણા નવા સંગીતકારો આવી ગયા. તે મુંબઇમાં બેસીને બંગાળી ફિલ્મો માટે સંગીત આપી શકે એમ ન હોવાથી કલકત્તા કાયમ માટે પાછા આવી ચાલી ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]