ડેનીને ‘ધુંધ’ માં ભવિષ્ય દેખાયું 

ડેની ડેન્ઝોગપાએ નિર્દેશક બી.આર. ચોપડાની ફિલ્મમાં મોટી ભૂમિકા છોડીને નાની પણ પડકારરૂપ ભૂમિકા પસંદ કરી હતી. ડેની જ્યારે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં અભિનયનો કોર્ષ કરતો હતો ત્યારે અંતિમ વર્ષની પરીક્ષામાં પરીક્ષક તરીકે બી.આર. ચોપડા આવ્યા હતા. તે ડેનીના સહજ અભિનયથી અને અલગ પ્રકારના ચહેરાથી એટલા પ્રભાવિત થયા હતા કે કોર્ષ પૂર્ણ થયા પછી મુંબઇ આવીને પોતાને મળવા કહ્યું હતું. અને ભૂમિકા આપવાનું વચન આપ્યું હતું. ડેની પોતાનો અભિનય કોર્ષ પૂરો કરીને મુંબઇ પહોંચ્યો પછી બી.આર. ચોપડાને મળવા ગયો ત્યારે તે દિલીપકુમાર- શર્મિલા ટાગોર સાથે ‘દાસ્તાન’ (૧૯૭૨) બનાવવા જઇ રહ્યા હતા.

તેમણે કહ્યું કે આ એક પારિવારિક ફિલ્મ હોવાથી એમાં તારા માટે કોઇ ભૂમિકા નથી. તું મુંબઇમાં બધાને મળતો રહે અને પ્રયત્ન કર. મારી આગામી ફિલ્મમાં કોઇ ભૂમિકા હશે તો યાદ કરીશ. ડેનીએ જ્યારે પ્રયત્ન શરૂ કર્યા ત્યારે દેખાવને કારણે તેને નોકરની કે ચાઇનીઝ રેસ્ટોરન્ટના વેઇટરની ભૂમિકા માટે ઉપયુક્ત ગણવામાં આવ્યો. નસીબ સારું હતું કે ગુલઝારે નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘મેરે અપને'(૧૯૭૧) માં એક નાની ભૂમિકા આપી. એ પછી બી.આર. ઇશારાની ‘જરૂરત’ (૧૯૭૨) મળી. પરંતુ બી.આર. ચોપડાની ‘ધુંધ'(૧૯૭૩) થી એક અભિનેતા તરીકે ઓળખ મળી. તેને ‘ધુંધ’ ની નાની ભૂમિકામાં પોતાનું સારું ભવિષ્ય દેખાયું હતું.

બી.આર. ચોપડાએ જ્યારે સંજય ખાન સાથે ‘ધુંધ’ નું આયોજન કર્યું ત્યારે એક ભૂમિકા માટે ડેનીને બોલાવ્યો. ડેનીને એક રૂમમાં પાંચ લેખકો સાથે બેસાડ્યો. આ કિસ્સો યાદ કરતાં ડેનીએ કહ્યું હતું કે ત્યાં એક જણ તેને વાર્તા કહેતા હતા તો બીજા સંવાદ સંભળાવતા હતા. આટલું સમ્માન પામીને તે ગદગદ થઇ રહ્યો હતો. વાર્તા સંભળાવ્યા પછી ચોપડાએ તેને કહ્યું કે પહાડી વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટરનું જે પાત્ર છે એ તારે ભજવવાનું છે.

ડેનીએ કહ્યું કે મને એ ભૂમિકા પસંદ નથી. મારે ઝિનત અમાનના પતિની ભૂમિકા કરવી છે. ચોપડાએ સમજાવ્યું કે ઇન્સ્પેકટરની ભૂમિકા લાંબી અને શરૂઆતથી અંત સુધી છે. પતિની ભૂમિકા ઇન્ટરવલ પછી છે અને થોડીવારમાં એનું મૃત્યુ થાય છે. વળી એ ભૂમિકા માટે અમિતાભ બચ્ચનને લેવામાં આવ્યો છે. ડેનીને નિરાશા થઇ. તેણે યાદ અપાવ્યું કે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં આવ્યા ત્યારે મોટો બ્રેક આપવાનું વચન આપ્યું હતું. ત્યારે ચોપડાને નવાઇ લાગી કે એક નવો અને સંઘર્ષ કરતો છોકરો કેવી જીદ કરી રહ્યો છે. ડેનીએ ઇન્સ્પેકટરની ભૂમિકા કરવાની ના પાડી દીધી ત્યારે તેને પતિની ભૂમિકા માટે વિચાર કરવા અને આ બાબતે બીજાની સલાહ લેવા કહ્યું.

દરમ્યાનમાં અમિતાભની ‘આનંદ’ રજૂ થઇ અને એમની નકારાત્મક ભૂમિકા કરવાની ઇચ્છા ન હતી. અમિતાભે ‘ધુંધ’ છોડી દીધી હોવાના સમાચાર ચોપડાને ત્યાં સહાયક તરીકે કામ કરતા એક મિત્ર મારફત ડેનીને મળ્યા. તે દોડતો ચોપડા પાસે પહોંચ્યો અને હવે પતિની ભૂમિકા પોતાને સોંપવા કહ્યું. ત્યારે એમણે કહ્યું કે અમે શત્રુધ્ન સિંહાને સાઇન કરી લીધો છે. ડેની ફરી નિરાશ થયો. ફિલ્મનું શુટિંગ શરૂ થયું અને વળી ખબર મળી કે સેટ પર મોડા આવવાની આદતને કારણે ચોપડાએ શત્રુધ્નને ના પાડી દીધી છે.

ડેની ખુશ થઇને બી.આર. ચોપડા પાસે પહોંચ્યો. અને ફરી એ રોલ માગ્યો ત્યારે એને સમજાવ્યો કે તું ઉંમરમાં બહુ નાનો લાગે છે. પતિની ભૂમિકા માટે એક પરિપકવ ચહેરા સાથેનો કલાકાર જોઇએ. ભૂમિકામાં તે અપંગ છે અને ઉંમરવાળો છે. તું ટીનએજર લાગે છે. ડેનીએ એમને ભૂમિકા માટે વિશ્વાસ અપાવ્યો અને સ્ક્રિન ટેસ્ટ લેવા કહ્યું. બી.આર. ચોપડાએ તેના આગ્રહને કારણે ભૂમિકા મુજબ દાઢી લગાવડાવીને મેકઅપ સાથે ટેસ્ટ લીધો. એમને સંતોષ થયો પછી હા પાડી દીધી.

પાછળથી ઇન્સ્પેકટરની ભૂમિકા મદન પુરીને સોંપવામાં આવી હતી. ‘ધુંધ’ ની રજૂઆત પછી ડેનીના કામના વખાણ થયા. બી.આર. ચોપડા એ વાતથી ખુશ થયા કે ડેનીએ ખરેખર યોગ્ય ભૂમિકા ભજવી છે. તેમણે એક પત્રકાર પરિષદ યોજીને ડેનીના વખાણ કર્યા અને એ સમય પર ચાલતી ડેનીને હિન્દી આવડતી ન હોવાની અફવાને ખોટી ગણાવવા એ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો કે ડેનીએ પોતે જ ડબિંગ કર્યું છે. ‘ધુંધ’ માં ડેનીએ પોતાને ગમતી ભૂમિકા માટે ચોપડા સામે જે જીદ કરી એ ખરેખર સાર્થક થઇ હતી.

(રાકેશ ઠક્કર-વાપી)