‘રૂફસ ટ્રી પાઈ’: રણથંબોરમાં તમારા સ્વાગત માટે હંમેશા તૈયાર…

રણથંબોર ટાઈગર રીઝર્વમાં સફારી માટે જાવ એટલે આ પક્ષી જાણે તમારું સ્વાગત કરવા જ ઉભુ હોય એમ લાગે. સફારી ગેટ પર એન્ટ્રી પરમીટ ચેક કરાવવા ઉભા રહો કે, અડધી સફારી એ ફોરેસ્ટ ચેક પોસ્ટ પર જીપ્સી ઉભી રાખો એટલે એક પક્ષી તરત જ તમારી જીપ પર આવી જાય. જો તમે એને રંજાડ ના કરો તો તમારી જીપ્સીમાં પડેલા નાસ્તાના થેલા પણ ચેક કરે. એટલું જ નહીં થોડી વેફર, ગાંઠિયા કે બિસ્કિટ હાથ પર રાખીને એની સામે રાખો તો તરત હાથ પર બેસીને ખાવા લાગે. (આ રીતે પક્ષીઓને ખોરાક આપવાથી ખરેખર તો તેને નુકસાન થાય છે અને ક્યારેક તેનું મૃત્યુ પણ થાય છે. અને આ બધુ ગેરકાયદેસર પણ છે.)

હાલ સ્થિતિ એવી છે કે આ જંગલના પક્ષીને પ્રવાસીઓ એ નાસ્તાની આ ખરાબ લત લગાવી છે, પણ આમ ન કરવું જોઈએ. લગભગ ભારતભરમાં જોવા મળતું આ પક્ષી એ વિવિધ પ્રકારના અવાજ કરે છે અને સામાન્ય રીતે ફલો, બીજ તથા જીંવાત તથા કયારેક કોઈ પ્રાણી એ કરેલા શિકાર પરથી માંસ પણ ખાય છે. નર અને માદાના રંગ લગભગ સરખા જ હોય છે. ‘રૂફસ ટ્રી પાઈ’ નું ગુજરાતીમાં નામ ખેરખટ્ટો છે.