બગીચાઓમાં અવારનવાર જોવા મળતું પક્ષી: “શક્કર ખરો”

શહેરના બગીચાઓમાં અવારનવાર જોવા મળતું સુંદર પક્ષી “શક્કર ખરો” કે “પર્પલ સન બર્ડ”. (Purple Sun Bird)

અમદાવાદ હોય કે દિલ્હી, ઘરની આસપાસનાં વૃક્ષો કે શહેરનાં દરેક બગીચામાં ચીંચીં….ચીંચીં…..ચીંચીં….અવાજ કરતું એક ચમકતા કાળા રંગનું નાનકડુ પક્ષી ઉડાઉડ કરતું અવારનવાર જોવા મળતું હોય છે. આ પક્ષી લાંબા સમય માટે એક જગ્યાએ બેસતું નથી અને ઉડાઉડ કરતું રહે છે. વધુ ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે કે કાળા રંગ સાથે ચળકતો પર્પલ રંગ પણ દેખાય. પર્પલ સનબર્ડ ફૂલ પાસે પાંખો ફટફટાવી સતત ઊડીને પોતાની અણીવાળી લાંબી ચાંચથી ફૂલની પરાગ રજ ખાય છે.

એક ફૂલથી બીજા ફૂલ સુધી પરાગ રજ ખાવા ઊડયા કરતું આ પક્ષી એક મહત્વનું “પોલીનેટ” પણ છે, અને પરાગ રજના ફેલાવા માટે પર્પલ સન બર્ડ મહત્વનો ભાગ ભજવે છે.

પર્પલ સન બર્ડનો નર એ ચમકતા કાળા રંગનો અને માદા એ રાખોડી કે ઓલિવ બ્રાઉન કલરની હોય છે. સામાન્ય રીતે પર્પલ સન બર્ડ એ જોડીમાં કે ગ્રુપમાં ભ્રમણ કરે. નર અને માદા પર્પલ સનબર્ડ સાથે મળીને માળો બનાવે છે, તો ઘણી વખત માનવ વસાહતની નજીક પણ માળો બનાવે છે. નર અને માદા સાથે મળીને બચ્ચાનો ઉછેર કરે છે. ઘણા લોકો પર્પલ સન બર્ડ ને તેની ઉડવાની સ્ટાઈલના કારણે હમીંગ બર્ડ સમજે છે પણ હમીંગ બર્ડ એ અલગ પક્ષી છે.