દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.
—————————————————————————————————–
અયોધ્યામાં ભગવાન શ્રીરામના નિર્માણાધીન મંદિરમાં રામલલ્લાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો
શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે
શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે
22 જાન્યુઆરીની બપોરે 11થી 12 વાગ્યા વચ્ચે શ્રીધામ અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની દિવ્ય મૂર્તિમાં જે પ્રાણપ્રતિષ્ઠા થવાની છે એ મંગળ અવસરની તમને બધાને, પૂરા દેશને, પૂરી દુનિયાને વધામણી, શુભ કામના, પ્રણામ અને જય સિયા રામ.
હું મોરારિબાપુ, મારા નાના ગામ તલગાજરડામાં, જેને અમે ચિત્રકૂટ કહીએ છીએ, જે મારી જન્મભૂમિ છે ત્યાં હનુમાનજીનાં ચરણોમાં, મારા પરમ સદગુરુના ચરણોમાં બેસીને રામચરિત માનસની ચોપાઈઓનું પાન કર્યું એ જ ભૂમિ પરથી હું આજે આપની સાથે સંવાદ કરવા ઈચ્છું છું.
એક વાત તો એ છે કે રામ ભગવાન એ પરમાત્મા છે, ઈશ્વર છે, પરમ સત્ય છે, પરમ તત્ત્વ છે, બ્રહ્મ છે. કોઈ માને કે ન માને, પણ ભગવતગીતામાં જેનો મહિમા ગાયો છે એ સનાતનનો અર્થ છે શાશ્વત, નિરંતન. બીજી તરફ, રામચરિત માનસમાં કહ્યું છે: આદિ, અંત કોઉ જાસુ ન પાવા, મતિ અનુમાની નિગમ અસ ગાવા અર્થાત્ રામનો આરંભ ક્યારે થયો, અંત ક્યારે થશે એ કોઈ કહી ન શકે. યુગો પહેલાં અથવા તો ઈતિહાસવિદોએ નિશ્ચિત કરેલા વેદકાળમાં વેદમાંના શ્લોકથી લઈને લોક સુધી ભગવાન રામનું અસ્તિત્વ નેતિ નેતિ કહીને ગાવામાં આવ્યું. શિવજીએ રામને પરમાત્મા, ઈશ્વર, જગદગુરુ કહીને સંબોધ્યા છે. આવા પરમ તત્ત્વ ભગવાન રામનું મંદિર જ્યાં નિર્માણધીન છે એ અયોધ્યા નગરી ધન્ય છે, સરયુ નદી ધન્ય છે.
ભારતીય સભ્યતાના સંરક્ષક સાધુ સંત કે તુમ રખવાલે સ્વયં હનુમાનજી જ્યાં બિરાજતા હતા એ હનુમાન ગાદી હોય કે ભગવાન રામે નિવાસ કર્યો એ કનક ભવન હોય એની સાક્ષી છે યુગોથી વહેતી, માનસરોવરથી નીકળેલી, એક સરમાંથી નીકળેલી સરયુ નદી. માનસમાં કહ્યું છે, સરયુ નામ સુમંગલ મૂલા. વેદ અને લોકની વચ્ચેથી ભગવાન રામની પરમ ચેતનાનો પ્રવાહ વહે છે ત્યાં ભગવાન રામનું મંદિર તૈયાર થઈ રહ્યું છે.
રામચરિત માનસના આધારે કહેવા માગું છું કે આપણે જે દિવ્ય ઘડીની રાહ જોતા હતા એ પાંચસો-સાડા પાંચસો વર્ષ પછી સાકાર થઈ રહી છે. ભગવાન રામ સૂર્યવંશમાં થયા હતા. ખગોળના નિયમો અનુસાર સૂર્ય મહાનતમ છે. બ્રહ્માંડમાં આપણા જેવી અનેક આકાશગંગા છે. આપણી આકાશગંગાના સૂર્ય ભગવાન, જે આપણને જીવન આપે છે એ સૂર્યવંશમાં ભગવાન રામ અવતર્યા. એ સૂર્યવંશીના મંદિરને, એના મહિમાને શતાબ્દીઓ પહેલાં કેટલાય લોકોએ સૂર્યગ્રહણની જેમ ગ્રસિત કર્યાં હતાં. જે રીતે સૂર્ય આવા ગ્રહણથી મુક્ત થઈને ફરી પ્રકાશ ફેલાવે છે એ જ રીતે ઈતિહાસ સાક્ષી છે. આજે 78 વર્ષથી અર્થાત્ સાત દાયકાથી તો હું સાક્ષી છું કે અનેક સૂર્ય જેની સામે મલિન દેખાય એવા ભગવાન રામને કેટલાંય રાહુ તત્ત્વોએ સમય સમય પર ગ્રસવાની કોશિશ કરી, પણ અંતે તો તમામ ગ્રહણ દૂર થયાં છે.
અયોધ્યાનો મહિમા, સરયુનો મહિમા, ભગવાન રામ અને રામરાજ્યનો મહિમા અતુલનીય, અકથનીય છે. ભારતને રામરાજ્ય આપવાની ઉદ્ઘોષણા કરવાવાળા ગાંધીજીએ પણ ભગવાન રામની વંદના કરી હતી: ‘હું મારા જીવનમાં જે પણ કરી શક્યો એમાં રામ નામની ભૂમિકા છે.’
શાસ્ત્રોમાં લખ્યું છે કે ભારતની સાત નગરીઓ મોક્ષદાયી છે. એમાં પહેલું નામ અયોધ્યા છે. અહીં જે નિવાસ કરે છે એને મોક્ષ મળે જ છે.
નિર્ધારિત સમય અવધિમાં રામમંદિર પૂરું થશે એના વિશે ત્રણ વાત કહીશ. એક, કળાની દૃષ્ટિએ જોઈએ તો આદરણીય ચંદ્રકાન્તભાઈ સોમપુરાએ ડિઝાઈન બનાવી છે. તલગાજરડાના મંદિરની અદ્ભુત રચના પણ એમણે જ કરેલી. અદાલતના ચુકાદા પછી અમે ચંદ્રકાન્તભાઈને સૂચવેલું કે મંદિરનો એવો પ્લાન બનાવીએ જે વૈશ્વિક હોય, સ્પર્ધા માટે નહીં, પણ બધા લોકોની આસ્થા જોડાય એટલા માટે.
કળાની દ્રષ્ટીએ જુઓ તો મંદિરમાં એક પણ લોખંડની ખીલી ઠોકવામાં આવી નથી. એક હજાર વર્ષ જેટલું આ બાંધકામનું આયુષ્ય છે. મારી આંખોમાં એ અવશ્ય ભવ્ય છે. આધ્યાત્મિક દ્રષ્ટીથી ગર્ભગૃહની વાત કરું તો એ દિવ્ય છે. આ અનુભવ દરેકને થશે. નિજ મંદિરમાં બાલરામજી કે બીજું જે સ્વરૂપ પધરાવાય, પણ એમનાં ચરણો તો સેવ્ય જ છે. આ ભવ્યતા, દિવ્યતા અને સેવ્યતા એ ત્રણ પરમ પવિત્ર પ્રવાહનો સંગમ છે.
ભગવાન જ્યારે લંકાવિજયથી પાછા આવ્યા, અયોધ્યાનું નવનિર્માણ કરવા આવ્યા ત્યારે તમે જાણો છો કે પ્રભુએ વિમાન સરયુના તટ પર ઉતાર્યું અને અયોધ્યાની માટીને પોતાના શિર પર આભૂષિત કરતાં ગાયેલું: જનની જન્મભૂમિશ્રય સ્વર્ગાદપિ ગરીયસી અર્થાત્ મા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે.
રામ અયોધ્યાવાસીઓને બહુ ચાહે છે. કેટલાક લોકોએ રામ પાસે જાનકીની આલોચના કરી હતી, છતાં એમને રામે ઉદારતાથી સહન કરી લીધા હતા. તુલસીદાસે કહ્યું છે કે રામ સમાન ઉદાર કોઈ ન હોઈ શકે.
આવા રામના મંદિરનું પહેલું ચરણ પૂર્ણતાની નજીક છે ત્યારે હું આ સત્ય, પ્રેમ અને કરુણાના યજ્ઞમાં આહુતિ દેનારા બધાને ધન્યવાદ આપું છું. 22 જાન્યુઆરીએ ઘર ઘરમાં દિવાળીની જેમ આ ઉત્સવ મનાવીએ.
રામાવિગ્રહ નિરાકારમાંથી આકાર લે છે. એ આપણી ભૂમિ પર આપણા જેવા થઈને આવે છે. રામ ધાર્મિક નથી, સ્વયં ધર્મ છે. જ્યારે વિગ્રહ ધારણ કરવાની ઈચ્છા કરી ત્યારે સનાતન ધર્મ, વૈદિક અને શાશ્ર્વત ધર્મ આપણી ભૂમિ પર આવ્યા. બીજુ, રામ સાધુ છે. સાધુ થવું એ મારી દૃષ્ટિએ સૌથી ઊંચી વાત છે. માનસમાં પણ લખ્યું છે: રામ પરમ સત્ય છે, રામ ધર્મ છે. રામ પરાક્રમના પ્રતીક છે. પરાક્રમ એ જ કરી શકે જેનું જીવન ધર્મમય, સાધુતાથી ભરેલું હોય. આટલો મોટો સેતુ, સાત જોજન લાંબો સેતુ ચંચલ જાતિના વાનરોથી બનાવ્યો એ કામ રામ જેવા પરાક્રમી જ કરી શકે. હવે તો નાસાની તસવીરોમાં પણ રામસેતુના અવશેષ જોઈ શકાય છે.
અનંત ગુણ છે રામના. વાલ્મીકિએ નારદને પૂછ્યું કે આવો અનંત ગુણશાળી પુરુષ પૃથ્વી પર કોણ છે? એના જવાબમાં રામનું નામ જ આવે છે.
મુનિ ધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જેહિ ધ્યાવહીં
કહિ નેતિ નિગમ પુરાન આગમ જાસુ કીરતિ હાવહીં
સોઈ રામુ બ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધની
અવતેરેઉ અપને ભગત હિત નિજતંત્ર રઘુકુલમની
અર્થાત્ જ્ઞાની, મુનિ, યોગી તથા સિદ્ધ નિરંતર નિર્મલ ચિત્તથી જેમનું ધ્યાન ધરે છે તથા વેદ, પુરાણ અને શાસ્ત્રો નેતિ નેતિ કહીને જેમની કીર્તિ ગાય છે એ સર્વવ્યાપી, સમસ્ત બ્રહ્માંડોના સ્વામી, માયાપતિ, નિત્ય સ્વતંત્ર, બ્રહ્મરૂપ ભગવાન રામે પોતાના ભક્તોનાં હિત માટે રઘુકુળના મણિ રૂપે અવતાર લીધો છે.
– તો સાહેબ, રામ જ્યાં કંઈ નહોતું ત્યાં પણ હતા. બધું જ હતું તો પણ છે અને પ્રલય થશે ત્યારે અંધારું અને જળ સિવાય કંઈ નહીં હોય ત્યારે પણ રામતત્ત્વ તો રહેશે જ. આપ બધાને ફરી એક વાર પ્રણામ, જય સિયા રામ.