કુદરતી આફતો અન્ય દેશમાં આવે તો પણ આપણે માત્ર સમાચારોની ચર્ચામાં રસ લેતા હોઈએ ત્યારે વિચાર
આવે કે આપણને હવે કેટલો બધો વિશ્વાસ છે કે આપણું તો કોઈ કશું બગાડી જ નહીં શકે. વધારે રૂપિયા આપીને કોવિડનાં ઇન્જેક્શન ખરીદી લીધા પછી કદાચ બધું જ ખરીદી શકાય છે એ વિશ્વાસ ઊભો થઈ ચૂક્યો છે. હોસ્ટેલની મેસમાં જમતા વિદ્યાર્થીઓને જરા પણ વિચાર આવ્યો હશે કે એક વિમાન અચાનક એ મકાનમાં ઘૂસી જશે અને થોડી ક્ષણોમાં જ એમનું મૃત્યુ થશે? મૃત્યુ નિશ્ચિત છે, પણ એનો સ્વીકાર જરૂરી છે. જેટલા લખાયા છે એનાથી એક પણ વધુ શ્વાસ ખરીદવા કોઈ સક્ષમ છે ખરું?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. જો આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: અમે ઘણા બધા ભાઈ-બહેનો છીએ. એક ભાઈ-ભાભી થોડા ક્રેક જેવા હતા. એમણે પોતાના જીવનનો વિચાર કર્યા વિના અમને બધાને ભણાવ્યા. લગ્ન કરાવી આપ્યાં અને અમારા બાળકોને પણ ભણાવીને સેટ કરવામાં મદદ કરી. આખી જિંદગીમાં પોતાનું એક ઘર પણ ન બનાવ્યું. રિટાયર થયા પછી પણ નોકરી કરવી પડી. બંનેની તબિયત પણ બગડી. એની સામે બીજા એક ભાઈ મોજમાં રહે. કાયમ અમે બધા ભેગા થઈને મજા કરીએ. એમને જીવનની કોઈ ચિંતા નહીં. અમને તો એવા જ માણસો ગમે. અમે હવે પેલા લોકો સાથે સંબંધ નથી રાખતા. આ ભાઈ તો સાથે ફરવા આવે. અમે કહીએ ત્યારે અમારે ત્યાં કહીએ એટલું રોકાય અને પૈસાનો કોઈ આડંબર નહીં. આપણે વાપરીએ એટલા પૈસા વાપરવા દે. પેલા ભાઈ તો બહેનના ઘરનું ન લેવાય એવા નખરા કરે. મારી એક બહેન વિચિત્ર છે. એ કહે છે કે પેલા ભાઈ-ભાભી સાથે સંબંધ રાખવો જોઈએ. એનું એવું માનવું છે કે એમનો આપણા પર ઉપકાર છે. શું અમે કહ્યું હતું કે મદદ કરો? ખાસ તો આ બાબતમાં તમારો અભિપ્રાય જાણવો હતો.

જવાબ: તમે તમારી જગ્યાએ એકદમ સાચા છો. ભૂલ તમારા પેલા ભાઈ-ભાભીની જ ગણાય. કોઈ પોતાનું ઘર બનાવવાના બદલે અન્યને મદદ થોડી જ કરે? કદાચ એમને ઋણાનુબંધમાં વિશ્વાસ હશે. ઈશ્વર આપણને બધાને કોઈ કારણ વિના તો એક પરિવારમાં ન જ મોકલે. પાછલા કોઈ જન્મનું ઋણ બાકી હશે એટલે એમણે એ ચૂકવી દીધું. જો તમે સામે કંઈ સારું કર્યું હોત તો એ નવું ઋણ ચડી જાત. તમે સંબંધ કાપીને એમને મોક્ષનો માર્ગ મોકળો કરી આપ્યો. બાકી જે માણસ પોતાની ઇચ્છાઓ મારીને કોઈનું ભલું કરે એની સાથે સંબંધ કાપી નાખવાનો કોઈને વિચાર પણ આવે ખરો?
તમારા મનમોજી ભાઈ એમનું લહેણું લેવા આવ્યા હશે. એટલે તમે એમની સેવા કરીને આનંદ લો છો. એક માણસ આખા પરિવાર માટે પોતાની ઇચ્છાઓ છોડી દે એ એની મહાનતા કહેવાય અને એની પત્ની એમાં સાથ આપે એ એના જીવનનું સૌથી મોટું સુખ કહેવાય. તમારાં બહેન હજુ ભારતીય વિચાર ધરાવે છે. એ એમની જગ્યાએ સાચાં છે. હકીકતમાં કોઈનો ઉપકાર ભૂલીને સંબંધ કાપવાનો વિચાર ત્યારે જ આવે જ્યારે તમે એમના સ્નેહને લાયક ન હો.
સવાલ: મારાં લગ્નને પાંત્રીસ વરસ થયાં. છેલ્લા પચીસ વરસથી અમારા પતિ-પત્ની વચ્ચે કોઈ સંબંધ નથી. મારાં લગ્ન એક સગાએ ઓળખાણથી કરાવ્યાં. હું જે કરું એ એ ચલાવી લે છે. છેલ્લા થોડા સમયથી એ ગુસ્સે થઈ જાય છે. વરસોથી મને એકલા જમવાની ટેવ છે. ક્યારેક એમના માટે રસોઈ ન કરું તો એ કરી લેતા. હવે ગુસ્સે થઈ જાય છે. શું કરું?
જવાબ: જે માણસે બધું સહન કરી લીધું એને સહજ રીતે છોડી દો. એની ગેરહાજરીમાં તમને તમારો જવાબ મળી જશે.
સૂચન: અગ્નિમાં યુગલનો બેડરૂમ ન રખાય. એમની વચ્ચે મતભેદ રહ્યા કરે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )






