ક્યારે શું બનશે તે ભાવિનો ગર્ભકાળ જણાવતી વિદ્યા

જ્યોતિષએ જાત મહેનત, સરળતા અને મૂળ સિદ્ધાંતો પર નભે છે. જ્યોતિષએ અનુભવ અને અવલોકન પર નભે છે. કુંડળીઓનો અભ્યાસ કરવાથી જ જ્યોતિષને સમજી શકાય છે. જેટલો સરળ અભ્યાસ તેટલું જ જ્યોતિષ સચોટ બને છે. આ શબ્દો ‘અજ્ઞાત’ બાવાના છે.

આપણે મૂળ જ્યોતિષ તરફ દ્રષ્ટિ દોડાવી પડશે। મૂળ જ્યોતિષમાં શુભ અને અશુભ વિષે સરળ વ્યાખ્યા કરવામાં આવી છે. શનિ, મંગલ, રાહુ અને કેતુ અશુભ ગ્રહો છે. પરંતુ લઘુ પરાશરી અને બીજા મૌલિક ગ્રંથોના પ્રચલન પછી, મૂળ સિદ્ધાંતો તરફ કોઈ જલ્દી દ્રષ્ટિ નથી કરતુ। લઘુ પરાશરી મૂળભૂત રીતે વિશોત્તરી દશાના અભ્યાસ માટેનો ગ્રંથ છે. તેના મુજબ ગ્રહોનું શુભાશુભ ગ્રહોની દશાઓમાં લાગુ પડે છે. વિશોત્તરી દશાના અભ્યાસ માટે લઘુ પરાશરી અણમોલ ગ્રંથ છે, તેમાં વિદ્વાનો બેમત નથી.

લઘુ પરાશરીનો મુખ્ય ઉપયોગ ઘટનાના સમય નિર્ધારણ માટે છે. દશાઓ અનેક છે. વિશોત્તરી અને અષ્ટોત્તરી દશાઓમાં અલગ અલગ ગ્રહોની દશા એક જ સમયે ચાલે છે. યોગીની દશાઓ જોતા પણ જયારે તેમાં શુભ ગ્રહની દશા હોય ત્યારે વિશોત્તરી દશામાં અશુભ ગ્રહની દશા ચાલતી હોય તેવું પણ બને છે. આ બધી દશાઓનો ઉલ્લેખ પરાશર હોરામાં છે જ. મૂળ જ્યોતિષમાં ગ્રહોની દશા માટે ચંદ્ર માસનો ઉપયોગ કરાયો છે. 360 દિવસની ગણતરી લઈને દશાઓ ગણતા જ્યોતિષ ‘ધુરંધરો’ને અમે જોયા છે, અને તેમની આગાહી અને ફળકથન સચોટ જ રહેતા હતા.

અમારા એક વિદ્વાન અને અનુભવી જ્યોતિષી જેમની ઉંમર અત્યારે લગભગ 80 વર્ષની હશે, તેઓ પાસે આ વાત કરતા તેઓએ પણ ગ્રહોના શુભાશુભ વિષે પોતાનો મત મુક્યો હતો. તેઓના કહેવા મુજબ ગ્રહોનું નૈસર્ગીક શુભાશુભ ઘણું મહત્વનું છે. જેમ કે, કોઈ ભાવને જો મંગળ અને શનિ બંને ગ્રહોની દ્રષ્ટિ મળતી હોય તો તે ભાવ જો શનિ કે મંગળના આધિપત્યનો ના હોય તો તેનું ફળ નકારાત્મક મળે છે. તેમાં શંકા રાખવા જેવું કશું નથી. ગુરુ અને શુક્રની દ્રષ્ટિમાં જે ભાવ હોય અથવા જે ભાવમાં આ બે શુભ ગ્રહો બેઠા હોય તે ભાવમાં શુભ થાય છે. તે મુળજ્યોતિષનો વિષય છે, અને સચોટ છે.

જે ભાવનો સ્વામી શનિ કે મંગળ હોય તે ભાવનું ફળ શનિ અને મંગળના સ્વભાવ મુજબ સંપૂર્ણ શુભ મળતું નથી. જે ભાવના સ્વામી શુક્ર કે ગુરુ હોય તે ભાવનું ફળ અંતે શુભ જ હોય છે. ગ્રહ અશુભ ગ્રહોના અંશમાં પડ્યો હોય તો તેનું ફળ અશુભ મળે છે. બૃહદ પરાશર હોરામાં સુદર્શન ચક્રનો ઉલ્લેખ છે. સૂર્ય, ચંદ્ર અને જન્મ લગ્ન ત્રણેય લગ્નને કેન્દ્રમાં મૂકીને સુદર્શન ચક્ર દોરવામાં આવે છે. સુદર્શન ચક્રના નિયમો અતિ સરળ છે.

દર વર્ષે તમારું જન્મલગ્ન ક્રમિક રીતે બદલાય છે. પ્રથમ વર્ષે પ્રથમ ભાવ જન્મલગ્ન અને તેનું ફળ તે જન્મલગ્ન અનુસાર। બીજા વર્ષે ધન ભાવએ લગ્ન માનીને તમારે બધા ગ્રહો જન્મકુંડળીની રાશિ મુજબ મુકવાના છે. આ કુંડળી મુજબ જન્મના બીજા વર્ષનો ફલાદેશ થાય. માસ બાબતે બાર માસને એક એક ભાવ આપીને તે માસનું ફળકથન થઇ શકે છે.

ઉપર મુજબ સુદર્શન ચક્રમાં જે તે વર્ષમાં કે માસમાં કેન્દ્ર કે કોણ સ્થાનોમાં નૈસર્ગીક પાપ ગ્રહો વધુ હોય અથવા અષ્ટમમાં રાહુ કે શનિ હોય તે માસ કે વર્ષનું ફળ શુભ નથી. મિશ્ર ગ્રહો હોય તો ગ્રહોના બળાબળ જોઈને ફળકથન કરવું જોઈએ। કેન્દ્ર કે કોણ સ્થાનોમાં નૈસર્ગીક શુભ ગ્રહો વધુ હોય તો તે વર્ષ કે માસમાં ઈચ્છીત કાર્યમાં શુભ ફળ મળે છે, કાર્ય સિદ્ધ થાય છે. શુભ કે અશુભ ફળ જન્મના ગ્રહોના બળથી વધુ ના હોઈ શકે. સુદર્શન ચક્રમાં કેન્દ્ર અને કોણના સ્થાનોનું જ મહત્વ વધુ છે, કારણ કે કેન્દ્ર અને કોણનો પ્રભાવ જીવન પર વિશેષ અનુભવાય છે. 3,6,11માં ભાવમાં અશુભ ગ્રહો હોય તો તેને યોગકારક ગણવા। ગ્રહોના નૈસર્ગીક શુભાશુભ જ ગણતરીમાં લેવાથી વધુ સચોટ ફળ મળશે। ઘટના સમય નિર્ધારણની આ પદ્ધતિ જ્યોતિષની જેમ જ સરળ છે.