“ શિયાળો એટલે અમારી સીઝન ગણાય. બધાંને જાતજાતની બીમારીઓ આવે. અને એમાંય પાછી ચામડીની બીમારીઓ તો ખાસ આવે. ચામડી જેવી સૂકી હવાને સ્પર્શે કે અમારે ત્યાં ભીડ થવાની શરુ થઇ જાય. એનું એક કારણ લોકોમાં રહેલો દેખાવ માટેનો ભય પણ છે. બધાંને સુંદર દેખાવું છે. પછી ભલે અંદર ગમે તેવી ગંદકી હોય. પણ હા. એના કારણે ત્વચાની સારવાર કરનારને ઘીકેળા થઇ જાય ખરાં. પહેલાં લોકો ઘી, મલાઈ, મધ, દહીં જેવી ઘરઘરાઉ વસ્તુઓનો પ્રયોગ કરીને ચામડીની કાળજી રાખતાં. પણ હવે નવી પેઢીના લોકો પાસે એ સમજવા માટે સમય જ ક્યાં છે? અને જો દવા ન આપીએ કે સાચી સલાહ આપીએ તો એ ડોક્ટર બદલી નાખશે.” આ વાત સાંભળ્યાં પછી ખરેખર વિચાર આવ્યો કે અમે નાના હતાં ત્યારે સાબુ તો ઘરમાં દેખાતો જ નહીં.
નહાવા માટે ચણાના લોટમાં હળદર અને મલાઈ નાખીને ઉબટન બનાવતું અને દાતણથી દાંત સાફ થતાં. આ તો વચ્ચેના સમયમાં ભૌતિકતાની જે લહેર આવી તેમાં માત્ર દેખાવથી જ વ્યક્તિત્વ ખીલે તેવી ગેરમાન્યતા ઘર કરી જવા લાગી.
ઉત્તરનો અક્ષ નકારાત્મક હોય અને અગ્નિનો દોષ હોય ત્યારે આવી વિચારધારાનો ભોગ બનવાની સંભાવના વધી જાય છે. અને પછી જરાક હોઠ પણ ફાટે તો ઘી લગાવવાના બદલે ડોકટરે દર્શાવેલ જાતજાતની દવાઓ લેવી પડે. એક સામાન્ય માણસ પણ દેખાવને પ્રાધાન્ય આપી અને આર્થિક તણાવમાં જીવતો જોવા મળે છે. જાતજાતના સૌન્દર્ય પ્રસાધનો ઘરમાં જોવા મળે. વળી એમાં પણ કેટલાક ભૂલથી આવી ગયાં હોય. જયારે વ્યક્તિ પોતાના દેખાવ માટે વધારે પડતું વિચારવા લાગે ત્યારે પોતાના માટેનો અણગમો ઉદભવે.
જો આવું થાય તો ઘરમાં ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય અને બ્રહ્મનો દોષ હોય ત્યારે વ્યક્તિને પોતાના દેખાવ માટે વિશ્વાસ ઓછો રહે છે. રાજ કપૂર અભિનીત સપનો કા સૌદાગર ફિલ્મમાં તનુજાનું પાત્ર આ વિચારધારામાં બરાબર બેસે છે. તેને પોતાને પોતાની સુંદરતા પર ભરોસો હોતો નથી અને તેથી જયારે પણ કોઈ તેને જોવા આવે ત્યારે તેની જગ્યાએ અન્ય સ્ત્રીને બેસાડવામાં આવતી હોય છે. લગ્ન જેવી બાબતમાં કોઈની જગ્યાએ કોઈને બતાવવું એ કેટલું જોખમી સાબિત થઇ શકે?
મારા રીસર્ચમાં અર્જુનનું વૃક્ષ અગ્નિમાં વવરાવ્યા બાદ અમે અનુભવ્યું કે ચામડીને લગતી સમસ્યાઓ વધી હતી. અર્જુનની છાલ પાણીમાં પલાળીને તેનો ઉપયોગ રક્ત શુદ્ધિમાં વપરાય છે જે એકંદરે ચામડીને પણ અસર કરે. આનાથી વિપરીત પરિણામો અમને તેની ઊર્જાના મળ્યાં. મારા અભ્યાસમાં મેં સતત અનુભવ્યું છે કે જે તે વૃક્ષ તેની યોગ્ય જગ્યાએ હોય તો તેની શ્રેષ્ઠ ઊર્જાની પ્રાપ્તિ થઇ શકે છે. અર્જુનના વૃક્ષને સમજીએ તો તેનો દેખાવ રુક્ષ છે. તેની છાલ પણ રુક્ષ છે.વળી તે વૃક્ષની છાલનું જ મહત્વ છે. જેમ વ્યક્તિનો પ્રભાવ જીવન પર પડે છે તેવું વનસ્પતિની બાબતમાં પણ છે તેવું મારું માનવું છે. કુંવારપાઠું ચામડીની દવા બનાવવામાં વપરાય છે તેવું આયુર્વેદ કહે છે. પણ વાસ્તુ નિયમો તેને કમ્પાઉન્ડમાં વાવવાનો નિષેધ દર્શાવે છે. તેથી જેટલા પણ મેડીસીનલ પ્લાન્ટ્સ છે તે બધાં જ આંગણામાં વાવવા તેવું જરૂરી નથી. તો પછી કઈ વનસ્પતિ વાવી શકાય? આવો વિચાર આવે જ. તેના પર તો આખું પુસ્તક લખી શકાય. ટૂંક સમયમાં જ તેના વિષે પણ આપણે વિસ્તારથી ચર્ચા કરીશું.
ચામડીના રોગની ચર્ચા કરીએ તો તેમાં સામાન્ય સુષ્ક ત્વચાથી લઇ અને ખરજવું કે ચામડીના કેન્સર સુધીની વાત થઇ શકે. અને દરેક રોગની ખાસિયત પ્રમાણે તેના ઉદભવસ્થાન પણ સમજી શકાય. જયારે નકારાત્મકતા ઉદભવે ત્યારે રોગ પણ આવે અને જયારે હકારાત્મકતા ઉદભવે ત્યારે તેનું નિવારણ પણ મળે. એક માન્યતા પ્રમાણે ચામડીના રોગો મનની સ્થિતિ સાથે જોડાયેલાં છે. કોઈ ખાસ પ્રકારનું દબાણ મન પર લાંબા સમય સુધી રહે તો અંતે તે ચામડીના રોગ સ્વરૂપે બહાર આવી શકે.
દબાણ એ નકારાત્મક શબ્દ છે અને તેની અસર પણ નકારાત્મક જ હોય તે સ્વાભાવિક બાબત છે. બેક્ટેરિયા, ફૂગ, વાયરસ આવા સૂક્ષ્મ જીવો પણ ચામડીના રોગના કારક છે તેવું વિજ્ઞાન જણાવે છે. અને સૂક્ષ્મ જીવો નારી આંખે દેખાતા નથી પણ તેની અસર ચોક્કસ દેખાય છે. દરેક પ્રકારના રોગોની ખાસિયત પણ અલગ દેખાય છે અને તેથી જ જે તે રોગના પ્રકારને સમજી અને તેને અનુરૂપ હકારાત્મક ઊર્જાના નિયમોને જો સમજવામાં આવે તો ચોક્કસપણે હકારાત્મક ઊર્જાનો લાભ જે તે રોગમાંથી છૂટકારો મેળવવામાં મદદરૂપ થઇ શકે છે.
ભારતીય વાસ્તુમાં દરેક સમસ્યાના નિવારણ માટેના નિયમો છે. માત્ર તે સમસ્યાને સમજવા માટે જે તે જગ્યાનો અભ્યાસ ખૂબ જ જરૂરી બની જાય છે.