સુનિલદત્ત અને નુતનની ફિલ્મ મિલનનું એક જાણીતું ગીત છે” રામ કરે એસા હો જાયે, મેરી નીંદીયા તુજે મિલ જાયે, મેં જાગું તું સો જાયે.” જયારે મિત્રો પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે મજાકમાં પણ આ ગીત ગવાતું હોય છે. પણ સતત જાગતા રહેવું તેને વરદાન ગણી શકાય? સામાન્ય રીતે માણસને ૬ થી ૮ કલાકની ઊંઘની જરૂર હોય છે અને શરીર અને મનને રીચાર્જ કરવા માટેનું કાર્ય પણ તે કરે છે. કોઈ પણ રોગ હોય તેની દવા લેવાથી ઉંઘ આવે તો ઈલાજ સરળ બને છે. જરા વિચારો કોઈને ઉંઘ આવતી જ ન હોય તો તેને કેટલી તકલીફ પડે?
વડોદરામાં એક વ્યક્તિને અનિન્દ્રાની તકલીફ હતી. તે આખી રાત બારી પાસે બેસી રહે. કેટલાક લોકો તો તેને ચોકીદાર કહીને ચીઢવતા પણ ખરા. તેનું કારણ હતું તેમના ઘરમાં તેમની સુવાની વ્યવસ્થા. અગ્નિના રૂમમાં માળિયા નીચે પશ્ચિમ તરફ માથું રાખીને સુવાની વ્યવસ્થાના લીધે તેમની ઊંઘ ઉડી ગઈ હતી. જેવી તેમની વ્યવસ્થા બદલાઈ તેમની તકલીફ પૂરી થઇ ગઈ. સામાન્ય રીતે પશ્ચિમ તરફ માથું રાખીને સુવાની વ્યવસ્થા હોય ત્યારે નિંદ્રા નહીં પણ તંદ્રા આવે છે. ઊંઘમાં માણસનું મન કાર્યરત રહે છે અને ઊંઘ પૂરી થયાં નો સંતોષ થતો નથી. કેટલાક લોકો વધારે પડતું સુવે છે કારણ કે તેમની ઊંઘ યોગ્ય નથી.
બિહારમાં એક ભાઈને સતત ભય સતાવ્યા કરે અને રાત્રે ઊંઘ ન આવે. જેવો સૂર્ય ઉગે કે તેમને ઉંઘ આવે. તેમના ઘરમાં નૈરુત્ય સાથે જોડાયેલ ત્રણેય અક્ષ નકારાત્મક હતા અને ઉત્તરનો દોષ હતો. આવા સંજોગોમાં કાલ્પનિક ભય ના લીધે ઊંઘ ઉડી જાય. વ્યક્તિને સતત એવું લાગ્યા કરે કે તે સુરક્ષિત નથી. જો નૈરુત્યમાં પશ્ચિમ મુખી પૂજા હોય અને ત્યાજ પિતૃની સાથે ઈશ્વરના ફોટા હોય ત્યારે પણ આવી ઉર્જા જોવા મળી શકે. સારી ઊંઘ માટે યોગ્ય પલંગ પણ જરૂરી છે.
સ્ટોરેજ બેડ પર સુવાથી અને આસપાસ કોઈ ખુબજ વાંકો ચૂકો આકાર હોય કે મસ્તકનું પ્રતિબિંબ અરીસામાં પડતું હોય ત્યારે ઊંઘમાં ખલેલ પડે તેવું બને છે. ઉંઘ પૂરી ન થવાથી સ્વભાવ ચિઢચીડીઓ બની જાય છે અને એકંદરે ઘરની શાંતિ હણાય છે. ભાવનગરમાં એક બહેન ગર્વથી કહેતા કે, ”મારી ઊંઘ કુતરા જેવી. જરાક અવાજ થાય અને હું જાગી જાઉં અમારે ત્યાં ચોર તો આવી જ ન શકે.” આનો અર્થ કે તેમની ઊંઘ સારી ન હતી. તેમના ઘરના અગ્નિમાં ગોળાઈ વાળી બાલ્કની હતી અને ત્યાજ હીંચકો હતો. અગ્નિના દોષના કારણે નારીને તકલીફ પડે છે. વળી આ જગ્યાએ વાયુના પ્રતિક આવવાથી તેમને વિચારો વધારે આવતા અને ઊંઘ ઓછી.પગના તળિયા પર સતત પવન આવે તો પણ ઊંઘ સરખી ન થાય. તો વધારે બાફ થતો હોય ત્યારે પણ ઊંઘમાં તકલીફ પડે. જો ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળતો હોય તો ઊંઘ સારી રીતે આવે. તેથી જ ઘરમાં અમુક છોડ બેડ રૂમમાં રાખવા પર નિષેધ છે. પશ્ચિમના એક પદમાં પીપળો વાવવાનું મહત્વ કદાચ એટલે જ હોઈ શકે. મારા રીસર્ચમાં મેં જોયું છે કે જે વ્યક્તિ કુદરતથી નજીક રહે છે તેની ઊંઘ પણ સારી હોય છે. જેની ઊંઘ સારી હોય તેનું તન અને મન પણ સ્વસ્થ હોય. અને એકંદરે જીવન પણ સુખમય હોય જ.