સુનહુ ભારત ભાવિ: સૂર્ય અને શનિનો કેન્દ્ર યોગ અને શેરબજારની સ્થિતિ

સ્વવતંત્ર ભારતની કુંડળી મુજબભારતના જન્મે શનિની દશા ચાલી રહી હતી. પરંતુ શનિ વૃષભ લગ્નમાં યોગકારક હોઈ, તેની દશામાં દેશમાં સ્થિરતા રહી, તે લગભગ ૧૯૬૫માં પૂર્ણ થઇ. ૧૯૬૫ પછીના વર્ષોમાં તુરંત દશા બદલાતા એટલે કે બુધની દશા આવતા જ યુદ્ધ અને તકલીફોનો દોર રહ્યો. બુધ ત્રીજા ભાવમાં પાડોશી દેશોનું સુચન કરે છે, કર્ક રાશિનો બુધ શુભ કહેવાતો નથી. દેશ અને પાડોશી દેશો સાથે પણ આ સમય દરમિયાન કશ્મકશ અને વિશ્વાસઘાતના પ્રસંગો બનતા રહ્યાં. ૧૯૮૨થી૧૯૮૯ સુધી કેતુની દશા રહી, જેમાં દેશ આંતરિક સુધારા તરફ વળી ગયો હતો. આ સમય દરમિયાન કોઈ નક્કર સાહસ કે આર્થિક સંપદાના યોગ બન્યા નહીં. ૧૯૮૯થી૨૦૦૯ સુધીનો સમય, શુક્રની દશાનો હતો, જે સ્વતંત્ર ભારતની કુંડળીમાં લગ્નેશ ગ્રહ છે. આ દશામાં દેશ અનિવાર્ય રીતે સતત પ્રગતિ કરતો રહ્યો. આ દશા દરમિયાન અનેક ઘટનાઓ ઘટી, અને ઉઠાપટક વચ્ચે પણ દેશમાં આર્થિક પ્રગતિ જોવા મળી હતી. શુક્રમાં શનિ દશા ચાલતી હતી, એટલે કે ૨૦૦૨થી ૨૦૦૫ સુધીમાં આર્થિક અને રાજનીતિક સુધારાની બીજા દેશોએ પણ નોંધ લીધી હતી. અત્યારે ચંદ્રની મહાદશા ચાલે છે, જે લગભગ ૨૦૨૫ સુધી રહેશે, હવે ચંદ્રમાં શનિની દશા આવશે, આ લાંબો સમય ૨૦૨૦થી૨૦૨૧ જુલાઈ સુધીનો રહેશે. બંને ગ્રહો ત્રીજા એટલે કે પાડોશ ભાવમાં બિરાજે છે. ચંદ્ર અને શનિ એકબીજાના શત્રુગ્રહો છે, તે વાત સર્વ વિદિત છે.હાલની વાત કરીએ તો, બજારની સ્થિતિ અને ખાસ તો શેર માર્કેટમાં સતત મંદીનો માહોલ સર્જાઈ રહ્યો છે. સ્વતંત્ર ભારતની જન્મકુંડળી જોઈએ તો પાંચમો ભાવ, જે શેર બજાર, સટ્ટાકીય બાબતો અને હુનરને રજુ કરે છે. આ ભાવ રમત ગમત અને કૌશલ્યનો પણ ભાવ છે, આ ભાવનો માલિક બુધ બને છે, બુધ સ્વયં વ્યાપાર અને બુદ્ધિનો ગ્રહ છે.પણ ભારતની જન્મકુંડળીમાં પંચમ ભાવ પર શનિ અને મંગળની દ્રષ્ટિ છે.બંને ખલગ્રહો, મંગળ અને શનિ થકી આ ભાવ દુર્બળ બન્યો છે. મંગળનો નક્ષત્ર પતિ રાહુ છે. અર્થાત પંચમ ભાવ પર દ્રષ્ટિ કરનાર મંગળ, રાહુના નક્ષત્રમાં છે. તે તેને ઓર ક્રૂર અને દુષિત બનાવી દે છે.મંગળ અને શનિની દ્રષ્ટિ કહે છે કે આ ભાવને બહારથી દુષિત કરનાર અન્ય પરિબળો હમેશા મોજુદ જ રહેશે. શનિ થકી વારેઘડીએ મોટી કંપનીઓનું ડીફોલ્ટ થવું પણ આપણે જોઈ શક્યા છીએ. અન્ય વિકસિત દેશોમાં શેરબજારના કાયદા-કાનુન વધુ કડક અને અમલ પણ સરખામણીએ સારો જોઈ શકાય છે.

સેન્સેક્સ અત્યારે આ મહીને ૩૮૦૦૦ની સપાટીને અડકીને સીધો ૩૪૦૦૦ તરફ ગતિ કરી રહ્યો છે. બેશક કરોડોનું મૂડી ધોવાણ થઇ રહ્યું છે. સ્વતંત્ર ભારતની કુંડળીમાંસૂર્ય પંચમ ભાવે ભ્રમણ કરી રહ્યો છે જે શેરબજારને દર્શાવે છે, શનિ આઠમે ભ્રમણ કરી રહ્યો છે. શનિની દસમી દ્રષ્ટિમાં સૂર્ય અને પંચમ ભાવ બંને આવી જવાથી, શેર-બજાર, રમત ગમત અને અભ્યાસ વિષયક બાબતોમાં દેશને તકલીફોનો દોર ચાલી રહ્યો છે. આમ પણ સ્વતંત્ર ભારતની કુંડળીમાં શનિ અષ્ટમ ભાવે ભ્રમણ કરી રહ્યો છે, તે એક સાવચેતી રાખવા જેવું મોટું પરિબળ છે જ.

૨૦૧૮ની સાલનું વર્ષફળ જોઈએ તો તેમાં પણ કર્ક લગ્નની કુંડળીમાં શનિની પત્યાયની દશા ચાલી રહી છે, તે લગભગ ૧૧ ડીસેમ્બર ૨૦૧૮ સુધી ચાલશે. ડીસેમ્બર ૨૦૧૮ની આસપાસ, સૂર્ય પણ શનિ સાથે યુતિ સ્વતંત્ર ભારતની કુંડળીમાં અષ્ટમ ભાવે કરશે. આ પ્રકારનો યોગ નિશ્ચિત રીતે કપરા ચઢાણ દર્શાવે છે. નજીકના ભવિષ્યમાં જોઈએ તો ૧૮ઓક્ટોબર ૨૦૧૮ પછી નાટ્યાત્મક રીતે બજારમાં સુધારો આવી શકે, પરંતુ તે તેજી એકાદ મહિનાથી વધુ ટકી શકે નહીં તેવું ગ્રહોને આધારે જ્યોતિષના મનીષીઓ ભવિષ્ય ભાખી રહ્યાં છે.