કન્યાની જન્મકુંડળીમાં મંગળની સ્થિતિથી લગ્નજીવનના સુખદુઃખ

નુષ્યનું જીવન તેનું ઘર, તેના ધંધારોજગાર અને તેના લગ્નજીવનના ત્રણ મહત્વના આધારસ્તંભ પર રહેલું છે. આ ત્રણેયની સાપેક્ષે તે પોતે ક્યાં છે અને કઈ રીતે વર્તે છે, તેને આધારે તેના જીવનનું સુખદુઃખ નક્કી થતું હોય છે. જન્મકુંડળીમાં તમે પોતે એટલે પહેલો ભાવ, તમારું ઘર એટલે ચતુર્થ ભાવ, તમારો રોજગાર એટલે દસમો ભાવ અને લગ્નજીવન એટલે સપ્તમ ભાવ. આ ચારેય બાબતો કેન્દ્રસ્થાનોમાં છે અને મનુષ્યજીવનને સૌથી વધુ સ્પર્શે છે, માટે જ ઋષિમુનિઓએ તેમને કેન્દ્રસ્થાનો કહ્યાં. આ ચારસ્થાનોને સહેજ આગળ એક એક ડગલું લઇ જઈએ તો બીજો, પાંચમો, છઠો અને અગિયારમો ભાવ આવશે. એટલે કે, પછીની મહત્વની બાબતોમાં કુટુંબ અને મિલકત, સંતાન, શારીરિક સુખ અને મિત્રો આવશે. આ બધી બાબતો જન્મકુંડળીની રચનાના આધારે થઇ. પણ આજે લગ્નજીવનનું સુખદુઃખ ગ્રહોના આધારે મૂલવવા નમ્ર પ્રયાસ કરીશું. ભાગદોડ અને આર્થિક હોડના જમાનામાં લગ્નજીવનનો પ્રશ્ન ધીરેધીરે ગંભીર થતો જાય છે.  મંગળ એ પૌરુષત્વ છે, શારીરિક બળ, લડાયક મિજાજ અને શક્તિએ મંગળગ્રહના આધારે રહેલી છે. માંગલ્ય કે માંગલિક શબ્દમાં મંગળ સમાઈ જાય છે, મંગળ એટલે શુભ પણ થાય. સ્ત્રીના જીવનમાં મંગળ થવું એટલે તેના લગ્ન થવા. લગ્નના કપડાના રંગ પણ લાલ. આ પાનેતરનો રંગ લાલ અને સફેદ હોય છે, તેમાં શુક્ર અને મંગળ બેય ગ્રહોનો પ્રભાવ વાણી લેવામાં આવ્યો છે. સફેદ ચમકદાર રોશની, તેજ એટલે શુક્ર. રક્ત સમાન સર્જન શક્તિનો રંગ એટલે લાલ રંગ જે મંગળનો રંગ છે. હાથે મહેંદી, કેડે કંદોરો, માથે સોનાનો ટીકો અને પગે અળતો, આ બધું શૃંગાર છે પણ થોડું મનન કરશો તો તમને ચોક્કસ જ્યોતિષીય કારણો પણ મળી આવશે. લગ્નની સંપૂર્ણ વિધિમાં નવેગ્રહો આવી જાય છે. ખારેક, હળદરની ગાંઠો, તાંબાનો સિક્કો આ બધું ગ્રહોનું જ પ્રતિનિધિત્વ કરે છે. હળદરની ગાંઠ એ ગુરુ ગ્રહ છે. તાંબાનો સિક્કો એ મંગળ છે. આમ સ્ત્રીની કુંડળીમાં મંગળનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. મંગળ રક્ત દર્શાવે છે અને રક્ત થકી જ બધું સર્જન થાય છે.

જો મંગળ શુભ સ્થાનોમાં, શુભ ગ્રહો વડે દ્રષ્ટ હોય તો લગ્નજીવન મહદઅંશે શુભ જ વીતે છે. પરંતુ મંગળ, શનિ, રાહુ જેવા ગ્રહો સાથે યુત કે દ્રષ્ટ હોય તો સ્ત્રીના લગ્નજીવનમાં કષ્ટ આવે જ છે. મંગળ શનિ, સૂર્ય કે રાહુ સાથે જો સ્ક્વેર એસ્પેક્ટમાં હોય તો લગ્નજીવન ભાંગી પડતું નથી પરંતુ પતિનું સુખ ના બરાબર રહે છે.

એક કુંડળી છે, જાન્યુઆરી ૧૯૫૮ની, તેમાં બીજે શનિ સાથે મંગળ બિરાજમાન છે. જીવનની મધ્યઅવસ્થાએ બહેનના પતિનું અવસાન થયું છે. એક બીજી કુંડળીમાં, મંગળ અને કેતુની યુતિ અષ્ટમ ભાવે છે, ડીસેમ્બર ૧૯૮૫ની આ કુંડળીવાળી કન્યાનું લગ્નજીવન ભંગ થયું છે. એક કુંડળી છે, ફેબ્રુઆરી ૧૯૬૮ની, મંગળ રાહુ ભેગા છે, બારમે. લગ્નબાદ તુરંત આકસ્મિક અવસાન થઈને લગ્નજીવન પર પૂર્ણવિરામ લાગી ગયું હતું. ઓગષ્ટ ૧૯૫૪ની એક કુંડળી છે, તેમાં મંગળ રાહુ બીજા સ્થાને ભેગા છે, લગ્નજીવન બાદ પતિનું આકસ્મિક અવસાન થયું હતું. બહેનને વિધવા જીવન જીવવું પડેલ છે. ૧૯૬૬ ફેબ્રુઆરીની એક કુંડળી છે, મંગળ, શનિ સાથે યુતિ કરે છે, બહેનના પતિનું આકસ્મિક અવસાન થયું હતું. જાન્યુઆરી ૧૯૬૦ની કુંડળી છે, મંગળ શનિ સાથે ચતુર્થ ભાવમાં યુતિ કરે છે, બહેનના પતિનું અકાળે અવસાન થયું હતું. સપ્ટેમ્બર ૧૯૬૦ની કુંડળી છે, તેમાં મંગળ અને શનિની પ્રતિયુતિ છે, બહેનનું લગ્નજીવન પતિના અકાળે મૃત્યુથી ભાંગી પડ્યું હતું. આ પ્રકારે અસંખ્ય ઉદાહરણો છે, કે જેમાં મંગળ, શનિ કે રાહુ સાથે યુત હોય અને લગ્નજીવનમાં અસ્થિરતા આવી ગઈ હોય. ઉપરના બધા ઉદાહરણોમાં મંગળ જ મહત્વનો ગ્રહ છે તે જોઈ શકાય છે. કન્યાની કુંડળી તપાસતા સમયે મંગળ પર વધુ ધ્યાન આપશો તો તમને કદાચ તેના લગ્નજીવનના સુખદુઃખનો એક દ્રષ્ટિએ જવાબ મળી શકે.

નીરવ રંજન