તમે સહુથી વધારે કોને પ્રેમ કરો છો? જવાબો ઘણા હશે. હવે એક પરિસ્થિતિનો વિચાર કરીએ. તમે જેનું નામ વિચાર્યું છે એ વ્યક્તિ સાથે તમે અચાનક એક ઊંડા જળાશયમાં પડી જાવ છો. તમે સહુથી પહેલા શું કરશો? આ પ્રશ્નના પણ ઘણા જવાબો હોઈ શકે. પણ સાચો જવાબ છે કે તમે શ્વાસ લેવા ઉપર આવવા પ્રયત્ન કરશો. એનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિ સહુથી પહેલા પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરે છે. જો વિચારવાનો સમય મળે તો અન્ય ઘટના વિચારી શકાય. તેથી જ કદાચ આપણા ગ્રંથોમાં પ્રતિષ્ઠા, ધન, વૈભવ વિગેરેને ક્ષણિક સુખ માનવામાં આવે છે. વધારે ધન સુખ ભલે ન આપી શકે પણ અન્યનું સુખ ઓછુ કરવામાં મદદ જરૂર કરી શકે.
શું તમને દુખી થવું ગમે છે? કોઈને ન ગમે. તો પછી આપણા સુખની ચાવી આપણે અન્યના હાથમાં કેવી રીતે આપી શકીએ? કોઈ આપણી ઉપર પ્રહાર કરે તો આપણે બે ક્રિયા કરીએ. એક આત્મ રક્ષા અને બીજું સામે પ્રહાર. આમ તો ત્રીજો રસ્તો ભાગી જવાનો પણ છે. પણ એ યુદ્ધના નિયમોમાં નથી આવતું. ભાગવું અને પ્રહાર કરવો એ બંને સરળ કામ છે. માત્ર ઢાલ લઈને યુદ્ધ જીતવું કઠીન છે. અને એ ઢાલ છે આપણું વ્યક્તિત્વ. ક્યાં અટકવું, ક્યાં ઝૂકવું અને ક્યાં ખદેડવું એ સમજાઈ જાય તો પુરતું છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર જરૂર પૂછી શકો છો.
સવાલ: માણસને ખબર છે કે એ કશુજ નથી લઇ જવાનો તો પણ બધું ભેગું કરવા માટે આટલા કાવાદાવા કરે છે. અન્યનું અપમાન કરીને નીચા દેખાડે છે. અને કોઈનું છીનવી લેવાની દાનત રાખે છે. જો એ સાથે લઇ જઈ શકતા હોત તો? તો કદાચ માનવ જાતી બચી જ ન હોત. થોડા સમય પહેલા એક જગ્યાએ અમે બેઠા હતા. એક વ્યક્તિ આવી અને મારું અપમાન કરવા પ્રયત્ન કર્યો. મારું ધ્યાન ન હતું એટલે મને તો ખબર પણ ન પડી. એણે થોડા સમય પછી ફરી પ્રયત્ન કર્યો. મને એમ કે એ કોઈ બીજા વિશે કહે છે. અંતે એ વ્યક્તિએ મારું પાકીટ છીનવી લીધું. મેં ત્વરાથી એ પાછું લઇ લીધું. થોડા સમય પછી મારી એક મિત્રે સમજાવ્યું કે આ બધું તારા વિશે બોલાતું હતું. જેમને આપણે સરખું ઓળખતા નથી એવા લોકો પણ ભુરાયા થશે તો સમાજનું શું થશે? આનો ઉપાય શું?
જવાબ: તમારું અજ્ઞાન, સહજતા અને ભોળપણ એ તમારી તાકાત છે. કોઈ અપમાન કરે છે એ પણ તમને ન સમજાય તો એ તો ખાસિયત ગણાય. અન્ય કોઈએ તમને સમજાવ્યું ત્યાં સુધી તમે સુખી હતા. બસ તમારું વ્યક્તિત્વ સાચવી રાખો. કોઈ તમને દુખી નહિ કરી શકે.
ભૌતિકતાની ભૂખ એ ભારતીય વિચારધારા ન હતી. હવે ખોટા લાઈક્સ, ખોટી વાહવાહી, ક્ષણિક વખાણ એ બધાની પાછળ ભાગતો સમાજ જીવનના મુલ્યો ભૂલતો જાય છે. વળી બધાએ સ્વીકારી લીધું છે કે કળીયુગમાં આવું જ થાય. કલિયુગ તો હજારો વરસથી ચાલતો આવે છે. આપણે જ્યાં સુધી સ્વને નહિ સમજી શકીએ ત્યાં સુધી આ રેસ ચાલતી રહેવાની છે. તમે સહજ છો. એવા જ રહો.
સવાલ: હું નાની હતી ત્યારે જો છોકરો દારૂ પીતો હોય તો એ ઘરમાં કોઈ દીકરી ન દેતા. આજે એ સ્ટેટસ ગણાય છે. મારી દીકરીના લગ્ન એક સારા ધનવાન ઘરમાં થયા. જમાઈના ઘરમાં બધાને વ્યસન છે. મારી દીકરી છુટા છેડા લેવાનું કહે છે. સમાજ શું કહેશે?
જવાબ: પહેલાના જમાનામાં ગુણ અને સંસ્કાર જોવાતા હતા. હવે સંપતિ અને દેખાડો જોવાય છે. તમે લગ્ન પહેલા તપાસ કરી હોત તો સારું હતું. લગ્ન એ મજાક નથી. જે ઘરમાં દીકરી સુખી ન રહે એ ઘરમાં એને આજીવન ન રખાય. તમારા ઘરમાં શિવપૂજા અને ગાયત્રી મંત્ર કરો. એનાથી યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે.
સુચન: પ્રસાદમાં લેવાતા દ્રવ્યો તાજા હોય એ સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. તેથી જ તેને પોતાના ઘરમાં બનાવવાની પરમ્પરા છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)