શ્રાદ્ધ એ કોઈ નકારાત્મક બાબત નથી. આપણા ભારતીય નિયમોને લઈને અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ભારતીય સંસ્કૃતિમાં હમેશા રચનાત્મક અભિગમ જોવા મળ્યો છે. પરંતુ કેટલાક સમયથી આપણા શાસ્ત્રો જાણે માત્ર અને માત્ર ડરાવવા માટે જ રચાયા હોય એ પ્રકારની વાતો સાંભળવા મળે છે. આપણા પિતૃ જે યોનીમાં છે એ યોનીમાં એ રાજી થાય, સુખી થાય અને એમના આશીર્વાદ આપણને મળે એવી કામનાથી શ્રાદ્ધ થાય. જયારે કેટલાક નકારાત્મક લોકો આ વિધિને તાંત્રિક વિધિ સાથે સરખાવી અને ડરાવવા પ્રયત્ન કરે ત્યારે નવાઈ લાગે છે. સોસાયટીની અગાસીને તાળા મારી અને શ્રાદ્ધ એટલે ન કરવા દેવાય કારણકે એનાથી કોઈના પિતૃ જાગૃત થઇ જાય તો? કોઈના પિતૃ એને અગાસી પરથી નીચે ફેંકી દે તો? કોઈ આત્મહત્યા કરી લે તો? પિતૃ એ ભૂતપ્રેત નથી એ સમજણ નો સદંતર અભાવ? આનાથી વધારે નકારાત્મક વિચારધારા કઈ હોઈ શકે? જે વ્યક્તિ ભારતીય સિદ્ધાંતોને સાચા અર્થમાં સમજે છે એ કાયમ સુખી રહે છે. એનું મુખ્ય કારણ એ જ છે કે ભારતીય નિયમો સારું જીવવા માટે રચાયા છે.
મિત્રો, આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: મેં ત્રણ દિવસ માટે એક ટેક્સી ભાડે કરી હતી. મેં જે ગાડી માટે એડવાન્સ આપ્યા હતા એના બદલે જૂની ગાડી આવી. ડ્રાયવર મોડો આવ્યો એટલે જૂની ખખડધજ ગાડીમાં મુસાફરી કરવી પડી. મારે ઉપરા છાપરી મીટીંગ હતી પણ ડ્રાયવર સતત ફોન પર હતો એટલે અમે મોડા પડ્યા. જેમને મળવાનું હતું એ જતા રહ્યા હતા. પંકજ નામની વ્યક્તિ એ ટેક્સી મોકલી, ડ્રાયવરનું નામ કિશન હતું. ત્રણ દિવસ માટે આવેલી ટેક્સી સાંજે જ ગાયબ થઇ ગઈ. મારી ઘણી બધી વસ્તુઓ ચોરાઈ ગઈ. વાત અહિયાં પૂરી નથી થતી. ગમે તેવા ફોન ચાલુ થયા. મેં તો ભગવાનના નામ વાળી વ્યક્તિઓ પર વિશ્વાસ કર્યો હતો. તો આ લોકો આવા કેમ નીકળ્યા?
જવાબ: તમે ભગવાનના નામ વાળી વ્યક્તિઓ પર વિશ્વાસ કર્યો હતો. શું તમે ભગવાન પર એટલો બધો વિશ્વાસ કરો છો કે એ જે કરે એ શ્રેષ્ઠ જ હશે? જો એવું હોય તો ભગવાને તમારા માટે કશુક સારું જ વિચાર્યું હશે એવો વિચાર પણ આવે. ડ્રાયવર મોડો આવ્યો. ગાડી જૂની હતી. ડ્રાયવર સતત ફોન પર હતો. તો પણ તમે અટકી ન ગયા? વળી પહેલી મીટીંગ ન થઇ ત્યારે જ તમારે ચેતી જવાની જરૂર હતી. સાંજ સુધી એ માણસને સાથે શું કામ રાખ્યો? અજાણી ગાડીમાં કીમતી સામાન એમજ ન રખાય ને? હા એ વાત સાચી છે કે મોટા ભાગના માણસો સારા જ હોય છે. પણ તમે જે માણસની વાત કરો છો એ ભરોસાપાત્ર નથી જ લાગતો. તમે હૃદય પર હાથ રાખીને કહો કે શું એમના નામ ઈશ્વરના નામ હતા એટલે જ તમે એમને કામ આપ્યું હતું? તમારા ખરાબ અનુભવને ઈશ્વર સાથે જોડી દીધો એટલી જ સહજતા તમે સારા અનુભવ વખતે દાખવો છો ખરા? માત્ર ઈશ્વરનું નામ રાખી દેવાથી કોઈ ઈશ્વર નથી બની જતા. આપનો અનુભવ સાચે જ ખરાબ છે. પણ એને ઈશ્વરના નામ સાથે જોડ્યા સિવાય એમાંથી બોધ જરૂર લઇ શકાય.
સવાલ: એક માણસ મારા ચશ્માં ચોરી ગયો છે. એ ચોરાયા પછી મને ઘણી રાહત છે. ક્યાંક વાંચ્યું હતું કે કોઈના ચશ્માં ન પહેરાય. તો શું એ માણસ ચશ્માં સાથે મારી પનોતી લઇ ગયો?
જવાબ: આમ તો ચોરી કરવી એ નકારાત્મક બાબત છે. પણ અમુક વસ્તુઓ પનોતી ગણાય છે. એની ચોરી કરવાથી જે વ્યક્તિની વસ્તુ ચોરાય એની સકારાત્મકતા વધે છે. તમે ખોઈને રાજી થયા એ પણ સકારાત્મકતાની નિશાની છે.
સુચન: નાંદી શ્રાદ્ધ એ સકારાત્મક શ્રાદ્ધ છે. એ શુભ પ્રસંગે કરી શકાય.
(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com)