જો વિધાતાના લેખની વાત સાચી હોય તો જ્યોતિષ કે વાસ્તુની શું જરૂર છે?

વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. વેદ , પુરાણો, ઉપનીશદો અને અનેક સંહિતાઓ ઉપરાંત વિવધ ગ્રંથોમાં એના મૂળ સચવાયેલા છે. આ સંસ્કૃતિમાં દરેક જીવને સન્માન આપવા ઉપરાંત કુદરતના તત્વોની સાધનાની વાત હતી. જ્ઞાનને સર્વોપરી માનવામાં આવતું અને જ્ઞાનીજનો પૂજાતા. આજે આપણે એક એવા યુગમાં જીવીએ છીએ જ્યાં શિક્ષણને વેપાર અને શિક્ષકને પગારદાર સમજવામાં આવે છે ત્યારે જ્ઞાન શબ્દનો અપભ્રંશ થાય તે સ્વાભાવિક છે. કદાચ તેથી જ આપણા નિયમો વિષે નવી પેઢીને શંકાઓ જાગી રહી છે. પશ્ચિમ તરફની આંધળી દોટમાં ક્યાંક સંસ્કૃતિના મૂળ ખવાઈ ન જાય એ આપણે સભાનતા પૂર્વક વિચારવાનો સમય આવી ગયો છે. વળી જે વિચારધારા પરથી વિશ્વાસ જતો રહે ત્યાં નવી વિચારધારા તરફ પ્રયાણ કરવાની ઈચ્છા પણ થવાની. આપણી સમૃદ્ધ સંસ્કૃતિ આપણી ધરોહર છે. એને સાચવવી એ આપણા સહુની નૈતિક ફરજ છે.

સવાલ: હું તમને ફોલો કરું છું. તમે સર્વ ગુણ સંપન્ન અને મહા જ્ઞાની છો. એ વાતને પડકાર આપે એવો એક સવાલ મારી પાસે છે. મને ખાતરી છે કે મારો સવાલ તમને ગૂંચવી દેશે. આ સવાલ મેં ઘણા બધા લોકોને પૂછીને ચુપ કરી દીધા છે. સવાલ જ એવો છે જે ભલ ભલા ગૂંચવાઈ જાય.

આપણે ત્યાં વિધાતાના લેખની વાત કરી છે કે જે લખાયું હોય એ જ થાય છે. તો પછી કર્મ કરવાની જરૂર જ ક્યાં છે? જે આપણે કરીએ છીએ એ તો વિધાતા કરાવે છે. જો વિધાતા નથી અને માત્ર કર્મ છે તો પછી જ્યોતિષ, વાસ્તુ એ બધા વિષયોની ક્યાં જરૂર છે? જો ઉર્જાનું વિજ્ઞાન કામ કરે છે તો પછી સરસ મકાન બનાવી અને એની ઉર્જાથી કોઈ પણ કામ કરી અને એની સજા માફ થઇ જાય એવું જીવન મળવું જોઈએ. અને આ બધા ઉપરાંત ઈશ્વરની પણ વાત છે. જો ઉર્જા કામ કરે છે તો ઈશ્વરની ભક્તિનું સ્થાન ક્યાં છે? જો ઈશ્વર છે તો એ ખોટું કરનારને રોકતા કેમ નથી? જો ઈશ્વર સંચાલન કરે છે તો કોર્ટની ક્યાં જરૂર છે? આવા તો ઘણા સવાલો મારી પાસે છે. પણ માત્ર આનો જવાબ મળશે તો પણ હું માની જઈશ.

જવાબ: જયારે કશુક સમજવાની ઈચ્છા હોય ત્યારે જ સવાલ ઉદ્ભવે. સવાલ ઉદ્ભવવા જ જોઈએ. તોજ સાચી વાત સુધી પહોંચી શકાય. મોટા ભાગે આપણે સ્વીકારી લઈએ છીએ. મેં ક્યારેય સર્વગુણ સંપન્ન કે અતિ જ્ઞાની હોવાનો દાવો નથી કર્યો. એ માત્ર આપની સમજણ હોઈ શકે.

આપણે ત્યાં સંચિત કર્મની વાત કરવામાં આવી છે. પૂર્વજન્મમાં વ્યક્તિ એ જે કાઈ કર્યું છે એના આધારે વિધાતા એના જીવન વિશેની રૂપરેખા તૈયાર કરે છે. ત્યાર બાદ વ્યક્તિ જે કર્મ કરે છે એના આધારે એની દિશા નક્કી થાય છે. એ હવે પછીના જીવન માટે પણ પોતાના કર્મ ભેગા કરે છે. જ્યોતિષ શાસ્ત્ર યોગ દર્શાવે છે. ઉદાહરણ સ્વરૂપે બંધન યોગ હોય તો જેલમાં પણ જવાય અને બાથરૂમમાં પણ પૂરી દેવાય. વ્યક્તિ સારી ઉર્જામાં રહેતી હોય ત્યારે એને સકારાત્મક વિચારો આવે છે. અને એ સત્કર્મ કરવા પ્રેરાય છે. તમારા મનમાં ઈશ્વર માટેની સમજણ શું છે એ મને નથી ખબર પણ ઈશ્વર જગતના કણ કણ માં છે. એ વ્યક્તિનું આત્મબળ વધારવામાં મદદ કરે છે. આપણે તેને બ્રહ્માંડની ઉર્જાનો સ્ત્રોત પણ કહી શકીએ. જયારે વ્યક્તિ પોતાના આત્મા સુધી પહોંચે ત્યારે તેને ઈશ્વરની અનુભૂતિ થઇ શકે છે. પ્રયત્ન કરી જુઓ. વાસ્તુ આધારિત મકાનમાં તમને સુખ ચોક્કસ મળશે. ઈશ્વરની સાધના મનને બળ આપશે જ. તમે દર્શાવેલા બધાજ પરિબળો જીવનની ઉર્જા અને ગતિ સાથે જોડાયેલા છે. માત્ર એની રજૂઆત અલગ રીતે થઇ છે એટલે સવાલો થઇ શકે. ભારતમાં ન્યાયની વ્યવસ્થા અલગ હતી. જેની સમજણ ફરી ક્યારેક લઈશું. આ સવાલના જવાબ માટે એક પુસ્તક પણ લખી શકાય. અહી પ્રાથમિક સમજણ આપી છે.

સુચન: ભારતીય વિચારધારામાં દરેક જીવો સાથે સંતુલનની વાત છે. એવું કરવાથી પણ સકારાત્મકતા વધે છે.

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com)