જે દેશમાં વસ્તી સહુથી વધારે હોય એણે ગર્વ લેવો જોઈએ કે, બળાપો કાઢવો જોઈએ એ નિર્ણય જે તે દેશની
વ્યવસ્થાના આધારે લઇ શકાય. જ્યાં સરકારના ખર્ચે મફત ખાવાની આદત પડી ગઈ હોય ત્યાં તકલીફો દેખાય, અને જ્યાં સતત મહેનત કરીને આગળ આવવાની ધગસ હોય ત્યાં વિકાસ થાય. જે તે સમયની માનસિકતા જોવાથી નિર્ણય લઇ શકાય.
એજ રીતે જ્યાં અભ્યાસ કાર્ય વિના માત્ર દેખાડાની ડીગ્રીઓ હોય ત્યાં બેરોજગારીના ગાણા સંભળાય અને જ્યાં આવડતના આધારે કામ શોધવાની દાનત હોય ત્યાં વિકાસ દેખાય. ભારત દેશનો ઈતિહાસ સમજાવે છે કે અહી લોકો સ્વને દેશના હિતથી અલગ સમજવા લાગ્યા છે ત્યારે ત્યારે અન્ય કોઈ સત્તા ફાવી છે. દેશના હિતમાં નિર્ણય લેવાય ત્યારે વિકાસ દેખાય.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: અમારી સોસાયટીમાં લીફ્ટમાં કેમેરા છે. અમારી કમિટીના લોકો અઢાર કલાક ઓફિસમાં જ બેસી રહે છે. એક વાર અચાનક ઓફિસમાં જતા દેખાયું કે એ લોકો એમના મિત્રો સાથે સવારે સાત વાગે અમારી છાતી અને અન્ય અંગો તાકતા હતા. વિરોધ કરતા એમણે ખરાબ સ્પર્શ કરવા પ્રયાસ કર્યો. અને પછી સમજાયું કે એ લોકો ઓફિસમાં દારૂ પણ પિતા હતા. અમારી સોસાયટીના અન્ય લોકોને વાત કરી તો એમણે મને સમજાવ્યું કે મર્દ આવા જ હોય. એ તો છેડતી કરે જ. શું આમાં વાસ્તુનું કોઈ કારણ હશે?

જવાબ: મર્દ હોવું એટલે લંપટ અને લોલુપ હોવું એવું ન જ હોય. પુરુષ હોવું એટલે મર્દ હોવું. પુરુષનું કામ માત્ર શારીરિક સંબંધો બાંધવાનું નથી. સ્ત્રીને સુરક્ષા, સન્માન અને સમજણ સાથે સુખ આપે એ પુરુષ ગણાય. વળી જે નવરા હોય એ ઓફિસમાં પડ્યા રહે. આવા લોકોની જમાત નકારાત્મક જ હોય. એકલા ન જવાની સલાહ છે. લીફ્ટમાં કેમેરા લગાવીને એ લોકો જે કરી રહ્યા છે એ અસામાજિક છે. તમે જે સોસાયટીમાં રહો છો એમાં બધા નમાલા છે. તમે વ્યવસ્થિત રીતે લીફ્ટમાં જાવ. કેમેરાની નીચે ઉભા રહો જેથી તમે દેખાવ નહિ.
આવી કમિટીને મત આપીને તમારી સોસાયટી ભૂલ કરી રહી છે. કદાચ આ લોકો સિવાયના લોકો હજુ પણ વધારે ખરાબ છે એવો શક લોકોને હોય. તમે મતદાન થકી જ એમને બદલી શકશો. જાગો અને આસપાસ વાળા લોકોને પણ સમજાવો. બાકી ફરીથી એ લોકો તમારા માથે બેસશે.
તમારી સોસાયટીનો ઝાંપો ત્રાંસો છે. કોઈ લેભાગુ મને આવું સુચન આપ્યું હોય એવું બની શકે. બાકી ત્રાંસા દરવાજા લગાડવાની કોઈ વાત વાસ્તુમાં નથી. કમિટી મેમ્બર્સ સોફામાં પડ્યા રહે છે. વધારે સમય સોફામાં બેસી રહેવાથી નકારાત્મક વિચારો આવી શકે. પોચા સોફા એ વાયુનું પ્રતિક છે. તેથી એ વધારે વિચારો કરાવે છે.
સવાલ: અમે એક પ્રોપર્ટી જોઈ છે. એને વાસ્તુ કમ્પ્લાયંસ કહે છે. મને થોડું ઘણું ખબર પડે છે. મારી દ્રષ્ટીએ એ વાસ્તુથી એકદમ વિપરીત છે. કોઈ બિલ્ડર આવું કરી શકે ખરા?

જવાબ: આજના જમાનાનો માણસ પૈસા માટે જે કરે છે એ જોતા એ આવું કરી શકે. માત્ર વાસ્તુ કમ્લાયંસ લખી દેવાથી જો એમને પ્રોપર્ટી વાસ્તુ આધારિત લાગતી હોય તો તમે પણ કાગળ ઉપર રૂપિયા લખીને એમને પેમેન્ટ આપી શકો. પણ એવું ન કરાય. બે ખોટાથી એક સાચું નથી થતું. પ્રોપર્ટીના ભાવ જે રીતે વધ્યા છે એ જોતા જોયા વિચાર્યા વિના પ્રોપર્ટી ન જ લેવાય. માણસ સુખી થવા માટે ઘર ખરીદે છે. અને જો એ જ ઘર દુઃખનું કારણ બની જાય તો શું થાય? કોઈ સાચા નિષ્ણાતની સલાહ લઈને ઘર ખરીદવું જોઈએ.
સુચન: ઈશાનમાં ગલગોટા વાવવાથી સાચી સમજણ આવે છે.
( આપના સવાલો મોકલી આપો Email: vaastunirmaan@gmail.com )


