માણસને જાત જાતના શોખ હોય. પણ ક્યારેય એવા શોખ વિષે સાંભળ્યું છે કે જેના માટે કોઈ અન્યની ખાસિયત પારખવી પડે? ભોળપણ અને નિસ્વાર્થપણું એ ખાસિયત જોઇને કોઈના મોઢામાં લાળ આવે એવો શોખ પણ હોય. કોઈને છેતરવાનો શોખ હોય એવા માણસો જોયા છે? વળી આવા માણસોને બડાસ હાંકવાની ટેવ હોય કે અમે એટલા હોંશિયાર છીએ કે અમારે ત્યાં લોકો સામેથી છેતરાવા આવે.
આવા લોકો પકડાઈ જાય ત્યારે પોતે મહા પરાક્રમ કર્યું હોય એ રીતે સામે વાળાને નીચા દેખાડીને પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરે એવું પણ બને. જો કે આવા લોકોના જીવનમાં ઘણા બધા ચડાવ ઉતાર આવતા હોય છે. કર્મનો સિદ્ધાંત એની જગ્યાએ કામ કરે જ છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: મારા લગ્નને ઘણા વરસ થયા ત્યાં સુધી મારા પતિ સફળ ન થઇ શક્યા. એક દિવસ મારા પતિ એક ભલા માણસને અમારા ઘરે લઇ આવ્યા. એમની મદદથી અમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો. એમની ફી અમે નહિ આપી શકીએ એ મેં એમને કરગરીને સમજાવી દીધું. પછી તો મારા સગા સંબંધીઓને પણ મેં એમની આવડતનો મફતમાં લાભ અપાવ્યો.
હું મારા મીત્રવર્તુળમાં બધાને કહેતી કે આ માણસ મારા પુરા કંટ્રોલમાં છે. એને એટલો ઘસારો આપ્યો કે એટલું તો કોઈ ના ઘસાય. એક વખત તો મેં જાહેરમાં એમની આ ખાસિયત કહી અને એ પણ એમની હાજરીમાં. મને મારી આ આવડત પર ગર્વ હતો. એમની લાખો રૂપિયાની ફીની સામે મને મારા મિત્રો મદદ કરતા. બસ, દુ:ખી દેખાવાનું અને એ માણસ પીગળી જાય. થોડા સમય પહેલા અમે આર્થિક તકલીફમાં છીએ એવું કહીને અમે આર્થિક મદદ પણ લીધી. અને એ માણસને એવો લીધો કે હવે તો મારા લીધે મારા ગ્રુપમાં પણ બધા એને સરળતાથી છેતરે છે.
પણ અચાનક મારાથી એને સત્ય કહી દેવાયું. એ હવે પૈસા પાછા માંગે છે. એવો કોઈ ઉપાય આપો જેનાથી એ આ દુનિયામાં જ ન રહે. મારે પૈસા પાછા ન આપવા પડે.
જવાબ: વાહ. જેણે તમને આજીવન મદદ કરી એ આ દુનિયામાં જ ન રહે. એવો વિચાર તમને જ આવી શકે. તમારી છેતરવાની આવડત સિવાય કોઈને મારી નાખવાની સિદ્ધિ પણ તમે જાહેરમાં ચર્ચી શકશો. તમારા જેવા લોકોના લીધે જ દુનિયામાં ભલા માણસો કોઈના ઉપર જલ્દી વિશ્વાસ નથી કરતા.
તમારે એના પૈસા પાછા આપીને માફી માંગી લેવી જોઈએ. તમે સોનાના ઈંડા આપતી મરઘીને મારવા જઈ રહ્યા છો. પણ જો કે હવે એ ચોક્કસ તમારા હાથમાં નહિ આવે. તમને માત્ર સલાહ આપી શકાય. તમારી ઉર્જા વધારવી એ રાક્ષસને વરદાન આપવા બરાબર છે.
સવાલ: ઈશાનમાં પાણી હોવું જોઈએ. પણ જો ઈશાનમાં ઓવર હેડ ટાંકી હોય તો શું થાય?
જવાબ: ઈશાનમાં પાણી હોવું જોઈએ એ વાત અધુરી છે. ઈશાનમાં ઓવરહેડ ટાંકી ન રાખી શકાય. વાસ્તુ શાસ્ત્રમાં પાણીના સ્થાન અને પ્રમાણ વિષે ઘણી વાત છે. ઇશાન હૃદય સાથે જોડાયેલી દિશા છે. તેથી જો ઓવરહેડ ટાંકી રાખવામાં આવે તો હૃદયને લગતી નકારાત્મક ઉર્જા ઉદભવી શકે. તેથી ઈશાનમાં ઓવરહેડ ટાંકી ન રાખવાની સલાહ છે.
સુચન: વાસ્તુની ઉર્જા અને કર્મ બંને એક બીજા સાથે જોડાયેલા છે. તેથી બંનેની ઉર્જા જીવનને સમૃદ્ધ બનાવવા માટે જરૂરી છે.
( આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)