વાસ્તુ: શું ઈશાન ખૂણામાં દરવાજો નકારાત્મક ગણાય?

નીતિમત્તા એટલે શું? મૂળ જવાબ અને આજના સમયનો જવાબ ઘણો જુદો હોઈ શકે છે. પણ મુલ્ય એટલે શું એ જયારે પૂછવામાં આવે ત્યારે મોટાભાગના લોકો કીમત જ કહેવાના. જીવનના મુલ્યો હોઈ શકે એ વિચાર વિસરાઈ ગયો છે. માનવીય મુલ્યોની વાત હવે માણસની કિમતની વાત હોય એ રીતે લેવામાં આવે છે. અને એટલે જ કદાચ માણસનું માનસ મૂલ્યોમાં ભટક્યા કરે છે. જે વધારે કીમત આંકે એના થઇ જવાની માનસિકતા આપણી સંસ્કૃતિના મૂળને કોરી ખાશે. દરેક માણસની એક કીમત હોય છે એવું કહેનાર વ્યક્તિ ચોક્કસ પોતાની કીમત નક્કી કરીને બેસે છે. અને એ કિમત એ માણસની ઓળખ અથવાતો મનોસ્થિતિ દર્શાવે છે. માત્ર પૈસા ભેગા કરવા માટે જીવનના નાના નાના સુખ ખોઈ નાખનાર વ્યક્તિને કદાચ પોતાના વિષે વિચારવાનો પણ સમય નથી રહેતો. આવા લોકો મૃત્યુને પણ ખરીદવાનો વિચાર કરી શકે. અને અંતે એ જ મૃત્યુ એમને અનેક વિડમ્બના અને અફસોસ સાથે મળે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે દર્શાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: માણસ ક્યાં સુધી નીચે પડી શકે છે? જે દેશમાં સીતામાતાની રક્ષા માટે જટાયુએ પોતાનો જીવ આપી દીધો હતો, દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે કુદરત રૂઠી હતી અને નકારાત્મક સંકેતો આપ્યા હતા એ દેશમાં એક માણસ જાહેરમાં સ્ત્રીનું અપમાન કરે અને અન્ય સ્ત્રીઓ એની રીલ્સ બનાવીને વાયરલ થવાની લાલસા દેખાડે ત્યારે વિચાર આવે છે કે આ કયો દેશ છે? મારી ઉમર ત્રાણું વરસની છે. મેં અંગ્રેજોનો જમાનો પણ જોયો છે. ક્યારેક વિચાર આવે છેકે આ બધું જોવા માટે દેશ આઝાદ થયો?

અમે જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં નોન ગુજરાતી પ્રભુત્વ છે. એ લોકો દોરાધાગામા માને. સામાન્ય વ્યવહારમાં પણ ઉદ્ધત લાગે. અપશબ્દો, દારૂ, સિગારેટ અને કદાચ ડ્રગ્સ સ્ત્રીઓમાં પણ સામાન્ય લાગે. સંબંધો વિશે તો કોઈ વાત જ ન થાય. વળી અપમાનજનક સ્થિતિમાં ગુજરાતીઓ જ મુકાય. પણ આપણા ગુજરાતીઓ તો એટલે સારા કે એમની સામે સારા દેખાવામાં વારંવાર અપમાન સહન કરે.  થોડા સમય પહેલા એક કમિટી બની. હવે એમનો ટાર્ગેટ ગુજરાતી ફ્રી સોસાયટી કરવાનો છે. ઉમરનો વિચાર કર્યા વિના એમના પાળેલા માણસો ગુજરાતી સ્ત્રીઓનું અપમાન કરે છે. આસપાસ ફરતી એમની સ્ત્રીઓ એમના માણસોને પ્રોત્સાહિત કરતી હોય ત્યારે આપણા ગુજરાતીઓ પણ મજા લેતા હોય છે.

આ અંગે અમે કમિટીમાં રજૂઆત કરી જેમાં એક સ્ત્રી પણ છે. એણે નફટાઈથી જવાબ આપ્યો કે અમે કોઈને પણ ખરીદવાની તાકાત રાખીએ છીએ. ગુજરાતીઓતો મજાકને જ લાયક છે. જો કે હજુ મારો નંબર નથી લાગ્યો પણ જે નજરે એમના માણસો ગુજરાતી સ્ત્રીઓને તાકે છે. વાંધો ઉઠાવીએ તો છેડવાની ચેષ્ટા પણ કરે છે અને કમિટી એમને સપોર્ટ કરે છે ત્યારે વિચાર આવે છે કે આવું એ લોકો મહારાષ્ટ્રમાં કરી શકશે? વાંક એમનો છે કે પછી આપણી વિચારધારાનો?

જવાબ: ગુજરાતની પ્રજા વ્યવસાયલક્ષી છે. પણ આ જ ભૂમિ પર સરદાર પટેલનો પણ જન્મ થયો હતો. કેટલીક પ્રજાતિ પાસે પૈસા તો આવી ગયા છે પણ મુલ્યો વિષે એમને સમજણ જ નથી. અન્ય રાજ્યમાં રહેતા લોકો ગુજરાતમાં રોજગાર કમાવા આવે છે. એમનો પ્રથમ પ્રેમ તો એમનું રાજ્ય જ હોઈ શકે. અંગ્રેજો પણ ભારતમાં વ્યવસાય કરવા આવ્યા હતા. આપણી વિચારધારાએ આપણને ગુલામ બનાવ્યા. આપની વાત પરથી સમજાય છે કે પોતાની સોસાયટીમાં અન્યની નજરમાં સારા દેખાવાની ખોટી ચાહમાં ગુજરાતીઓ દબાઈને બેસી ગયા છે. નારી સન્માન શબ્દ જેમને ખબર જ નથી એવા લોકોને કમિટીમાં લાવનાર તમારી સોસાયટીના લોકોને કદાચ માનવીય મુલ્યો વિશેની સમજણ નથી. તમારા કહેવા મુજબ તમારી આસપાસની સોસાયટીની પ્રોપર્ટીના ભાવ વધ્યા છે પણ તમારે ત્યાં એટલા નથી વધ્યા. લોકો નવો પ્રોપર્ટી લેતા પહેલા માત્ર મકાન કે ફેસીલીટી જ નથી જોતા. એ માનસિકતા પણ જુએ છે. જે સોસાયટીમાં આવી હલકી માનસિકતા ધરાવતા લોકો હોય એ સોસાયટીનું ભવિષ્ય પણ ધુંધળું જ હોય.

તમે ખુબ મોટી ઉમરના છો. તમારી પાસે અનુભવ પણ છે. જે યુદ્ધ તમે અંગ્રેજો સામે લડ્યા એ ફરી લડવાનો સમય આવી ગયો છે. માત્ર સવાલ ચ એ છે કે તમારી સોસાયટીના ગુજરાતીઓ પોતાના સ્વમાન વિષે વિચારે છે ખરા? દરરોજ મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો. આપને ચોક્કસ સાચો રસ્તો મળશે. ઈશ્વર આપની સોસાયટીના નકારાત્મક લોકોને સદબુદ્ધિ આપે.

સુચન: ઈશાનમાં બરાબર ખૂણામાં આવેલા દરવાજા નકારાત્મક હોય છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)