માણસ ક્યારેય બદલાય ખરો? વાલ્મીકી, કાલિદાસ જેવા અનેક ઉદાહરણો ઇતિહાસમાં મળશે તો ઔરંગઝેબ કે ફૂલનદેવી જેવા વ્યક્તિઓ પણ મળે. માણસ તો ક્ષણે ક્ષણે બદલાય છે. વિજ્ઞાન પણ કહે છે કે માનવ દેહમાં સતત ફેરફાર થાય છે. વિચારો, વિકારો, વિશેષતા બદલાતા રહે. દેખાવ પણ અલગ લાગે. જો માણસ પોતે બદલાય તો એને બદલાવ પણ ગમે જ, પણ જે વ્યક્તિ બદલાવને સ્વીકારી ન શકે તે દુખી થાય. સકારાત્મક બદલાવ સ્વીકારી શકાય. પણ નકારાત્મક બદલાવ સ્વીકારીને કાયમનું દુખ વહોરવાનું થાય. કોઈ એક ઘટનાનો વિરોધ કરવાથી આત્માને સુખ મળતું હોય તો કરાય.
કોઈની નજરમાં વિલન બનીને પણ સિદ્ધાંતોને પકડી રાખવાનો સંતોષ પણ લેવાય. કારણકે જે ખોટા છે એને સાચો માણસ જ વિલન લાગે. પણ જે સાચા છે એને આવા વિચારો, આવું વ્યક્તિત્વ ગમે. પગરખા, પહેરવેશ અને પરિચિતો તકલીફ આપે તો સમજવું કે એ આપણા માપના નથી. એમનાથી છુટકારો મેળવીને સુખી થઇ શકાય. અન્યને સારુ લગાડવા સતત મન મારીને ન જ જીવાય. માણસ જેટલો દબાય છે એટલો જ મનમાં રિબાય છે.
વાચક મિત્રો, આ વિભાગ આપનો પોતાનો જ છે. વિના સંકોચ આપ આપની સમસ્યા નીચે જણાવેલ ઈમેઈલ પર જણાવી શકશો. આપને જરૂર એનું સમાધાન મળશે.
સવાલ: હું એક સુંદર યુવતી છું. સાચાબોલી છું. આમ તો કોઈ મારી નજીક આવતા પણ ડરે. થોડા દિવસ પહેલા એક ભાઈએ મારી છેડતી કરવા પ્રયત્ન કર્યો. ઘણા બધા લોકો આસપાસ હતા. કોઈ મદદ કરવા તો ન આવ્યું. પણ હું ત્યાંથી બચીને નીકળી ત્યારે ઘણા બધા લોકો હસતા હતા. એક માણસ એવું પણ બોલ્યો કે બહુ ચગી હતીને તો લો હવે ભોપાળું થઇ ગયું. મારી એક ખાસ મિત્ર મને મળવા આવી અને કહ્યું કે અમને તો કોઈ છેડતી નથી કરતુ. તારો જ વાંક હશે એટલે જ આવું થયું. તો શું એ લોકો એમ માને છે કે બધા સામેથી છેડતી કરાવતા હશે. બીજા દિવસથી અલગ અલગ લોકો આવો પ્રયત્ન કરવા લાગ્યા.
કેટલાક લોકો એવું કહે છે કે એક વાર થયું તો બીજી વારમાં તને વાંધો શું છે? હું આવા લોકોથી થાકી ગઈ છું. આખું ગામ આવું વિકૃત હોય અને એ પણ જે ગામમાં હું મોટી થઇ છું. અનાથ છું, મામાના ઘરે રહું છું. એટલે શું કોઈ પણ કાઈ પણ કરી શકે? મામીને વાત કરી તો એમણે મને ધમકાવી કે જોજે મામાનું નામ ના બોળતી. આતો કેવા માણસો છે. જેની સાથે ખોટું થયું છે એનો વાંક હોય કે જે ખોટું કરે છે એમનો? જે ગામના છોકરાવ મારી સાથે રમીને મોટા થયા છે એ પણ આ બધામાં ભળી ગયા છે. શું કરું, કાઈ સમજાતું નથી. એક નાનકો ભાઈ છે. એની ચિંતા છે બાકી તો આપઘાત પણ કરી લેત. આ દુનિયા સારા માણસોની છે જ નહિ. મારા માબાપ અમને કેમ સાથે ન લઇ ગયા?
જવાબ: બહેનશ્રી. આપની સમસ્યા વિકટ છે. તમે જે સંજોગોમાંથી પસાર થઇ રહ્યા છો એ પણ કઠીન છે. હારી ન જવાય. અંધકાર પછી ઉજાસ આવે જ છે. તમે ડરી ગયા છો એટલે રસ્તો દેખાતો નથી. સાચા માણસો માટે રસ્તો કઠીન જ રહેવાનો. જગતમાં દરેકને કંઈક જોઈએ છે. અને એ ન મળે એટલે ધમપછાડા કરે. એકલા બહાર ન નીકળો. કોઈ મિત્રને સાથે રાખો. શક્ય હોય તો ટોળામાં બહાર જાવ. કોઈ કાઈ બોલે તો એની ફિકર ન કરો. એમને અવોઇડ કરો. ધીમે ધીમે એ લોકો થાકી જશે. આપના વિશે અન્ય ખાસ માહિતી નથી. પણ જો શક્ય હોય તો થોડા સમય માટે જગ્યા બદલી નાખો. સમય એનું કામ કરશે જ. ચિંતા ન કરો. કોઈના માટે આપણે આપણો અમુલ્ય જીવ શું કામ આપી દઈએ? મામીને મિત્રભાવે જોવાનું શરુ કરો. અંતે તો એ પણ સ્ત્રી છે. સમજી શકશે. સવારે વહેલા ઉઠીને વ્યાયામ કરો. ગાયત્રી મંત્ર યોગ્ય રીતે કરો. પાણી વધારે પીવો. ચોક્કસ સારું લાગશે.
સવાલ: ઘરમાં કોઈ પણ વસ્તુ લાંબો સમય એક જગ્યાએ ન રખાય એવું મેં વાંચેલું છે. તો કેટલા સમયે એ વસ્તુઓને ફેરવી શકાય?
જવાબ: પંદર દિવસે ફેરવી શકાય.
આજનું સુચન: ગાયત્રી મંત્ર એ સૂર્યનો મંત્ર નથી.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)