આજની આભાસી દુનિયામાં છેતરાવું અને છેતરવું એ સહજ થઇ ગયું છે. વળી કોઈ છેતરાય એવી ખબર પડે તો પણ એ માત્ર એક સમાચાર જેવું જ લાગે. કારણ કે હવે એ સમચાર પણ સામાન્ય થવા લાગ્યા છે. આપણે ત્યાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. પણ આપણે વધારે પડતી સહાનુભુતિ ધરાવતા પણ થયા છીએ. એના કારણો વિચારીએ તો સમજાય છે કે આપણે પુણ્ય કમાવાની હોડમાં ભાગી રહ્યા છીએ. આપણે એવા કેવા પાપ કર્યા છે કે આપણે સતત પુણ્ય કમાવા પ્રયત્ન કરી રહ્યા છીએ? શું કબૂતરને ચણ નાખવાથી કે નદીમાં સ્નાન કરવાથી પાપ ધોવાશે?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: દરરોજ કશુક નકલી પકડાયું કે કોઈકે કોઈનું કરી નાખ્યું એવા સમાચારો આવે ત્યારે જીવન પરથી વિશ્વાસ ઉઠી જાય. કેટલાક સંતો પણ પૈસા ચડાવવાથી પાપ ધોવાઈ જાય એવી વાતો કરીને પોતાના માટે ફંડ ભેગું કરી લે છે. ભારતીય નિયમો પ્રમાણે ઈશ્વર સર્વત્ર છે. તો જયારે માણસ કશું ખોટું કરે છે ત્યારે ઈશ્વરને એ ખબર પડે જ. કદાચ દેવસ્થાનમાં ઈશ્વરને પૂરી રાખવાનો વિચાર પણ ખોટું સંતાડવાની ભાવના સાથે જ આવ્યો હોય એવું બને? ખેર, જવા દો. હવે તો આપણે કોઈ સાચી વાત કરીએ તો લોકો કહે છે કે આ તો રોદણાં રડે છે.
મારા ઘરે એક પ્રસંગ હતો. ફોટોગ્રાફર એનું ઇન્સ્ટા પેજ બતાવીને કામ લેવા આવ્યો. એના પ્રોફાઈલમાં ઘણી ફિલ્મોના પણ નામ હતા. અમને એનું કામ યોગ્ય લાગ્યું એટલે એણે એડવાન્સ પૈસા લઈને કામ કરવાની હા પાડી. પ્રસંગના દિવસે એ મોડો આવ્યો અને ટ્રાફિકનું બહાનું કાઢ્યું. એક કેમેરા ફિક્ષ હતો. એને ઓપરેટ કરવા કોઈ ન હતું. મહેમાનોની વચ્ચે એને એકાદ વાર ટકોર કરી. પણ એ પોતાની મેળે જ કામ કરતો હતો. અંતે ફૂટેજ આવ્યું તો અમને આઘાત લાગ્યો. વિડીયોમાં લોકોના મોઢાના બદલે માત્ર પીઠ દેખાતી હતી. કોઈ ફોનમાં વાત કરતુ હોય કે બાથરૂમના દરવાજાની અંદર જતું હોય એવા ફૂટેજ સિવાય કશું દેખાયું નહિ. અમારા પરિવારના લોકો તો ક્યાંય હતા જ નહિ.
ખાલી સ્ટેજના દોઢસો ફોટા હતા. એકનો એક ફોટો ચાર વાર મુકીને એણે સંખ્યા વધારી હતી. અમે એને સમજાવ્યું કે જો તને નહોતું આવડતું તો તે જે વિડીયો મૂકી છે એવી વિડીયો મુકીને છેતરાય નહિ. એણે જવાબ આપ્યો કે બધા એવું જ કરે છે. જમાનો જ એનો છે. એણે જે ઉદાહરણો આપ્યા એ બધાજ માણસો સાચેજ ફ્રોડ કરીને કોઈ સજા પામ્યા ન હતા. થોડી વારમાં એ છેલ્લી પાયરી પર આવી ગયો. એણે કહ્યું કે હવે જો તમે કશું પણ કહેશો તો હું આ ફોટાને અલગ રીતે તૈયાર કરીને અપલોડ કરી દઈશ. અંતે પોલીસની મદદ લેવી પડી. મોટા ભાગે આવું થયું એટલે પતિ ગયું એવું માનીને આપણે ભૂલી જઈએ છીએ. મને લાગે છે કે જો આપણું યુવાધન આવું થઇ જશે તો આપણા દેશનું શું થશે? આનો ઉપાય શું? શું વિદેશ જતા રહેવું જોઈએ?
જવાબ: જો આપણું યુવાધન વિદેશ જતું રહેશે તો મૂળ ભારતીય વિચારધારા વાળા લોકો દેશમાં ઓછા થતા જશે. વધારે બાળકોને જન્મ આપ્યા બાદ પણ જો એમને વિદેશ જ મોકલવાના હોય તો એ પ્રક્રિયામાં પડવાની જરૂર ક્યાં છે. આપણે આપણી પેઢીને આદર્શ સમજાવવામાં નિષ્ફળ થયા છીએ. જ્યાં ધર્મ જ નથી એવા ધર્મગુરુઓનો રાફડો ફાટી રહ્યો છે. બધાને પોતાની દુકાન ચલાવવી છે. આવી બધી જ વાતો સાંભળ્યા પછી આપણે શું કરીએ છીએ? તમે આ સવાલ ઉઠાવ્યો એ સારી બાબત છે. આવા ધ્રુમીલ કે પછી સુમિલ આપણી આસપાસ ફરતા રહેશે. જેમને રાતોરાત પૈસદાર થવું છે. જેના માટે એ કશું પણ કરવા તૈયાર થઇ જશે. જે દેશ વિશ્વાસ પર ચાલતો હતો તે હવે ભય સાથે જીવી રહ્યો છે. પણ એ જ હકીકત છે.
કોઈ પણ વ્યક્તિને કામ આપતા પહેલા એનું કામ ચકાસવું જરૂરી છે. એની પાસે બે ચાર ફોટા પડાવ્યા હોત તો કદાચ તમે એને કામ ન આપત. જે ખરેખર લાયક છે એને આવું નહિ ગમે. પણ હવે આ સિસ્ટમમાં જવું પડશે. એક માણસ કરોડોની ઉચાપત કરીને ભાગી જાય પછી આખા દેશના લોકો કે જેમને ઉચાપત નથી આવડતી એમને પણ ડોક્યુમેન્ટની માથાકૂટ વધે જ છે ને? આપણે બધા સતત કોઈની રાહ જોઈએ છીએ કે એ આવશે અને બધું બરાબર કરી દેશે. શું એવું શક્ય છે ખરું? તો પછી પોતે જ સજાગ રહેવું પડશે. નાનામાં નાની બાબતમાં પણ લખાણ કરો. જેથી આવી કોઈ માથાકૂટ નિવારી શકાય.
દરરોજ શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, સરસવ, પાણીથી અભિષેક કરો.
સુચન: અગ્નિનો એક દોષ કપટી વ્યક્તિત્વ આપે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)