જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે સંબંધ હોય છે, ત્યારે તેમનો સંબંધ ક્યારે કયો વળાંક લેશે તે કહેવું અશક્ય હોય છે, પરંતુ તે જરૂર કહી શકાય કે બે વ્યક્તિઓ વચ્ચે સંબંધનો આધાર તેમના વિચારો અને રસના વિષયો પર નભે છે. જો બે વ્યક્તિઓ એકબીજાના રસના વિષયોને પોષક હોય તો તેમનો સંબંધ લાંબો ચાલે છે, જેમ કે દવાવાળો અને ડોક્ટર, પત્રકાર અને લેખક. જ્યોતિષની દ્રષ્ટિએ પણ આ તર્ક સાચો પડે છે. બે કુંડળીઓ મેળવવી એ લગભગ વગર ચાખ્યે રસોઈ બનાવવા જેવું કામ છે, તમારો અનુભવ ગમે તેટલો હોય પણ બે કુંડળીઓ મળે છે કે તે જાહેર કરવું એ અઘરું કાર્ય છે જ.
અનેક પદ્ધતિથી વિદ્વાનો કુંડળી મિલન કરી શકે છે, માત્ર નક્ષત્રથી નક્ષત્ર જોઇને એટલે કે કન્યાનું જન્મ નક્ષત્ર અને વરનું જન્મ નક્ષત્ર મેળ ખાવા જોઈએ, આ વાત ધ્યાને લઈને પણ મિલન થાય. જો બંનેના નક્ષત્ર એકબીજા સાથે મેળ કરતા હશે તો પ્રચલિત પદ્ધતિ મુજબ ૩૬માંથી ૨૦થી વધુ ગુણાંક આવી ગયા તો લગ્ન માટે આગળ વધી શકાય, બીજી બધી આડવાતોની આમાં કોઈ શરત નથી. પશ્ચિમના વિદ્વાનો માને છે કે, બંને જાતકોની કુંડળીના તત્વો મેળ ખાવા જોઈએ. જેમ કે કોઈ એક જાતકની કુંડળીમાં મોટાભાગના ગ્રહો જળ તત્વના છે અને બીજા જાતકની કુંડળીમાં મોટાભાગના ગ્રહો અગ્નિતત્વના છે તો બંને વચ્ચે મેળ રહેવો અઘરો છે. શક્ય છે કે બંને જાતકો એકબીજાની વાતોમાં રસ ન લે અને પરિણામે એકબીજાની ચોઈસ પર મતભેદ થવા લાગે. માટે જળ તત્વને પૃથ્વી તત્વ સાથે અને અગ્નિ તત્વને વાયુ તત્વ સાથે મેળ કરવો વધુ ઉચિત ગણાય છે.
એક બીજી પદ્ધતિ પણ ખુબ પ્રચલિત છે જેમાં કન્યાના ગ્રહો પુરુષ જાતકની કુંડળીમાં રાશિવાર મૂકી દેવામાં આવે છે. એટલે કે કન્યાની કુંડળીમાં જો કર્કનો મંગળ હોય તો પુરુષ જાતકની કુંડળીમાં જ્યાં કર્ક રાશિ હશે ત્યાં મંગળ મૂકી દેવો, આમ કરતા બની શકે કે એક નો મંગળ, બીજાના શનિ કે રાહુ ઉપર પણ આવે. પુરુષ જાતકની કુંડળીમાં જ્યાં આ પ્રકારે સંબંધો રચાય છે ત્યાં બે વિરુદ્ધ ગ્રહોને લીધે જીવનના એ ભાગમાં તકલીફ થઇ શકે છે. આજ વાતને ઓર સાદી ભાષામાં લઈએ તો રાશિઓને પણ ધ્યાને લીધા વગર માત્ર એક કુંડળીના સ્થાન અનુસાર બધા ગ્રહો બીજી કુંડળીમાં મૂકી દેતા જ્યાં મિત્ર ગ્રહો ભેગા થાય છે ત્યાં સુખ અને શત્રુ ગ્રહો ભેગા થાય છે ત્યાં ઘર્ષણ અને તકલીફોનું સર્જન થાય છે. માત્ર ગ્રહોના સ્થાનને ધ્યાને લેશો તો પણ ચાલશે.
બે મિત્રોને વ્યવસાયમાં ભાગીદારી કરવી છે, એક મિત્રને દસમે સૂર્ય છે બીજા મિત્રને દસમે રાહુ છે, તમને લાગે છે કે તેમની જોડી આ વ્યવસાયના ક્ષેત્રમાં એક સરખા રસ સાથે આગળ વધી શકશે? બે મિત્રોના સંયોગે સૂર્ય અને રાહુ દસમ સ્થાનમાં યુત થયા. બંને કટ્ટર શત્રુ ગ્રહો બંને મિત્રોને વ્યવસાયમાં જુદી જુદી દિશા અને શક્તિ આપે છે, માટે બંનેનું સાથે રહેવું લગભગ શકય રહેતું નથી. તમારા બોસ અને તમારી કુંડળીને મેળવો અને જો તમારો સૂર્ય તમારા બોસના શનિ કે રાહુ પર આવે તો અથવા બોસનો સૂર્ય તમારા શનિ કે રાહુ પર આવે તો બંનેનો સંબંધ લાંબાગાળા માટે સચવાતો નથી. હંમેશા યાદ રાખજો કે બંને કુંડળીનું મિલન તમારા સંબંધનું તાલમેલ છે. ‘સંબંધ’નું ભવિષ્ય છે, તમારું પોતાનું ભવિષ્ય તો તમારી કુંડળી પર નભે છે. ‘સંબંધ’ બે કુંડળીના ગ્રહોના સંબંધો પર નભે છે. આજ પ્રમાણે, ચંદ્ર-કેતુ, મંગળ-કેતુ, બુધ-મંગળ, ચંદ્ર-શનિ ના એકબીજાની કુંડળીઓ સાથે સંબંધ તકલીફદાયી સંબંધ જયારે ગુરુ-ચંદ્ર, સૂર્ય-ચંદ્ર, સૂર્ય-મંગળ, ચંદ્ર-મંગળ, શુક્ર-શનિ ના એકબીજાની કુંડળીઓ સાથે સંબંધ બંનેની જોડીને સફળતા તરફ લઇ જાય છે.
નીરવ રંજન