જન્મકુંડળીમાં નવમ ભાવ જાતકના આધ્યાત્મિક જીવન વિષે સૂચન કરે છે. નવમ ભાવએ જાતકના ઉચ્ચ અભ્યાસ સાથે પણ જોડાયેલ છે. નવમાં ભાવનો માલિક ગ્રહ અને નવમે ભાવે આવતી રાશિ અનુસાર જાતકના જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ થાય છે. ગુરુ, કેતુ, ચંદ્ર અને શનિથી બનતા યોગો આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ હોય છે. આધ્યાત્મિક જીવન અને આત્મા, પરમાત્માના મિલન માટે સૌથી વધુ ગુરુ અને કેતુ પ્રબળ ફળદાયી ગ્રહો કહી શકાય. યોગ અને ધર્મપાલન માટે શનિ અને ચંદ્રના સંબંધ જવાબદાર ગણી શકાય.
ગુરુ જાતકના જીવને બળ આપે છે, જીવની ગતિ ગુરુના આશીર્વાદની આભારી છે, કેતુ વિરક્તિ આપે છે, ત્યાગ આપે છે, જાતકને આંતરિક જીવનમાં ડોકિયું કરવાનો અને રસ લેવાનો અવસર કેતુ આપે છે. કેતુ બળવાન હોય ત્યારે અહમ શૂન્ય બની જાય છે, અહમ શૂન્ય થતાં જ જીવ આધ્યાત્મની કેડીએ ચાલવા લાગે છે. ચંદ્ર એ મન છે, આધ્યાત્મના રસ્તે મન એ મોટી આડખીલી છે, ચંદ્રનો પરાભવ શનિ આસાનીથી કરી શકે છે, મનરૂપી શત્રુને જયારે શનિની દ્રષ્ટિ કે યુતિ મળે છે, તો ચંદ્રનું બળ શૂન્ય થાય છે અર્થાત મન સ્થિર થઇ જાય છે. મન સ્થિર થતાં જ યોગ, ધ્યાન અને ઉપાસના શક્ય બને છે. ચંદ્ર અને શનિની યુતિને ઘણીવાર વિષયોગ કહે છે, પરંતુ ચંદ્ર અને શનિની યુતિ તો આધ્યાત્મની સીડી છે. આત્માને ઓળખવાનો યોગ એ ચંદ્ર અને શનિની યુતિ કહી શકાય.
ચંદ્રએ દુન્યવી સુખો અને વિષયોમાં રસ વધારનાર છે, આ વાત અગાઉના લેખમાં લખી ચૂક્યો છું. અનુભવે જોયું છે કે બળવાન ચંદ્ર મનુષ્યને આર્થિક પ્રગતિ પણ આપે છે. માટે તેનાથી ઉલટું દૂષિત ચંદ્ર મનુષ્યને વિરક્તિ આપે છે, જે આધ્યાત્મિક પ્રગતિ માટે જરૂરી છે. કેતુ જે ગ્રહ સાથે યોગ, દ્રષ્ટ હશે, તે મુજબ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ જાણી શકાય છે. શનિ, કેતુ સાથે હોય તો કર્મયોગે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે, કર્મમાં સુખની જગ્યાએ વિરક્તિ પેદા થાય છે, ઘણીવાર જાતક માત્ર સેવાના રસ્તે જ ચાલવા લાગે છે. શુક્ર સાથે કેતુ હશે તો માતૃભક્તિ અને માતાજીની ભક્તિના માર્ગે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે.
સૂર્ય સાથે કેતુ હશે તો આત્માના માર્ગે વળશે, આત્મામાં જ ઈશ્વરના દર્શન કરશે, વેદ અને ઉપનિષદના માર્ગે ચાલશે. મંગળ સાથે કેતુ હશે તો દૈહિક સુખોનો ત્યાગ કરશે, દેહને પીડા આપશે, દેહની પીડા સાથે ઈશ્વરને પામવાની કોશિશ કરશે. પ્રબળયોગ ભાવના અને હઠયોગીની જેમ તપ કરશે. ગુરુ સાથે કેતુ હશે તો જ્ઞાનમાર્ગી બનશે, જ્ઞાનને જ ઈશ્વર માનશે, ભગવદગીતાના રસ્તે ચાલશે, સાત્વિક યોગી બનશે. બુધ સાથે કેતુ હશે તો બુદ્ધિના માર્ગે ચાલશે, શ્રદ્ધા શૂન્ય રહેશે, તર્ક સાથે આધ્યાત્મને જોડશે. ચંદ્ર સાથે કેતુ હશે તો મનનો પરાભવ કરશે, આધાત્મિક કવિ બની શકે, ધાર્મિક ઋચાઓ અને ભજન કીર્તનમાં મન લાગશે.
આધ્યાત્મિક ગુરુ ચિન્મયાનંદ સ્વામી (૮-૫-૧૯૧૬, અર્નાકુલમ)ની કુંડળીમાં નવમ ભાવે ચંદ્ર અને કેતુનો યોગ છે, ચંદ્ર સ્વરાશિમાં છે, વૃશ્ચિક લગ્ન છે, પંચમ ભાવે ગુરુ મીન રાશિમાં છે. ચંદ્ર અને કેતુ એકભાવમાં અને ગુરુની દ્રષ્ટિ તેઓને આધ્યાત્મિક ઉંચાઈઆપે છે. મહર્ષિઅરવિંદ ઘોષ (૧૫-૮-૧૮૭૨, કોલકાતા)ની જન્મકુંડળીમાં કર્ક લગ્નમાં ગુરુ (પ્રથમભાવે) છે,પહેલે ગુરુ હોઈ તેમના મુખની આભા જોઇને જ આધ્યાત્મિક છબીનો અનુભવ થાય છે. પંચમ ભાવે કેતુ પર ગુરુની દ્રષ્ટિ છે, છઠે ચંદ્ર સાથે શનિ યુત છે. અગાઉ જણાવ્યું તેમ શનિ સાથે ચંદ્ર જતા, મનનો પરાભવ અને આત્માનો અનુભવ થાય છે. આમ તેમની કુંડળીના યોગ તેમના પ્રબળ આધ્યાત્મિક જીવનનો પુરાવો આપે છે. ભગવાન રમણ મહર્ષિની (૩૦-૧૨-૧૮૭૯, મદુરાઈ) જન્મકુંડળીમાં ચંદ્ર, કેતુ નવમ ભાવે છે, તેની પર પંચમ ભાવે બેઠેલ ગુરુની દ્રષ્ટિ છે. સ્વામી રામતીર્થની (૨૨-૧૦-૧૮૭૩, ગુજરાનવાલા) જન્મકુંડળીમાં ચંદ્ર અને કેતુ અષ્ટમ ભાવે બિરાજેલ છે, તેની પર બળવાન શનિની દ્રષ્ટિ છે. આમ, ચંદ્ર, કેતુ અને શનિના યોગ પ્રબળ આધ્યાત્મિક જીવનના સંકેત કરે છે.
વિચારપુષ્પ: તોફાનને શાંત કરવા કરતાં મનને શાંત કરો, તોફાન એના રસ્તે પસાર થઇ જશે. પરિસ્થિતિ સારી ખરાબ નથી હોતી, પરિસ્થિતિની સામે તમારા પ્રતિભાવ અને અભિગમ નિર્ણાયક હોય છે.