વાસ્તુ: ઉત્તરનો દોષ પુરુષનો આત્મવિશ્વાસ ઓછો કરે

દુનિયામાં કેટલા લોકો તમારા માટે સારું બોલી શકશે? દુનિયામાં કેટલા લોકો તમારી પાછળ ખરાબ બોલી શકશે? આ બંને વાતો સાપેક્ષ છે. જેમને પૈસાની જરૂર છે એમને એમને જોઈએ છે એટલા પૈસા મળી જશે તો એ બંને કાર્ય કરવા તૈયાર થઇ જશે. સુ કે ખરાબ બોલનારા દરેક માણસો સાચા જ છે એવું હવે માની ન શકાય. કોઈએ કરેલી વાતચીતનું રેકોર્ડીંગ કે વિડીઓ પણ હવે આંખો મીંચીને વિશ્વાસ નથી કરાય એવા કારણકે એડીટીંગ એટલી હદ સુધી સારું થઇ ગયું છે કે માણસોના મોઢા સુદ્ધા બદલી શકાય છે. આવા સંજોગોમાં અંતરાત્માનો અવાજ જ સાચી દિશા આપી શકે છે. કોઈ પણ સંજોગો કે માણસ માટે નિર્ણય લેતી વખતે અંદરથી એક અવાજ આવે છે અને એ સાંભળીએ તો સાચા નિર્ણય લઇ શકાય. વળી કોઈના માટે નિર્ણય લેવા વાળા આપણે કોણ છીએ? શું આપણામાં એ કાબેલિયત છે ખરી કે કોઈના વિષે આપણે અભિપ્રાય આપી શકીએ?પોતે ગોળ ખાવા છતાં ગોળ ન ખાવાની સલાહ આપવા જેવી બાબત એને ગણી શકાય. વળી પોતાના વિષે અન્યનો અભિપ્રાય લેવાનું કહેવા કરતા પોતે જ એવો વ્યવહાર કરવો જોઈએ કે કોઈને અન્યનો અભિપ્રાય લેવાનું કહેવું જ ન પડે.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપણે કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપણ નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: હું રસોઈ કરવાનું કામ કરું છું. મારા હાથની રસોઈ સારી જ બને એવું મને અભિમાન છે. છ મહિના પહેલા એક નવું કામ બાંધ્યું. મેં માંગ્યો એનાથી વધારે પગાર આપવાની વાત કરીને એ સાહેબે કહ્યું કે જો અમે બે જ માણસો છીએ પણ તમને વધારે પગાર આપીશું પણ અમારી રીતે રસોઈ બનાવવાની. મને એમ કે દરરોજ નવું બનાવવાનું હશે. પણ સાવ સાદું ખાવાનું, ન મીઠાઈ, ન ફરસાણ, ન પનીર, ન ચાયનીઝ. સાંજે મોટા ભાગે ખીચડી. સમય ઓછો લાગે પણ કોઈને કહીએ તો કેવું લાગે? એક ભાભીએ સમજાવ્યું કે એમને બરાબર પાઠ ભણાવી દે. મેં કાચુપાકુ રાંધવાનું શરુ કરી દીધું. સાહેબ બીમાર થઇ ગયા. મારી સાથે એક બાઈ કામ કરે છે. એ કહે છે કે સાહેબને કાઈ થઇ જશે તો એનું પાપ મને લાગશે. મારા ગુરુ કહે છે કે મહેનત કરીને ખાય છે એટલે પાપ ન લાગે. શું કરું સમજાતું નથી.

જવાબ: કોઈના કહેવાથી તમે જે તમને પગાર આપે છે એનું ખરાબ વિચારો એ તમારી રોજી સાથે અન્યાય છે. વળી કોઈ ભાભીના કહેવાથી તમે જે તમને પૈસા આપે છે એમનું ખરાબ વિચારો એ કેવી બાલીશતા છે? દરેકને પોતાની રીતે ખાવા પીવાનો અધિકાર છે. તમારું કામ એમને ભાવતું બનાવવાનું છે. નહિ કે તમને ગમતું બનાવીને અન્યની નજરમાં સારા દેખાવાનું. તમારા ગુરુને કદાચ સાચી વાત ખબર નહિ હોય. ઈરાદાપૂર્વક કોઈનું ખરાબ કરવું એ ગુન્હો જ ગણાય. સવારમાં વહેલા ઉઠી અને યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો. એનાથી સદબુદ્ધિ આવશે.

સવાલ: હું એક સંસ્થામાં પી આર ઓ છું. મારા એક સાહેબને મફતમાં કોઈ કામ કરાવવું  હતું. એક ભોળી વ્યક્તિને અમે રોદણાં રોઈને કામ આપ્યું. એણે દયા ખાઈને બનતી મદદ કરવાનું વચન આપ્યું. ધીમે ધીમે અમે અન્ય એજન્સીના પૈસા પણ એની પાસે અપાવી દીધા. કામ પતિ ગયું. પેલી વ્યક્તિએ પૈસા લેવાની ના પાડી હતી. પણ મારા સાહેબને બીલ જોઈતું હતું. અમે ફોનમાં ધમકીઓ આપી પણ પેલી વ્યક્તિ માની નહિ. અંતે અમે બીજાના બીલ મૂકી દીધા. હવે પેલી વ્યક્તિએ જે બીજાના પૈસા ચૂકવ્યા છે એ માંગે છે. મારા સાહેબ સંભાળવા તૈયાર નથી. કાલે એક ફિલ્મ જોઈ એમાં આવા સંજોગોમાં પેલા માણસનું ખૂન થઇ જાય છે. એના સાહેબ બચી જાય છે. ડર લાગે છે. શું કરું?

જવાબ: સારો પગાર મળતો હોય તો પણ કોઈનું મફતમાં લઇ લેવાની વૃતિ યોગ્ય નથી. વળી તમને ખોટું કર્યાનો રંજ પણ નથી. જેનું નુકશાન થયું છે એનો વાંક દેખાય છે. કર્મનો સિદ્ધાંત કામ કરે જ છે. તમે પોતે કેટલી ઓળખાણ ધરાવો છો એનું લાંબુ લીસ્ટ તમે મુક્યું છે. એક સવાલ છે. એ લોકો કુદરતના ન્યાયથી તમને બચાવી શકશે? મારું માનો તો પેલી વ્યક્તિને બોલાવીને એના પૈસા આપી દો. એને તો ધર્મ કરતા ધાડ પડી હશે. એ વ્યક્તિ અન્ય માટે સારું કામ કરતી અટકી જશે. તમારા કુકર્મોની સજા અન્યને ન થાય એ સમજવું જરૂરી છે. અનીતિનો પૈસો ક્યાં સુધી ચાલશે? તમારો ડર કાઢવા માટે પણ આ જરૂરી છે.

સુચન: ઉત્તરનો દોષ પુરુષનો આત્મવિશ્વાસ ઓછો કરે છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)