કહેવાય છે કે સારું મુહુર્ત, સો દોષ ટાળી દે છે. બીજાઅર્થમાં સારી ઘડીએ કરેલું મુહુર્ત કાર્ય નિર્વિઘ્ને સંપન્ન કરે છે. સિદ્ધપુરનો રુદ્રમાળ આજે પણ જેમ બન્યો હતો તેમ જ ઉભો છે. સેંકડો જૈન દેરાસર છે, જેઓ સૈકાઓ વટાવી ચૂંક્યાં છે છતાં આજે પણ ત્યાં તીર્થંકરપ્રભુની હેલી અને ભક્તિ તેમની તેમ જ રહી છે. આ બધું શુભ મુહુર્ત સાચવવાનો પ્રતાપ છે.
જૂની દુકાન અને મુહુર્તનો ચમત્કાર:
મેં જોયું છે કે મોટેભાગે લોકો તેમની અનુકુળતાએ મુહુર્ત માંગતા હોય છે. ધીરજ રહેતી નથી અને છેલ્લી ઘડીએ મન મનાવીને મોટેભાગે શનિવારે કે રવિવારે મુહુર્ત રાખી લેતા હોય છે. લોકોની સગવડ પહેલા જોવાની પણ જે-તે ભવન કે ફેકટરી માણસના આખા જીવન સાથે જોડાયેલી છે. તેની તકદીર કે તેનું વજૂદ તે ભવન કે ફેક્ટરી સાથે ચાલતું હોય છે, તે પણ ના ભૂલાય. નામ લીધા વગર જણાવીશું કે અમદાવાદ અને મુંબઈમાં અનેક શેઠિયા છે, જેણે સાવ ઓછામાંથી કરોડો બનાવ્યા હોય છતાં જૂની દુકાને જ બેસતા હોય. બેઠક વર્ષોથી જેમની તેમ ચાલતી હોય, તેઓ તેમાં ફેરફાર કરાવવા પણ નથી માંગતા. જે દુકાને જે મુહુર્ત થયું, તેનો લાભ તેને મળ્યો અને સમય જતાં એ જ તેનો વિશ્વાસ બની ગયો.
મુહુર્ત માટે ઉતાવળ કરશો નહીં:
શુભ કાર્ય એકવાર કરવાનું હોય છે. મુહુર્ત લેવામાં ‘ધીરજ’ હોવી જોઈએ. સારામાં સારા મુહુર્ત લોકો સાચવી નથી શકતા, તેનું કારણ ખોટી ઉતાવળ હોય છે. વર્ષો પછી પસ્તાય છે, ત્યારે શાસ્ત્ર યાદ આવે છે. માટે ધીરજ રાખવી જરૂરી છે, મુહુર્તને સમજીને તેનો ઉપયોગ કરશો થોડું સંશોધન કરશો તો ચોક્કસ ધાર્યા પરિણામ મળશે જ, તેનું કારણ શાસ્ત્રનો અનુભવ છે. બધી માહિતી બધે લખાતી નથી, કેટલીક માહિતી માત્ર ‘ગુરુગમ્ય’ જ રહે છે.
જમીનની ખરીદી:
કર્ક રાશિ જયારે પૂર્વે ઉદિત થાય, ત્યારે ભરણી, આર્દ્રા, વિશાખા કે હસ્ત નક્ષત્રના ચતુર્થ ચરણમાં ચંદ્ર હોય ત્યારે જે જમીન લેવાની હોય તેની માટી ખોદીને લાવીને તમારી મૂળ જમીનમાં પાથરી દેવી. અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, ઉ.ફા., હસ્ત, સ્વાતિ, અનુરાધા, ઉ.ષા., શ્રવણ, શતભિષા અને ઉ.ષા. નક્ષત્રના દિવસે જમીનનો સોદો કરવો. સોમવારે ચંદ્ર, મંગળવારે મંગળ અને શનિવારે શનિ લગ્નમાં ઉદિત થાય ત્યારે પૈસાનો વ્યવહાર કરવો (પૈસા આપવા). આમ કરવાથી સોદો સંપૂર્ણ થાય છે.
આશ્લેષા અને કૃતિકા સમયે ઉત્તરમાં, ચિત્રા અને વિશાખાના સમયે દક્ષિણે, પુષ્ય અને મઘાના સમયે પૂર્વે અને ઉ.ષા. અને શ્રવણ નક્ષત્રના સમયે પશ્ચિમે બાંધકામ શરુ કરવું.
મકાનની જાળવણી:
મકાનના રંગરોગાન માટે ગુરુ અને શુક્રવારે શુભ તિથિમાં રંગકાર્ય કરવું, ચોથ, નોમ અને ચૌદશ, મંગળવાર, શનિવારના દિવસે રંગ કાર્ય કરવું શુભ નથી ગણાતું. કૃતિકા, મઘા, પુષ્ય, પુ.ફા., હસ્ત, મૂળ, રેવતી નક્ષત્રમાં ઘરમાં રીપેરીંગ કે ફેરફાર શરુ કરવો શુભ રહેતું નથી. આ સિવાયના નક્ષત્રો ઘરમાં ફેરફાર કરવા માટે સામાન્ય શુભ ગણવા.
મેષ, સિંહ કે ધનના મંગળમાં ઘરમાં રીપેરીંગ કે ફેરફાર શરુ કરવો શુભ રહેતું નથી, આ સમયમાં ઘરમાં રીપેરીંગ કે ફેરફાર કરવામાં આવે તો ફરી તૂટવાનો ભય રહે છે. શુક્ર કે ગુરુ જયારે કેન્દ્રમાં હોય અને કર્ક, વૃશ્ચિક, મીન, વૃષભ કે મીન રાશિ ઉદિત થાય ત્યારે ઘરમાં રીપેરીંગ કે ફેરફાર કરવાથીશુભ રહે છે, ઘરમાં રીપેરીંગ કે ફેરફાર બાદ ભય કે નુકસાનની શક્યતાઓ રહેતી નથી. ગુરુવારે રોહિણી, ઉ.ફા., મૃગશીર્ષ, ઉ.ષા., ઉ.ભા. નક્ષત્ર આવે તો તે દિવસે કરેલું સમારકામ વર્ષો સુધી ટકે છે.
નવાં કપડાનું શુભાશુભ:
ભરણી, કૃતિકા, આર્દ્રા, આશ્લેષા, મઘા, શતભિષા નક્ષત્રમાં કપડાં નવા પહેરવાની શરૂઆત કરવાથી અનુક્રમે પતિ કે પત્નીને નુકસાન, આગનો ભય, રોગ, ભય, પેટના રોગનો ભય રહે છે. અશ્વિની, રોહિણી, પુનર્વસુ, પુષ્ય, ચિત્રા, સ્વાતિ, પુ.ષા., રેવતીમાં નવા કપડાં પહેરવાથી અનુક્રમે ધનલાભ, સફળતા, આકર્ષણ, અતિલાભ, લાભ, સમૃદ્ધિ, રોગમુક્તિ, રત્નલાભ થાય છે. ઉપરના શુભ નક્ષત્રોમાં નવા ઘરેણાં પણ પહેરી શકાય. ચોથ, નોમ અને ચૌદશ, મંગળવાર, શનિવાર સિવાયના દિવસો શુભ ગણવા.