વાસ્તુ: નકારાત્મક વિચારો આવે છે શું કરવું?

નવી પેઢીના ઘણા લોકોને લગ્ન અને બાળકો માત્ર જવાબદારી લાગે છે એવું જાણીએ ત્યારે ચિંતા જરૂર થાય. સમાજનું એવું કયું પરિવર્તન આવું વિચારવા પ્રેરે છે એવો સવાલ પણ ઉદ્ભવે. આ પેઢીએ માત્ર સલાહ સાંભળી છે. અનુકરણ કે અનુશરણ કરવા માટે કોઈ કદાચ મળ્યું નથી. પુસ્તકો વાંચીને એ લોકો જીવનને સમજવા પ્રયત્ન કરે છે. અને એ પુસ્તકો જ એમની વિમાસણ વધારે છે. કારણકે દરેક પુસ્તકનો સારાંશ અલગ હોય છે. અને તો પણ એ બધા જ પુસ્તકો પ્રચલિત હોય છે. જો પરિવાર પ્રત્યેની ફરજ જ જવાબદારી લાગતી હોય તો પછી સમાજ અને રાષ્ટ્ર માટે વિચારવાનું તો બહુ દૂરની વાત ગણી શકાય. શું આવા યુવાનો દેશનું ભવિષ્ય સાંચવી શકશે? બીજી એક એવી બાબત પણ ધ્યાનમાં આવી છે કે દરેક કાર્યમાં પોતાનો ફાયદો શોધતા યુવાનો પણ જોવા મળે છે. જેમના માટે લગ્ન એ પણ એક સામાજિક અથવા આર્થિક પ્રગતિનો વિષય હોય છે. બધે જ વેપાર જોનારા વ્યક્તિ સામાજિક જવાબદારી નિભાવવા સક્ષમ બની શકે? આવા ઘણા બધા સવાલો ઉભા થાય ત્યારે ભવિષ્ય વિષે સવાલો ઉદ્ભવે. શું આવી નકારાત્મક વિચારધારા માટે નવા પ્રકારની બાંધકામ શૈલી અને નવા મટીરીયલ્સ જવાબદાર હશે?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપ આપણા સવાલો નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: પહેલાના જમાનામાં પાણીની પરબો બનતી. પછી માટલામાં પાણી મુકતા. પણ ક્યારેય પાણીનો વેપાર નહોતો થતો. આજે પાણીના પણ કાળાબજાર થાય છે. હોટેલોમાં મો માંગ્યા ભાવે પાણી વેચાય છે. અને ઉત્સાહી પ્રજા પોતાનું સ્ટેટસ સાચવવા કોઈ પણ વિરોધ કર્યા વિના એ પીવે છે. જે મીઠાના કર માટે દાંડીયાત્રા થઇ હતી એના પર કર આપણે આપીએ છીએ. આવા ઘણાબધા પરિવર્તન ભારતીય વિચારધારાથી વિરુદ્ધ છે. ક્યારેક ખુબ નકારાત્મક વિચારો આવે છે. શું કરવું?

જવાબ: પરિવર્તન સંસારનો નિયમ છે એવું કહેનારને પણ નકારાત્મક પરિવર્તન નથી ગમતા. તમે જે વાત કરી એ સાચી છે. દરેક જગ્યાએ વેપારીની રીતે ન જ વિચારાય. પણ શું આપણે બધા ભારતીય રીતે વિચારીએ છીએ? પશ્ચિમી વિચારધારાને પામવાની આંધળી દોડ આવું થવાનું એક કારણ છે. અંગ્રેજી શિક્ષણ એ અંગ્રેજી સંસ્કૃતિથી નજીક લઇ જશે. પણ કેટલા માબાપ પોતાના બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા માંગશે? શું એના માટે સારી સ્કૂલો છે ખરી? કોલેજોમાં માતૃભાષામાં ભણવા મળે છે ખરું? અંગ્રેજીના ઉચ્ચારો બરાબર ન હોય તો પણ કેટલાક લોકોથી સહન નથી થતું. પણ એ જ લોકો પશ્ચિમી લોકોના આપણી ભાષાના વિચિત્ર ઉચ્ચારો સ્વીકારીને રાજી થાય છે. આ એક પ્રકારની ગુલામી જ છે. આપણી નવી પેઢીને સારી અને સાચી સમજણ આપવામાં આપણે નિષ્ફળ ગયા હોઈએ ત્યારેજ એમની ચિંતા કરવાનો સમય આવે. જો આપણે સાચે જ કઈક કરવા માંગતા હોઈએ તો બદલાવ આપણે જ લાવવો પડે. દુખી થવાના બદલે આ અંગેની જાગૃતિ ફેલાવો. ઘરમાં અને બહાર પોતાની વ્યક્તિ મળે ત્યારે માતૃભાષામાં જ વાત કરો. આવું કરવાથી નવી પેઢીને આપણી ભાષામાં રસ પડશે. ધીમે ધીમે ભાષા સાથે જોડાયેલી વ્યવસ્થામાં અને અંતે સંસ્કૃતિમાં પણ રસ પડશે. ભારતીય બનવા માટે ભારતીય રીતે વિચારવું પડશે. બાકી ગુલામીનું માનસ ક્યારેય નહિ છુટે.

સવાલ: મારી પત્નીને મારી સાથે રહેવામાં કોઈ રસ નથી. નવા ઘરે આવ્યા બાદ અમારી વચ્ચે કોઈ સંબંધ કે આત્મીયતા જ નથી. શું કરવું જોઈએ?

જવાબ: આપના ઘરના અગ્નિ એટલેકે દક્ષીણ અને પૂર્વની વચ્ચેની દિશામાં પાણી છે. જે કામાંગ્નીને શાંત કરવા સક્ષમ છે. એ ખસેડી દો. બધું બરાબર થવા લાગશે.

સુચન: પૂજા કરવા માટે મનની શાંતિ જરૂરી છે. તેથીજ બ્રહ્મ મુહુર્તમાં પૂજા કરવી જોઈએ.

Email: vastunirmaan@gmail.com