હોળી આવે એટલે રંગો દેખાવા લાગે. ગુલાલના રંગોથી વાતાવરણ ભરાય જાય. તો કેસુડાના પણ જમીન પર પડેલા દેખાય ત્યારે યાદ આવે કે આ કેમિકલ યુગમાં આપણી પરમ્પરાઓ પાછળનું વિજ્ઞાન પણ ક્યાંક વિસરાઈ ગયું છે. જેમને વરસાદનો ડર લાગે છે એ લોકો કૃત્રિમ વરસાદમાં અર્ધનગ્ન અવસ્થામાં નહાતા જોવા મળે ત્યારે નવાઈ ચોક્કસ લાગે. પણ પશ્ચિમ તરફની આંધળી દોટ ભારતીય હોવાની અનુભૂતિના પરીમાણ વિસરાવતી હોય તેવું સતત લાગી રહ્યું છે. એક તરફ દેવસ્થાનની બહાર લંબાતી કતારો. અને બીજી બાજુ ટૂંકા વસ્ત્રો પહેરીને અંદર ન આવવું એવા બોર્ડ બે વિરોધાભાસ ઉભા કરે છે. પર્યટન માટે પર્વત પર કે બીચ પર જવાય, દેવસ્થાનમાં ઉર્જા પ્રાપ્તિ માટે જવાય આવી સમજણ પણ જરૂરી છે. સંસ્કૃતિનો વિધ્વંશ માત્ર અક્રમણો દ્વારા જ થાય છે? ક્યારેક સ્વ પ્રત્યેની સભાનતાનો અભાવ પણ એમાં કારણભૂત હોય છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેલ પર પૂછી શકો છો.
સવાલ: નમસ્તે. મારા પતિને રીલ્સ જોવાની ટેવ છે. મારા પ્રેમ લગ્ન છે. મારા પરિવારમાં ધાર્મિક વાતાવરણ હતું એટલે આપણી સંસ્કૃતિ વિશેની મૂળભૂત સમજણ છે. અને એમને ત્યાં આવું કશુજ ન હતું. એટલે એ રીલ્સ જોઇને ગમે તેવી વાતોમાં વિશ્વાસ કરી લે છે. જેમકે એમને એક ગુરુમાં વિશ્વાસ છે. એ કહેતા હતા કે વિષ્ણુના 24 અવતાર છે. એમાંથી મૂળ 11 છે. જેમાંથી એક બલરામ પણ છે. આવું ક્યાં લખેલું છે. પેલા બહેનના લાખો ચાહકો છે. એટલે મારા પતિ મારી વાત માનવા નથી માંગતા. આવું જ વાસ્તુ શાસ્ત્ર માટે પણ કહે છે. એમનું માનવું છે કે જમીનમાં વિવધ નંગ વાવવાથી વાસ્તુનું શુદ્ધિકરણ થાય છે. મેં આવું ક્યાંય વાંચ્યું નથી. મને તમારામાં પૂરી શ્રદ્ધા છે કે તમે આધારભૂત વાત કરશો. વળી નવાઈની વાત એ છે કે મારા પરિવારમાં તમારા વિશે કહું તો બધાને વિશ્વાસ આવે છે. એટલે બધા મારી પાર્ટીમાં આવે જાય છે. એટલે જ મારી ઈચ્છા છે કે આ વાત વિશે તમે કશુક કહો.
જવાબ: નમસ્તે. આજના યુગમાં લોકો આડેધડ રીલ્સ બનાવવા લાગ્યા છે. એનો મુખ્ય હેતુ મનોરંજન છે. જે વિષયો પર હજારો વરસ સંશોધન થયું હોય એને માત્ર અમુક સેકન્ડ્સમાં કેવી રીતે સમજાવી શકાય? પહેલી વાત કે લોકોમાં ધીરજ ઘટી રહી છે. અને બીજું બધાને મનોરંજન ગમે છે. વિના મહેનતે મળેલું જ્ઞાન કેવું હોય? તમારા પતિદેવ જેવા લાખો લોકો તમને સમજમાં મળી જાય તો નવાઈની વાત ન લાગે. દસાવતાર શબ્દ જ તમે કહેલી વાતને સમજાવવા પુરતો છે. વળી બલરામ અને કૃષ્ણ સમકાલીન હતા. એક સાથે બે અવતાર કેવી રીતે હોઈ શકે? જેમને કશુજ નથી આવડતું એને કશું પણ શીખવાડી શકાય છે.
વાવવું શબ્દ એમાંથી કોઈ નીપજ લેવા સાથે જોડાયેલો છે. જો નંગ વાવવામાં આવે તો એની નીપજ શું? આ ચોક્કસ એક ગેરમાન્યતા છે. આવી ઘણીબધી વાતો તમને ફરતી દેખાશે. જો કહેવાવાળી વ્યક્તિ છટાદાર હશે તો એનું બધુજ મનોરંજક બની જશે. ચાલી જશે. તમારા જેવો અભિગમ ધરવતા લોકો કેટલા છે? જમીનની ઉર્જા વધારવા માટે આપે ત્યાં વિવધ વાત કરવામાં આવી છે. ખેતરની ઉર્જા વધારવા માટે કેટલીક પ્રક્રિયાઓ પ્રચલિત હતી. એ પણ વિસરાઈ રહી છે. આપણે પશ્ચિમના રંગે રંગાઈને પાંચેપાંચ તત્વોને પ્રદુષિત કરવા સક્ષમ થઇ ગયા છીએ. આપને જમીનની ઉર્જા વિશે જાણવામાં રસ હોય તો આપણે ચોક્કસ વાત કરીશું.
સવાલ: ધુળેટીમાં કયો રંગ લગાડવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય?
જવાબ: હવે તો આપણે તહેવારોની ઉજવણીમાં પણ આનંદની જગ્યાએ સ્વાર્થને ભરી રહ્યા છીએ. શું નિસ્વાર્થ આનંદ ન લઇ શકાય? જે રંગ મનને ગમે તેવા કુદરતી રંગથી હોળી રમવી જોઈએ.
સુચન: ધૂળેટી પર દાનનું ખુબ મહત્વ છે. આ દિવસે ખજુર, દાળિયા અને ધાણીનું દાન કરવું જોઈએ.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)