ઘરમાં તુલસી કઈ દિશામાં વાવવાથી શુભફળ મળે?

તમે કોઈના ઉપર ભરોસો કર્યો છે? ભરોસો ખુબ વજન ધરાવે છે એવું કહું તો તમે માનસો ખરા? તમને સવાલ થશે કે વજન વાળો ભરોસો વળી કેવો હોય? ભરોસો ખમવા માટે મજબુત ખભો જરૂર જોઈએ. જો કોઈ અજાણ્યા પર કે અયોગ્ય વ્યક્તિ પર ભરોસો મૂકી દીધો તો બની શકે કે એની ક્ષમતાના અભાવે ભરોસો તૂટી જાય. કેટલાક લોકો વધારે પડતા ભોળા હોય છે જેમને દરેક માણસ સારા જ લાગે અને એક વખત ખબર પડે કે વ્યક્તિ જલ્દી ભરોસો મૂકી દે છે. બસ પછી એને તોડવાની મજા લેવા વાળાની લાઈન લાગે. ભરોસો તૂટતા તૂટતા યા તો વ્યક્તિ તૂટી જાય યા વિદ્રોહી બની જાય. આ બંને સ્થિતિ સમાજ માટે હાનીકારક છે. માણસનો ભરોસો તૂટે ને તો એનો અવાજ ન આવે પણ પ્રત્યાઘાતો તો જોવા મળે જ. તો શું એવો સમાજ જ રચી શકાય જેમાં બધા સહજ રીતે એક બીજા પર ભરોસો મુકતા હોય?

મિત્રો, આપના જીવનમાં પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેલ પર સવાલ પૂછી શકો છો.આપને જરૂર જવાબ મળશે.

સવાલ: મને માણસોને મદદ કરવાનું ગમે છે. અને જયારે ખબર પડે કે વ્યક્તિ મદદ કરવા તૈયાર છે ત્યારે મદદ લેવા વાળાની લાઈન લાગે. આ વાત મને અનુભવે શીખવા મળી. કોરોના પછી લોકોનું દુ:ખ ન જોવાતા લોકોને આર્થિક મદદ કરવાનો વિચાર આવ્યો. એક શિક્ષક રડવા લાગ્યા અને કહ્યું કે મારી પત્નીના ઘરેણા વેચવા પડશે. મેં એમને ઉછીના પૈસા આપ્યા. એ પાછા તો ન આવ્યા પણ એમને ઓળખતા લોકો અલગ અલગ વાર્તાઓ લઈને આવવા લાગ્યા. કોઈને કપડા, ચોપડા, ફી, દવાઓ માટે મદદ કરવાનું શરુ કર્યું. ધીમે ધીમે એવા લોકો મદદ લેવા આવવા લાગ્યા જેમને ખરેખર જરૂર ન હતી. મને ના પાડતા ન આવડ્યું. પૈસા પાછા આપવાના થયા ત્યારે એમણે ફોન બ્લોક કરવાથી લઈને મારા વિશે ગંદી વાતો ફેલાવવા સુધીની બધી જ કળાઓ દેખાડી. હવે કોઈને સાચે જરૂર હોય તો હું મદદ નહિ કરું એવો નિશ્ચય કર્યો છે. ક્યારેક મનમાં રંજ થાય છે. પણ જે અનુભવો થયા એ પછી કોઈને મદદ કરવાની ઈચ્છા નથી થતી. શું કરવું જોઈએ? સાચી સલાહ આપવા વિનંતી. મારા મનમાંથી રંજ કાઢવાનો કોઈ ઉપાય જણાવશો.

જવાબ: તમારી સમસ્યા ખરેખર દુ:ખદ છે. પણ સમાજ એવો જ છે. સમાચારપત્રો એની સાક્ષી પૂરે છે. પૈસાપાત્ર ભીખારીઓ બનવાનું કારણ અતિ લોભ છે. એમના આવા સ્વભાવના લીધે જેમને ખરેખર મદદ જોઈએ છે એ વંચિત રહી જાય છે. એ જે નુકશાન થયું છે એની જવાબદારી જે તે વ્યક્તિની છે એટલી સમજણ પણ એમનામાં નથી હોતી. લોભના કારણે એમનું મગજ સારી દિશામાં વિચારી નથી શકતુ. તમારે રંજ રાખવાની જરૂર નથી. તમારા ઘરમાં પૂર્વનો અક્ષ નકારાત્મક છે. તેથી આવા અનુભવો થાય છે. સવારે વહેલા ઉઠી સૂર્યને જળ ચડાવો. સાચી દિશા મળશે.

સવાલ: મારે મારી બાલ્કનીમાં તુલસી વાવવા છે. તમારા એક વિડિયોમાં જોયું કે તુલસી ઈશાનમાં જ વવાય. એટલે સવાલ થયો કે જેમને ત્યાં ઈશાનમાં બાલ્કની જ ન હોય એમનું શું?

જવાબ: તુલસી ઘરમાં કોઈ પણ જગ્યાએ વવાય. જો એની સાચી જગ્યાએ વાવવામાં આવે તો એની સકારાત્મક અસર વધારે જોવા મળે. તુલસીમાં પણ વિવિધ પ્રકાર આવે છે. તમારે કયા તુલસી વાવવા છે એનો ઉલ્લેખ નથી કર્યો. પણ જો ઈશાનમાં તુલસી વાવવાના થાય તો રામ તુલસી વાવી શકાય.

(આજનું સુચન: નૈરુત્યમાં ખાળકુવો ક્યારેય ન રખાય)

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)