ઉંમર એ માત્ર આંકડો જ છે. ગાંધીજીને જુવાન ડોસલાનું બિરુદ મળ્યું હતું. યુવાની એ મનની સ્થિતિ છે. આજના સમયમાં વ્યસનના દુષણના લીધે કેટલાક યુવાનો પણ વૃદ્ધ દેખાય છે જેમાં તરવરાટનો અભાવ હોય છે. તો કેટલાક વૃદ્ધો એમના નિયમિત જીવનના લીધે તરવરતા યુવાનો જેવા લાગે છે. યુવાન હોવું અને યુવાન દેખાવું એમાં ફર્ક છે. જે જીવન માટે કાયમ ફરિયાદ કરે છે તે ઝડપથી વૃદ્ધ થઇ જાય છે. અને જે દરેક ક્ષણનો આનંદ લે છે તે તરોતાજા રહે છે. જો ચિંતા કરવાથી દરેક સમસ્યાનું સમાધાન આવી જતું હોય તો ભાડે માણસો રાખીને ચિંતા કરાવવાનો વ્યવસાય વિકસિત થયો હોત. પણ એવું નથી થયું એ પણ દર્શાવે છે કે ચિંતા કરવાથી કોઈ લાભ થતો નથી. નાહકની ચિંતા કરી વૃદ્ધ થવા કરતા આજીવન યુવાન રહેવું જ યોગ્ય છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: મેં તમને ઓછામાં ઓછા સાત ઈમેઈલ કર્યા. તમે એનો જવાબ નથી આપતા. મને તમારી ચિંતા થાય છે. તમે તમારી જાતને સમજો છો શું? મારી સમસ્યા વધી રહી છે. રાત્રે ઊંઘ નથી આવતી. ખાવાનું ભાવતું નથી. સતત એવું લાગે છે કે મને કોઈ સમસ્યા આવશે અને પછી બધું પૂરું થઇ જશે. આમ તો બધું સારું છે. પણ કાલ કોણે જોઈ છે? ચિંતા તો કરવી પડે ને? ક્યારેક તો બહુ કામ હોય તો ચિંતા કરવાનું પણ ભૂલાય જાય છે. પછી આખી રાત ઊંઘ ના આવે કે આજે કોઈ ચિંતા ન થઇ એટલે આવતી કાલ તો ખરાબ જશે જ. પછી બીજા દિવસે એવી અકળામણ થાય કે ઘરનું વાતાવરણ બગડી જાય. તમે આનું નિરાકરણ આપો તો સારું. જો ઘરમાં કોઈ ફેરફાર કરવાના હોય તો વેળાસર કહેજો. એમ ઘર તોડવાનું અમને નહિ ફાવે. તમે કહો એટલે અમારે ઘર તોડી નાખવાનું? એવું નહિ થાય એ સમજી લેજો.
જવાબ: તમે જે ઈમેઈલ કર્યા એમાં સ્પષ્ટતા ન હતી. મોટા ભાગે તમે તમારી અસુરક્ષા દર્શાવતા હતા. આ વખતે પણ સમસ્યા કરતા અન્ય વાતો વધારે છે. બીજું કે જે ક્રમમાં ઈમેઈલ આવે તે ક્રમમાં એના જવાબ આપવામાં આવે છે. તેથી થોડી રાહ જોવી પણ જરૂરી છે. તમારી કોઈ સમસ્યા જ નથી. અને તમને એની પણ ચિંતા થાય છે. ચિંતા કરવી એ તમારો શોખ બની ગયો છે. જો બધું બરાબર છે તો ચિંતા શા માટે કરો છો. જે ક્ષણ સારી છે એનો આનંદ લેતા શીખો. ચિંતા કરવાથી કોઈ ઉકેલ આવતો નથી. એનાથી માત્ર મન ખરાબ થાય છે. અને ઘરનું વાતાવરણ બગડે છે. ખોટી ચિંતા કરવાની સમસ્યા બ્રહ્મ, અગ્નિ અને ઉત્તરના ત્રિકોણની નકારાત્મકતાથી આવે. તમારે ત્યાં વાયવ્યનો દોષ પણ છે.
તમને કોઈએ તોડફોડ કરવાનું કહ્યું જ નથી. તમે વધારે પડતું વિચારો છો. એને કાબુમાં રાખો. સવારે વહેલા ઉઠી અને ગાયત્રી મંત્ર કરો. પાણી વધારે પીવો. પ્રાણાયામ કરો અને નિયમિત વ્યાયામ કરો. શક્ય હોય તો દોડવા જાવ. ચોક્કસ લાભ થશે.
સવાલ: મારા પાડોસી બહુ વિચિત્ર છે. એ ઓછું કામ કરીને વધારે કમાય છે. કાયમ ખુશ હોય છે. હું અઢાર કલાક વૈતરું કરું છુ તો પણ દુખી છું. અમે ઘણી વાર એમને દુખી કરવા પ્રયત્ન કર્યો પણ એ થોડો સમય દુખી થઈને પાછા હતા એવા થઇ જાય છે. એમને દુખી કેવી રીતે કરી શકાય?
જવાબ: તમે તમારી લીટી મોટી કરવાના બદલે અન્યની લીટી ભૂંસવા પ્રયાસ કરો છો. જો તમારે સુખી થવું હોય તો એના નિયમો હોય. પણ અન્યને દુખી કરવા માટે ભારતીય વાસ્તુમાં કોઈ નિયમ નથી.
સરખામણી કરવાનું બંધ કરો. તમારા કામને પ્રેમ કરો. જીવવાની મજા આવશે.
સુચન: મફતમાં મળેલી વાસ્તુકે અન્ય શાસ્ત્રની સલાહ અંતે નકારાત્મક પરિણામો આપે છે.
(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)