શું વાસ્તુ આધારિત મકાનમાં કોઈ દુ:ખી થઇ શકે ખરું?

સંસ્કૃતમાં લખાયેલું બધું જ ભાષા ગણાય એવું નથી હોતું. જો આયુર્વેદ માટે અલાયદી વ્યવસ્થા હોય તો વાસ્તુશાસ્ત્ર માટે શા માટે નહિ? એકાદ નાની પુસ્તિકામાં જો આ વિષય પતિ જતો હોત તો બરાબર હતું. કોઈ પણ વિષયનો અભ્યાસ ઉપરાંત અંત: સ્ફ્રુરણા પણ જરૂરી છે. જો આર્કિટેક્ટ વાસ્તુશાસ્ત્ર શીખે તો તે આ વિષયને શ્રેષ્ઠ ન્યાય આપી શકે. કારણ કે બંને વિષયમાં બાંધકામ અને રેહેણાકને લગતી વાત કરવામાં આવી છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શું વાસ્તુ આધારિત મકાનમાં કોઈ દુ:ખી થઇ શકે ખરું? મને લોકો વાસ્તુ એક્ષ્પર્ટ માને છે. કોઈ પણ વ્યક્તિને ઘર લેવાનું હોય એટલે મને પૂછે. આમ પણ બે ચાર નિયમો સિવાય એમાં યાદ રાખવા જેવું શું છે? ઈશાનમાં દરવાજો, અગ્નિમાં રસોડું અને ઈશાનમાં ભગવાન. પીવાનું પાણી ઈશાનમાં આવે એટલે પરફેક્ટ. પણ ખબર નહિ કેમ અમે ઘર લીધું પછી ખુબ હેરાનગતિ છે. કોઈને કહેવાય પણ નહિ. અમે જયારે ઘર લીધું ત્યારે બરાબર ઈશાનમાં દરવાજો આવે એ રીતે પસંદગી કરી હતી. નૈરુત્યમાં બાલ્કની હતી એટલે ત્યાં કચરો નાખીને ઢગલો કરી દીધો. દરવાજા પાસે પાણીનું માટલું પણ મુક્યું. રસોડું ચાર લાખના ખર્ચે રીનોવેટ કરાવ્યું. પણ તકલીફો એટલી બધી આવે છે કે થાકી ગયા છીએ. દુકાનનો માણસ ધંધો લઈને જતો રહ્યો. ઘરમાંથી બીમારી જતી નથી. કંકાસ ઘરમાં તો છે જ. પણ પાડોસીઓ સાથે પણ બનતું નથી. સાચું કહું, ઘરે આવવાની ઈચ્છા જ નથી થતી. દીકરાનું ભણતર પણ માંડ પત્યું. એને કોઈ સારી નોકરી નથી મળતી. આવું થાય તો પછી વાસ્તુશાસ્ત્ર માંથી વિશ્વાસ જ ઉઠી જાય ને?

જવાબ: સહુથી પહેલાતો સાચી માહિતી વિના વાસ્તુશાસ્ત્ર વિષે લોકોને કહેવાનું બંધ કરો. વાસ્તુશાસ્ત્ર એ વિશાળ વિષય છે. તમે તમારા પર પ્રયોગ કર્યો અને સમજાઈ ગયું કે તમને પુરતું જ્ઞાન નથી. જરા વિચારો, આજ સુધી તમે કેટલા બધા લોકોની જિંદગી બગાડી? ઈશાનમાં બરાબર ખૂણામાં ઉત્તર તરફ દરવાજો હોય એટલે એ નકારાત્મક જ ગણાય. તમારો માણસ છેતરી ગયો એવું થાય. બીજું કે નૈરુત્યમાં કચરો ક્યારેય ન નખાય. વધારે ખર્ચ કરવાથી વધારે ઉર્જા મળે એવો કોઈ નિયમ નથી. એટલે તમારા નિર્ણયોનો દોષ વાસ્તુશાસ્ત્રને ન જ આપો. કેટલીક સમસ્યા તમારા સ્વભાવના લીધે પણ હોય. તમારા બાળકોને તમે ખોટી દિશામાં સુવરાવો છો. અને વાયવ્યમાં પણ ખાંચો છે. તેથી બાળકોની ચિંતા તો રહે. ભારતીય વાસ્તુશાસ્ત્રના નિયમો સરળ છે. પણ એમાં વિજ્ઞાન છે. તેથી જેમ કોઈની સલાહ વિના દવાઓ ન લેવાય. એવું જ કોઈની સલાહ વિના વાસ્તુના નિયમોનું અર્થઘટન પણ ન કરાય. કોઈ સાચા નિષ્ણાંતની સલાહ લેવાની સલાહ છે.

સવાલ: અમારી સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ તોડીએ પાણીની લાઈન નીકળે છે. અને પછી બધે ભેજ આવે છે. સોસાયટીની કમિટીએ ઘણી વાર ટ્રીટમેન્ટ કરાવી પણ ક્યાંક ને ક્યાંક લીકેજ રહે જ છે. મેં એવું સાંભળ્યું છે કે લીકેજના લીધે બરકત ન આવે. તો આ સાચું છે?

જવાબ: ભેજ એ બાંધકામનો દુશ્મન છે. એ મકાનની મજબૂતાઈ ઓછી કરે છે. જો તમે એપાટમેન્ટમાં રહેતા હોતો ખાસ વિચારવું જોઈએ. કારણ કે સહુથી ઉપરનું લીકેજ પણ નીચે સુધી આવીને બધા જ ફ્લોર ની મજબૂતાઈ ઘટાડી શકે. કોઈ પણ પ્રોપર્ટી લેતા પહેલા નીચેના પિલર ચેક કરવા જોઈએ. જો ત્યાં ભેજ હોય તો એની ઉપરના કોઈક ફ્લોર પર લીકેજ છે. ભેજના લીધે બીમારી આવે છે. વળી વધારે ભેજ લોખંડને નુકશાન કરે તો મકાન પડી પણ શકે. તેથી જ લીકેજને નકારાત્મક ગણવામાં આવ્યું છે. કોઈ પણ મકાનના સર્વિસ પ્લાન હોય જ. સોસાયટી ઓફિસમાં પ્લમ્બિંગ, સેનીટેશન પ્લાન માંગી અને એના આધારે કામ કરાવશો તો લાઈન તૂટવાનો ભય નહિ રહે. જો આવા પ્લાન ન હોય તો એ બાંધકામ સારું ન હોય એવું પણ બને. વળી બહારથી ખોટો ખર્ચ કરીને ટ્રીટમેન્ટ કરવાનો કોઈ અર્થ નથી. એના માટે જ્યાં લીકેજ હોય ત્યાં રીપેરીંગ કરવું જરૂરી છે.

સુચન: પાણીનો લીકેજ નકારાત્મક ગણાય છે. તે ઘરની આર્થિક સ્થિતિને અસર કરી શકે છે.

આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com