આયુર્વેદ અને જ્યોતિષ બંને પ્રાચીન ભારતનો મહામુલો વારસો છે.આયુર્વેદ અને જ્યોતિષ બંનેને સગી બહેનો પણ કહી શકાય. બંને જ્ઞાનગંગા વેદ આદી શાસ્ત્રોમાંથી જ વહી નીકળી છે. જ્યોતિષ માનવીના જીવનના અદ્રશ્ય ભાગો પર પ્રકાશ પાડે છે. જે ચીજ કે ઘટના સામાન્ય બુદ્ધિથી જાણવી શક્ય નથી, તેને જ્યોતિષની મદદથી ઉકેલી શકાય. આયુર્વેદનો આધાર ત્રણ દોષ એટલે કે કફ, પિત્ત અને વાયુના અભ્યાસ પર છે. બે ઋતુની વચ્ચે જન્મે, ઋતુની મધ્યે જન્મે કે ઋતુની શરૂઆતમાં જન્મે આ ત્રણેય રીતે જન્મતા બાળકના જીવન પર તેમનો સમય બિલકુલ અલગ અલગ અસર આપશે. આ અસર તેના સ્વભાવ, પ્રકૃતિ અને તબિયત પર ચોક્કસ અનુભવાય છે. જ્યોતિષ અને આયુર્વેદ બંને પ્રકૃતિના આધારે કાર્ય કરે છે.
ગુરુ, ચંદ્ર અને શુક્ર: કફ પ્રકૃતિ દર્શાવે છે, મંગળ, કેતુ અને સૂર્ય પિત્ત પ્રકૃતિ દર્શાવે છે. રાહુ, બુધ અને શનિ વાયુ પ્રકૃતિ દર્શાવે છે. ચંદ્ર અને શુક્ર રસપ્રધાન છે, તેઓ શરીરમાં કફનો વધારો કરે છે. સૂર્ય અને મંગળ ગરમ પ્રકૃતિના હોઈ પિત્તદોષ દર્શાવે છે. મંગળ ગ્રહના ગુણ મુજબ તેનામાં જુસ્સો, અગ્નિ, તાકાત અને જાતે કાર્ય હાથમાં લેવાની ત્વરા હોય છે, આ બધા ગુણ પિત્ત પ્રકૃતિને રજુ કરે છે. રાહુ અને શનિ બંને પ્રમાણમાં ઠંડા અને રુક્ષ છે, રાહુ માનવીની માનસિક તાકાત અને અનિયંત્રિત વિચારો સાથે સંકળાયેલ છે. રાહુ અને શનિ બંને વાયુ પ્રકૃતિનો નિર્દેશ કરે છે.
પ્રથમ ભાવ જાતકનો દેહ ભાવ છે, તેમાં જો ઉપર મુજબ કોઈ એક જ પ્રકૃતિના ગ્રહો બિરાજમાન હોય તો જાતકના શરીરમાં કોઈ એક દોષની પ્રચુરતા રહે છે. એટલે કે મંગળ અને સૂર્ય જો પ્રથમ ભાવે હોય તો જાતકના શરીરમાં પિત્ત દોષ વધુ હોઈ શકે છે. જાતકનેજીવન દરમ્યાન પિત્ત પ્રકોપને લીધે રોગ થઇ શકે છે, માટે પિત્તને સમતોલ કરવા કફ અને વાયુ દોષને બહારથી શરીરમાં ઉમેરીને તેના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકાય. આજ પ્રમાણે શનિ અને બુધ પ્રથમ ભાવે હોય તો શરીરમાં વાયુનો પ્રકોપ હોય છે. ઘણીવારએક જ પ્રકૃતિના ગ્રહોનું કોઈ એક જ ભાવમાં હોવું પણ તે ભાવ સૂચિત અંગ કે શરીરના ભાગમાં રોગ હોવાનું સૂચવે છે, ઉદાહરણ તરીકે મંગળ, સૂર્ય અને શનિ એકસાથે ત્રીજે ભાવે હોય તો જાતકના હાથથી લઈને ખભાના ભાગ સુધીમાં તેને લોહીને લીધે તકલીફ, ઈજા કે સ્નાયુઓનું ફૂલી જવાની બિમારી થવાની શક્યતા વધી જાય છે.
આયુર્વેદમાં વર્ણિત ત્રણ દોષ અને જ્યોતિષમાં વર્ણિત રાશિઓનો પણ સંબંધ છે. આપણે જાણીએ છીએ કે રાશિઓ પણ અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ એમ ચાર તત્વોમાં વહેંચાય છે. અગ્નિ તત્વ, પિત્ત દોષને રજુ કરે છે. વાયુ તત્વ વાયુ દોષને રજુ કરે છે. જળ તત્વ કફ પ્રકૃતિનો નિર્દેશ કરે છે. પૃથ્વી તત્વ વાયુ સહીત ત્રણેય દોષોને સમાવે છે, પૃથ્વી તત્વ શરીરનું બંધારણ રજુ કરે છે. પરંતુ કેટલાક જાણકારોને મતે પૃથ્વી તત્વ એટલે વાયુ દોષ જ છે. જાતકની કુંડળી જોઈએ ત્યારે વાયુ તત્વની રાશિઓમાં જો વાયુ તત્વના ગ્રહો વધુ હોય તો બિલકુલ સ્પષ્ટ છે કે, જાતકને જે તે ભાવ સૂચિત અંગમાં વાયુદોષને લીધે પીડા થઇ શકે છે. વાયુ દોષને લીધે જ ઘણીવાર અંગમાં દુખાવા થાય છે, જો આ પ્રકારે વાયુનો પ્રકોપ દસમા ભાવે હોય, દસમે મિથુન રાશિમાં શનિ હોય તો ઘૂંટણનો દુખાવોએ રાશિ પરથી જયારે શનિ અથવા ગુરુ પસાર થશે તે વર્ષોમાં થઇ શકે છે. આ પ્રમાણે પાંચમા ભાવે મેશ રાશિમાં મંગળ હોય તો જાતકને પેટમાં બળતરા અને પિત્ત પ્રકોપની શક્યતા ઘણી વધુ હોય છે. અગાઉ જણાવ્યું તેમ જ્યોતિષ અને આયુર્વેદ બંને સગી બહેનો જેવા છે, જો બંનેનો કોઈ વિદ્વાન એક સાથે ઉપયોગ કરે તો ધાર્યું પરિણામ સિદ્ધ થાય તેમાં કોઈ શંકા નથી.
નીરવ રંજન