ભારતીય તહેવારોની મજા એ છે કે તેમાં કયાંક ક્યાંક તેમાં વિજ્ઞાન પણ દેખાય છે અને ક્યાંક ક્યાંક હવામાન-શાસ્ત્ર પણ દેખાય છે, તો ક્યાંક ક્યાંક મનોવિજ્ઞાન પણ દેખાય છે. ઉત્સવ અને ઉજાણી એ બંનેના અર્થ ઘણા જુદા છે. પરંતું આજે આ બંને પર્યાવાચી શબ્દો હોય તે રીતે ઘણા બધા લોકો જીવી રહયા છે. રક્ષાબંધનનો તહેવાર શા માટે ઉજવવો જોઈએ? કે કઈ રીતે ઉજવવો જોઈએ? તેની સમજણ લેવાના બદલે ક્યારેક આ અદ્ભુત તહેવાર માત્ર ફોટો ફંકશન બનીને રહી જાય છે. નાડાછડી બાંધવી તેની પાછળ વેજ્ઞાનિક કારણો છે, તે જ રીતે રાખડી બાંધવા પાછળ પણ વેજ્ઞાનિક આધાર દેખાય છે. ભેજવાળું વાતારવણ હોય અને થોડા સમય પછી ભાદરવાનો આકરો તડકો પાડવાનો હોય ત્યારે સારી રોગપ્રતિકારક શક્તિ અને મજબુત મનોબળ જોઈએ છે. આના કારણે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સમૃદ્ધ બને છે, તેની રક્ષા થાય છે. બેહેન ભાઈને રાખડી બાંધી તેની રક્ષાની કામના કરે છે અને ભાઈ બેહેનને યથા યોગ્ય ભેટ આપી આશીર્વાદ આપે છે. તે વિચાર જ કેટલો અદ્ભુત છે, પરંતુ તહેવારોમાં પણ ભૌતિકતાવાદ આવી ગયો છે. ચાલો આ વખતે ભારતીય બનીને ઉત્સવ મનાવીએ.
વાચક મિત્રો આ વિભાગ તમારો જ છે. તમને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો તમે નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.તમને ચોક્કસ એનો જવાબ મળશે.
સવાલ: થોડી લાંબી વાત છે. પણ તમારી સલાહ ખુબ જરૂરી છે. પ્લીઝ જવાબ આપશો. મારો ઉછેર મારી માં સાથે થયો. પિતાજી ન હતા એટલે મોટા ભાઈ બહેન અન્ય લોકો સાથે રહેતા. બની શકે એમની સાથે યોગ્ય વ્યવહાર ન થયો હોય. એવુજ મારી સાથે પણ થયેલું. કારણકે અમે પણ કોઈના ઘરે રહેતા. હું સહુથી નાનો એટલે મને માં સાથે રહેવા મળ્યું. ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું અને અમે એક ઘરમાં રહેવા લાગ્યા. જોકે એમાં વરસો નીકળી ગયા. મોટોભાઈ હંમેશા મારાથી ઈર્ષા કરતો. અને એ સ્વાભાવિક છે. કારણકે એને નાનપણમાં માનો પ્રેમ ન મળ્યો. એક બહેનને ખુબ તકલીફો પડી એ હજુ પણ યાદ કરે છે. અને એના માટે મને જવાબદાર ગણે છે. છેલ્લા ત્રીસેક વરસમાં મેં એમને ખુબ મદદ કરી છે. પણ એ એવું કહે છે કે ભૂતકાળમાં ન જીવાય. આજની વાત કર. અને એ પોતે ભૂતકાળમાં જીવે છે. બીજી બહેન વાતે વાતે મારા પરિવારને ઉતારી પાડે છે. જરૂર હોય ત્યારે મદદ કરે પણ એના માટે પણ દેખાડે કે મેં મદદ કરી. ત્રીજી બહેન એની બધી જ જૂની વસ્તુઓ, ખાવાનું વિગેરે અમને પધરાવી અને એવું દેખાડવા પ્રયત્ન કરે કે એ મદદ કરે છે. એણે મારા વિશે અફવાઓ પણ ફેલાવી છે. બીજો ભાઈ પોતે અમારી મદદ લે છે અને બહાર એવું કહે છે કે એ અમને મદદ કરવા પ્રયત્ન કરે છે. થોડા સમય પહેલા એ બધા એક થઇ ગયા અને મને ધમકીઓ આપી, અપમાન કર્યું અને મારા પરિવારને રન્જાડ્યો. મારો પરિવાર મારાથી નારાજ થઇ ગયો. મારા પરિવારના લોકો પણ થાક્યા છે. હવે એ બધાની નજર મારા ઘર પર છે. બે બહેનોએ ત્રણ વરસથી રાખડી પણ નથી મોકલી. તો પણ મેં રક્ષાબંધનના પૈસા મોકલી આપ્યા. હવે એ બધા ભેગા થઇ અને મને રક્ષાબંધન માટે કહે છે. પણ પાછલા અનુભવો પછી મને એમને મળવાની પણ ઈચ્છા નથી થતી. શું કરું? ખાલી લોકોને દેખાડવા રાખડી બંધાવું? શું કમને બાંધેલી રાખડી રક્ષા કરે ખરી?
જવાબ: કદાચ આવી સ્થિતિમાં જીવનાર તમે એકલા નહિ હો. આજે જ્યારે ભૌતિકતા બધાના માથા પર સવાર થઇ ગઈ છે ત્યારે આવું બની શકે. આપની સ્થિતિ હું સમજુ છું. જ્યાં મન ન હોય ત્યાં લાગણીઓ કોઈ સકારાત્મક ઉર્જા ન જ આપે. સંબંધો આત્માના હોવા જોઈએ. જે સંજોગોએ તમારી વચ્ચે નથી રહેવા દીધા. મોટા ભાગે આપણે સામે વાળાને સારું લગાડવા શરૂઆતમાં બધુજ ચલાવી લઈએ છીએ. અને જયારે એનો અતિરેક થાય ત્યારે આકરા નિર્ણયો લઈએ છીએ. જે નથી ગમતું તે સારા શબ્દોમાં કહી શકાયું હોત. પણ હવે મોડું થઇ ગયું છે. જો એ લોકોને તમારી જરૂર સમજાઈ હોય અને લાગણી જન્મી હોય તો ચોક્કસ જવું જોઈએ. પણ એમની જોહુકમી સહન કરવા ન જ જવાય. એવું જરૂરી નથી કે બહેન જ રાખડી બાંધી શકે. જે સાચા હૃદયથી તમારી રક્ષા ઈચ્છતી હોય એવી કોઈ પણ વ્યક્તિ રાખડી બાંધી શકે છે. દરેકના જીવનમાં આવું કોઈક તો હોય જ છે. તમારા જીવનમાં પણ હશે. શુભકામનાઓ.
આજનું સુચન: ચોકલેટ કરતા ઘરે બનાવેલો શીરો વધારે ઉર્જા ધરાવે છે. કારણકે એમાં ભાવ પણ સચવાયેલો હોય છે અને પ્રાકૃતિક દ્રવ્યોથી બને છે.
(આપના સવાલો મોકલી આપો…Email: vastunirmaan@gmail.com)