વાસ્તુ: દેવસ્થાનની ઉપર વજન ન રાખવો

જવાબદારી શબ્દ જે સમજે છે તેનું વર્તન આપોઆપ જવાબદારીભર્યું બની જાય છે. જેને પોતાનામાં ભરોસો છે એનું વર્તન અલગ લાગે તોએ એમાં જવાબદારીની ભાવના તો દેખાય જ છે. પોતાના પરિવારને નિભાવનાર એક બાપ શાંત હોય તો પણ એ જવાબદારી સમજતો હોય છે. પોતાના પરિવાર માટે ઘરનું બધુંજ કામ કરતી મા ગુસ્સે થાય તો એમાં પણ જવાબદારી છલકાતી હોય છે. એક શિક્ષક સજા કરે તો એમાં પણ પોતાની ફરજ પ્રત્યેની જવાબદારી દેખાય છે. મોટાભાગે લોકોને જેતે સમયે આ સમજાતું નથી અને સમજાય ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. વળી એક વ્યક્તિ માટે જે વ્યક્તિ સંપૂર્ણ જવાદારીભર્યું વર્તન કરે છે એ અન્ય માટે બેજવાબદાર પણ હોઈ શકે. એટલે કોઈના જીવનમાં ડોકિયું કરી અને એના માટે અનુમાન કરવાનું બેજવાબદારી ભર્યું વર્તન ન જ કરાય. કોઈની ચિંતા કરીએ છીએ એવું કહેવાનું સહેલું છે. કારણકે એ કહેવામાં કોઈ જવાબદારી લેવાની નથી હોતી. જો ચિંતા છોડી અને મદદ કરીએ તો એમાં જવાબદારી લેવી પડે. જોકે માત્ર ચિંતા કરનારા વધવાના લીધે માણસોની સમસ્યા પણ વધી છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. નીચે દર્શાવેલા ઈમેલ પર આપ આપના સવાલો પૂછી શકો છો.

સવાલ: સર, મારા લગ્નને હજુ બે જ મહિનાનો સમય થયો છે. મારા સાસુ બાળકો માટે દબાણ કરે છે. મારે તો બાળકો જોતા જ નથી. અમારા લવ મેરેજ છે. મારા પતિ પણ મારી વાત સમજતા નથી. શું કરું?

જવાબ: લગ્નની સસ્થા પ્રચલિત થવાનું એક અગત્યનું કારણ બાળકોને સારું ભવિષ્ય મળે એ હતું. જો બાળકો નથી જોતા તો લગ્ન કરવાનો ઉદ્દેશ્ય શું રહ્યો? સાથે તો તમે એમ પણ રહેતા હતા. તમારા કેસમાં એક બીજી બાબત પણ કહેવી જરૂરી છે. જ્યાં સુધી માબાપને સંપૂર્ણ વિશ્વાસ ન હોય કે એ બાળકોને સારું ભવિષ્ય આપી શકશે ત્યાં સુધી બાળકનો વિચાર ન કરવો જોઈએ. અન્યને દેખાડવા લગ્ન કે બાળકો ન જ કરાય. જવાબદાર માબાપ જ બાળકોનો વિચાર કરે તો જ એક સ્વસ્થ સમાજ મળી શકે. માત્ર વસ્તી વધારવા માટે બાળકોનો વિચાર ન કરાય. તમારા ઘરમાં વાયવ્ય અને બ્રહ્મનો દોષ છે તેથી આવી ચર્ચાઓ થયા કરે છે. શિવલિંગ પર અભિષેક કરો. ઘરમાં મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો.

સવાલ: જયશ્રી કૃષ્ણ. અમારા ઘરમાં ઘણાબધા ભગવાનની પૂજા થાય છે. કોઈ કહે છે કે ભગવાનની બાજુમાં માતાજી ન રખાય. કોઈ કહે છે એક કરતા વધારે લેવલ પર ભગવાન ન રખાય. કોઈ કહે છે ત્રણ ગણપતિ ન રખાય. કોઈ કહે છે અમુક દેવોની ઘરમાં પૂજા ન થાય. તો શું કરવું? સમજાવશો.

જવાબ: આપણા લોકોની એક એવી પણ તકલીફ છે કે બધાને દરેક વિષયનું જ્ઞાન છે એવું દેખાડવું ગમે છે. મફતની સલાહ ક્યારેય ન લેવી. કારણકે એ આપનારને કાઈ ખોવાનું નથી. પણ કઈક ખોટું થાય તો આપણે એમનું કાઈ કરી પણ ના શકીએ. માત્ર નિષ્ણાતની સલાહ જ લેવી જોઈએ. ટૂંક સમયમાં આ જ જગ્યાએ આ વિષય પર વિસ્તૃત માહિતી આપીશ. ઈશ્વર તત્વ છે અને તત્વમાં સ્ત્રી પુરુષ ન હોય. એટલે એવી માન્યતા ન રાખશો.

સુચન: દેવસ્થાનની ઉપર વજન ન રખાય.

(આપના સવાલ મોકલી આપો…Email: vastunirmaan@gmail.com)