આકાશના ગ્રહો મહત્વના છે પરંતુ આ ગ્રહો જીવનમાં અનેક રૂપે આપણી આસપાસ પણ છે જ. જેમ કે, ચંદ્રએ માતા સ્વરૂપે જીવનમાં હોય છે. માતાપોતાના બાળકને રાત્રે વહાલથી શરણ આપે છે, ચંદ્રનીચાંદનીમાં પણ સમગ્ર સૃષ્ટિ શાંતિ અનુભવતા નિંદ્રા માણે છે. સૃષ્ટિની માતા ચંદ્ર છે. જયારે પિતા સૂર્ય સમાન છે. પિતાની જેમ જ સૂર્ય પણ શિસ્ત અને અનુશાસનમાં માને છે. નોકરી કરતા હોવ તો તમારા ઉપરી અધિકારીનો કારક ગ્રહ પણ સૂર્ય જ છે. મોટોભાઈ શનિ ગ્રહ સમાન અને નાનો ભાઈ હોય તો મંગળ ગ્રહ સમાન કહેવાશે. તે સિવાય પ્રચલિત મત મુજબ નોકર કે તમને સહાય કરનાર નીચેના કાર્યકરો શનિ ગ્રહને રજુ કરે છે.મંગળ એટલે શરીર પણ કહેવાશે. સ્ત્રીઓ માટે મંગળ ગ્રહ એટલે તેમનો પતિ. નાડી શાસ્ત્રો મુજબ પતિનો કારક ગ્રહ મંગળ છે. બહેન હશે તો બુધ તેનો કારક ગણાશે. મિત્રો અને વિજાતીય મિત્રોનો કારક ગ્રહ પણ બુધ કહી શકાય.
પત્નીનો કારક શુક્ર ગ્રહ છે. ભાર્યાનું સુખ હોતા જીવનમાં આનંદ અને સંતોષનો અનુભવ થાય છે. શુક્ર ગ્રહના હોય તો સૃષ્ટિમાં સૌન્દર્ય, કળા અને રસના વિષયો રહે જ નહિ. માત્ર કર્મો અને પશ્ચાતાપ જ રહે. પત્નીના સુખ થકી મનુષ્યને સંસારમાંપ્રીત આવે છે. લાલ કિતાબ અનુસાર પુત્રનો કારક કેતુ ગ્રહ છે. કેતુ ગુરુ શરણ હશે તો સંતાન બાબતે ખુબ સુખ અનુભવાય છે. રાહુ એટલે મનુષ્યનો પોતાનો અહમ અને સ્વાર્થ.અહમ અને સ્વાર્થ કાબુમાં કરો એટલે રાહુ કાબુમાં રાખ્યા બરાબર છે. સત્તાને પણ અહમ સાથે જ ટકરાવ હોય છે, બીજા અર્થમાં સત્તા એટલે સૂર્ય અને રાહુ એટલે અહમ. જીવન દરમ્યાન સાચો રસ્તો દેખાડનાર આપણા ગુરુજનોએ ગુરુનું જ સ્વરૂપ ગણાશે. ગુરુની કૃપા વગર કોઈ મનુષ્ય સફળ બની શકતો નથી.
આપણે જોયું કે મનુષ્યના સંસારમાં જ ગ્રહો સાક્ષાત હાજર જ છે. આપણે સતત પૂજા અને વિધિ વિધાન કરીએ છીએ. પરંતુ ગ્રહોની કૃપા મેળવવી હોય તો ઉપર જણાવેલ ગ્રહોના સીધા મૂકામ કાયમ હાજર જ છે. તમે તેમની સાથે કામ લેતા શીખી જશો તો કોઈ ગ્રહ તમને નહિ નડે. બીજા અર્થમાં તમારા સંબંધોએ ગ્રહોનું પ્રતિબિંબ છે. પત્ની સાથે અણબનાવ હોય તો શુક્ર ગ્રહની તકલીફ સમજી શકાય. પિતા જોડે મતભેદ હોય તો સૂર્યની તકલીફ ગણી શકાય. શરીરમાં મોટો રોગ આવી પડે તો મંગળની તકલીફ ગણી શકાય.
બીજા અર્થમાં તમે જયારે જાણતા હોવ કે કયો ગ્રહ કુંડળીમાં નબળો છે અથવા તકલીફદાયી છે તો તે ગ્રહ સૂચિત વ્યક્તિની સાથે ક્યારેય સંબંધ ના બગાડશો. જેમ કે શુક્ર નબળો હોય તો પત્નીને હંમેશા ખુશ રાખવાથી શુક્ર ગ્રહની કૃપા મળે છે. શુક્ર નડતો નથી અને વાહન અને મકાનના સુખ પ્રાપ્ત થાય છે. કારણ કે મકાન અને વાહનના સુખનો કારક પણ શુક્ર ગ્રહ જ છે. માત્ર પત્નીના ગ્રહોના જોરે જ સફળ થયા હોય તેવા એક ભાઈથી હું સુપરિચિત છું, તેમની કુંડળી તો અઠંગ યોગીની કુંડળી છે પરંતુ આ ભાઈને પત્ની સાક્ષાત લક્ષ્મી સમાનમળી છે. જેના પરિણામે આ ભાઈ પાસે નોકર, ગાડી અને વૈભવી મકાન બધું જ છે. અનેકવાર કુંડળીના અભ્યાસ, તારણો બાદ આ ભાઈ પણ પોતે પોતાની પત્નીની ખુબ જ કાળજી લે છે.
માતાનું સુખ સાચવી લઈએ તો ચંદ્રનાં આશીર્વાદ મળે. માતા પાસે જતા જ મન શાંત થઇ જાય છે, કારણ કે મનનો કારક ચંદ્ર-માં છે અને માતાનો કારક પણ ચંદ્રમાં છે.માતાની જેઓએ સેવા કરી હોય તેને આજીવન સારું ભોજન પ્રાપ્ત થાય છે, તેને ઘર અને જમીન અક્ષય રહે છે. તેને બધા જ સંબંધો સારા જ હોય છે. તે ક્યારેય અસુરક્ષિત નથી હોતો. ઉલટું માં સાથે સંબંધ બગાડનાર એટલે કે પોતાનો ચંદ્ર નષ્ટ કરનાર મનુષ્યને ડાયાબીટીસ જેવા ખોરાક સંબંધી રોગ થવાની સંભાવના રહે છે. પેશાબની તકલીફ રહે છે. કારણ કે આ રોગોનો કારક પણ ચંદ્રમાં છે. પોતાની કુંડળીના ચંદ્રને પોતાના કર્મો વડે નષ્ટ કરનારને ક્યારેય રાહતવાળી નિંદ્રા મળતી નથી.માટે ગ્રહો સાચવવા હોય તો ઉપર જણાવેલા સંબંધીઓ સાચવી લો, ગ્રહોકૃપા વરસાવશે જ.
નીરવ રંજન