કોલકાતાઃ દેશભરમાં 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન છે અને અચાનક કરવામાં આવેલા લોકડાઉનથી ગરીબ પરિવારોની હાલત કફોડી છે. આ સંજોગોમાં ગુજરાત સહિત દેશભરમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ-સેવાભાવી સંગઠનો ગરીબોની સહાય માટે આગળ આવ્યા છે. કોલકાતાસ્થિત આશ્કા ફાઉન્ડેશનનો પણ એમાં સમાવેશ થાય છે.
ફાઉન્ડેશને મધ્ય કોલકાતામાં આસપાસના વિસ્તારોમાં આશરે 1000 ગરીબ કુટુંબો (કુટુંબમાં સરેરાશ ચાર સભ્યો)ને આ લોકડાઉનના સમયગાળામાં જીવનનિર્વાહમાં અને સ્વચ્છતા જાળવવામાં પાંચ કિલો ચોખા, પાંચ કિલો ઘઉંનો લોટ, બે કિલો કઠોળ, ડુંગળી અને બટાટા, એક લિટર રાંધવા માટેનું તેલ, મીઠું અને બિસ્કિટ સહિતની રાહત સામગ્રી ઉપરાંત સ્વચ્છતા જાળવવા માટે સાબુનું પણ વિતરણ કર્યું હતું.
ફાઉન્ડેશને ગરીબોના ઘેરેઘેર વિતરણ કર્યું
ફાઉન્ડેશને આ રાહત સામગ્રીને કેલાબાગન, ઝકરિયા સ્ટ્રીટ, મંદિર સ્ટ્રીટ, તારા ચંદ દત્તા સ્ટ્રીટ, મેચુઆ, રત્તુસિરકર લેન, ગિરરિબાબુ લેન, બેકબાગન અને મલ્લિકપુર વિસ્તારોમાંની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને ગરીબ વિસ્તારોમાં ઘેરેઘેર વિતરણ કર્યું હતું. આ રાહત સામગ્રી ભૂખમરાથી બચાવવા માટે આપવામાં આવી હતી. આ લોકડાઉનના સમયગાળામાં જેમની આવકને મોટો ફટકો પડ્યો છે તેવા ઝૂંપડપટ્ટીવાસીઓ, સ્થળાંતરિત કામદારો અને દૈનિક મજૂરી કરતા કામદારો સુધી ફાઉન્ડેશને આ રાહત સામગ્રી પહોંચાડી હતી.
150 ગરીબ પરિવારોને રાહત સામગ્રી
આ ફાઉન્ડેશનના પ્રમુખ અને એડવોકેટ તારિક્યુક્સી ક્વાસિમુદ્દીન કહે છે એમ, લોરેટો બોબજાર સ્કૂલનાં આશરે 150 ગરીબ બાળકોનું પાલનપોષણ લોરેટોની મિશનરી સિસ્ટરો દ્વારા કરવામાં આવે છે. આ બાળકો વંચિત અને હાંસિયામાં રહેલા, અતિ પછાત જાતિનાં ગરીબ બાળકો છે, વળી આ અચાનક લોકડાઉનના સમયગાળામાં આ સિસ્ટરો પાસે ખૂબ જ ઓછી અન્ન સામગ્રી બચી હતી, ત્યારે આશ્કા ફાઉન્ડેશને તેમને પણ રાહત સામગ્રી મોકલી હતી. ફાઉન્ડેશને તેમને સ્વચ્છતા માટે જંતુનાશક સાબુઓ પણ આપ્યા હતા. શાળાના અધિકારીઓએ ફાઉન્ડેશનની પહેલને બિરદાવી હતી.
કેરળના પૂર દરમ્યાન પણ ફાઉન્ડેશન સમાજ સેવામાં ખડે પગે રહ્યું
ફાઉન્ડેશને કેરળના વિનાશક પૂર દરમિયાન પણ મુખ્ય મંત્રી રાહત નિધિમાં રોકડ અને રાહત સામગ્રી સાથે ફાળો આપ્યો હતો. ફાઉન્ડેશનન સમાજમાં મહિલા સશક્તિકરણ, લિંગ સમાનતા, સમાવિષ્ટ શિક્ષણ અને ગરીબી નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ફાઉન્ડેશનમાં કાનૂની અને તબીબી વ્યવસાયિકો, શિક્ષણવિદો, વ્યવસાયિક લોકો સામાજિક કાર્યકરો જેવા વ્યવસાયિકોનો સમાવેશ થાય છે.
ફાઉન્ડેશનના સભ્ય અને પત્રકાર ગઝાલા યાસ્મિન કહે છે, અમે તેમને અનાજ વિતરણ સાથે લોકડાઉન પ્રોટોકોલ અને સરકારની માર્ગદર્શિકાનું અમે પાલન કરીને તેમને જીવનજરૂરી ચીજવસ્તુ પહોંચાડી છે. અમારી ડોક્ટરોની ટીમ પણ સોશિયલ મિડિયા પર આ ભયજનક રોગના ફેલાવાને રોકવા માટે ઉપાય લેવાયેલા પગલાઓ વિશે જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે.