(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧૬-૩૦ જૂન, ૧૯૯૨ અંકનો)
સ્વરમાં સ્ફૂર્તિ, કંઠની કામણગારી હલક
મેરે અંગને મેં… ગીતથી ગલી ગલીમાં ગુંજી ઉઠેલો કંઠ યાને કે અલકા યાજ્ઞિક અહીં સુણાવે છે એના જીવન અને કારકિર્દી અંગેની કેટલીક વાતો.
કલ્યાણજી-આણંદજીની શોધ અલકાએ ‘મેરે અંગને મેં’થી પ્લેબેક કારકિર્દી શરૂ કરીને લાંબી મજલ ખેડી છે. ભારતીય ભાષાઓમાં ત્રણ હજાર ગીતો ગાયા છે.
ચિત્રગુપ્તથી નદીમ-શ્રવણ સુધીના બધા જ સંગીતકાર માટે અલકા યાજ્ઞિકે ગીતો ગાઈને પોતાની અલગ પિછાણ ઉપસાવી છે. અને અવાજની તાજગી જાળવીને ભારે લોકપ્રિયતા મેળવી છે. કોઈ કૅમ્પનું લેબલ અલકાને વળગ્યું નથી.
* તમારા બેક ગ્રાઉન્ડ વિષે કાંઈક કહેશો?
- મૂળ ગુજરાતના પરંતુ સ્થાયી થયા કલકત્તામાં. મારી માતા શાસ્ત્રીય ગાયિકા છે. પરંતુ કંઠની તકલીફને લીધે એ ટોચ પર ન પહોંચી શકી. લાગે છે કે ઘૂંટણિયા તાણતી ત્યારથી જ એના સંગીતનો વારસો મેં મેળવ્યો.
* પરંતુ નૈસર્ગિક પ્રતિભા પર્યાપ્ત થાય?
- હરગિજ નહીં. જો કે મૂળમાં પ્રતિભા ન હોય તો આગેકૂચ ન કરી શકાય. છોડની વૃદ્ધિ માટે બી રોપણ તો થવું જોઈએને. મમ્મી મારું વલણ પારખીને એના વિકાસ માટે કટિબદ્ધ થઈ. તેથી એણે મારી પાસે કપરો રિયાઝ કરાવ્યો. હું કબૂલ કરું છું કે આજે જે કાંઈ છું એનું શ્રેય એને જ મળવું જોઈએ. એને ખબર હતી કે મારી પ્રગતિ માટે પાયો મજબૂત જોઈએ. દરરોજ રિયાઝ કરાવવા એ ઊંઘમાંથી ઢંઢોળી દેતી મારા બૂમબરાડાની પરવા ન કરતી.
* તમને શાસ્ત્રીય સંગીત કેમ ન શીખવ્યું?
- કારણ એ જાણતી હતી કે મારું ભાવિ સુગમ સંગીતમાં જ ઉજળું છે. એ સિવાય એની માન્યતા વાજબી છે કે સુગમ સંગીતમાં શાસ્ત્રીય લોક અને પાશ્ર્ચાત્ય સંગીત સમાયેલું છે. અને આહવાન રૂપ છે. શાસ્ત્રીય સંગીતની તાલીમ આસાનીથી લઈ શકાય. પરંતુ સુગમ સંગીત ખાસ કરીને ફિલ્મ સંગીતમાં ગાયક-ગાયિકાએ હાવભાવ, શબ્દો અને પ્રસંગો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે.
* શરૂઆત કઈ રીતે કરી? મુંબઈ કેવી રીતે આવ્યા?
- કલકત્તામાં સંગીત શીખતી હતી. થોડોક સમય ત્યાંની બિરલા એકેડેમીમાં પણ ગઈ. પછી હું અને મમ્મી શાળાના વૅકેશન દરમિયાન મુંબઈ આવ્યા. મમ્મી અવિનાશ વ્યાસને ઓળખતી હતી. તેઓ કલ્યાણજીભાઈ અને આણંદજીભાઈ પાસે લઈ ગયા. ૧૯૬૩માં ત્યારે હું માત્ર દસ જ વર્ષની હતી. એમણે મને ગાતી સાંભળીને આશા વ્યક્ત કરી પરંતુ બાળગાયિકા ન બનવાની સલાહ આપી. કારણ કોઈ બાળગાયિકાએ મોટા થઈને સિદ્ધિ સાધી નહોતી. એમણે મને ઉંમરલાયક બન્યા પછી જ પરિપક્વ અવાજ સાથે હીરોઈનને પ્લેબેક આપવાની સલાહ આપી.
* પરંતુ તમને કલ્યાણજી-આણંદજીએ પ્રથમ મોકો કેમ ન આપ્યો?
- દરમિયાનમાં હું ઈન્ડસ્ટ્રીના બીજા લોકોનેય મળી હતી. ૧૯૭૯માં રાજશ્રીવાળાએ ‘પાયલ કી ઝંકાર’ બનાવી. મેં પાર્શ્ર્વગીતની થોડી પંક્તિઓ ગાયેલી. મારું પ્રથમ પ્લેબેક ગીત ‘હમારી બહુ અલકા’માં હતું. રાજેશ રોશનજીએ સાંભળીને મને બોલાવી. અવસર મળવાથી હું રોમાંચિત થઈ ઊઠી. એ દ્વંદ્વગીત હતું ‘હમ તુમ અકેલે’. અમિતકુમાર મારો સહાયક હતો.
* ‘મેરે અંગને મેં’માં તમે ધ્યાન ખેચ્યું. ‘લાવારિસ’ કઈ રીતે મળી?
- કલ્યાણજીભાઈએ ‘લાવારિસ’ના રેકૉર્ડિંગ માટે બોલાવેલી. હું ગઈ ત્યારે અમિતાભજી ‘મેરે અંગને મેં’નું રિહર્સલ કરતા હતા. ટેક પતી ગયા પછી એમણે એ જ ગીત મને ગાવાનું કહ્યું. મેં ગાયું એટલે એમણે કહ્યું ‘ફાઈન’. હવે રાખીને પ્લેબેક આપવાનું હોય તો કઈ રીતે ગાશો? એટલે મેં અવાજમાં ઘટતા ફેરફાર કરીને ફરીથી એ ગીત ગાયું. ગીત પૂરું થતાં જ કલ્યાણજીભાઈ-આણંદજીભાઈએ શાબાશી આપતા કહ્યું, ‘અમારે માટે તમારું પહેલું ગીત રેકૉર્ડ થઈ ગયું છે.’
* પરંતુ આવા હિટ ગીત છતાં તમારા ગીતોની અછત કેમ વર્તાઈ?
- આમ જુઓ તો હું કામ વિના કદી રહી જ નહોતી. નસીબ મહત્ત્વનું છે. ઉપરાંત ‘મેરે અંગને મેં’ પછી એકેય સોલો ગીત હિટ ન થયું. કલ્યાણજી-આણંદજી માટે હું સતત ‘વિધાતા’, ‘યુદ્ધ’, ‘જંગબાર’, ‘પિઘલતા આસમાન’, ‘ચમેલી કી શાદી’, ‘ઠિકાના’, ‘ઈમાનદાર’ના ગીતો ગાતી રહી છું. શંકરજી માટે ‘કાંચ કી દીવાર’, રવિ, ચિત્રગુપ્તજી, આનંદ-મિલિંદ, ઉષાજી, રાજેશજી, અનુ મલિક, રામ-લક્ષ્મણ, બપ્પીદા અને પંચમદા માટે પણ ગાયું. લક્ષ્મીકાન્ત-પ્યારેલાલની ‘જીવન ધારા’, ‘બદલે કી આગ’, ‘કુલી’, ‘અવતાર’, ‘ઓલ રાઉન્ડર’, ‘ઘર એક મંદિર’ અને બીજી ફિલ્મોમાં પણ ગાયું. પરંતુ નસીબ રીઝ્યું ‘ક્યામત સે ક્યામત તક’ અને ‘તેઝાબ’થી. છેલ્લાં ત્રણ વર્ષો દરમિયાન બીજા કરતાં વધુ ગીતો લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ માટે ગાયા.
* તમને ઝડપી ગીતો જ આપવામાં આવે છે. ભારેખમ ગીતો કવિતા અને અનુરાધા પૌડવાલ માટે અકબંધ હોય છે. જ્યારે લતાને માટે સર્વોચ્ચ ગીતો જ પસંદ કરે.
- એટલું જ નહીં દરેક સંગીતકાર ઝડપી અને તોફાની ગીતો માટે મને જ યોગ્ય ગણે છે. મારો સ્વર સ્ફૂર્તિલાં ગીતો માટે લાયક છે. મને એવા ગીતો ગાવામાં મોજ પડે છે એનો અર્થ એવો નથી કે એલ.પી. અથવા બીજા કોઈ મારી ગાયકીને ગંભીરતાથી સ્વીકારતા નથી. મેં ઘણાં ગંભીર ગીતો પણ ગાયા છે. ‘ક્યામત સે ક્યામત તક’નું ‘અય મેરે હમ સફર’, ‘સાજન’નું ‘મેરા દિલ ભી કિતના પાગલ હૈ’ અને ‘તેઝાબ’નું ‘સો ગયા યે જહાં’ ગંભીર ગીતોની શ્રેણીનાં છે.
* ક્યા સંગીતકારોએ ગીતોની સંખ્યા કરતાં તમારી ગુણવત્તા પ્રગટ કરી છે?
- દરેક સંગીતકારે એક યા બીજી રીતે મને સહાય કરીને. લક્ષ્મીકાન્તજી-પ્યારેભાઈ પાસેથી ઘણું શીખી. કલ્યાણજીભાઈએ મારો સ્વર ઘૂંટવામાં મદદ કરી. બધા જ સંગીતકારોએ મને કાંઈક ને કાંઈક શીખવ્યું જ છે. મને લાભ જ થયો છે.
* કોઈ એવા પીઢ સંગીતકાર છે જેના માટે ન ગાવાનો અફસોસ રહી ગયો હોય?
-
- એસ.ડી. બર્મનદા. મને એમના ગીતો ગમતા અને સંગીતની ઢબ ખૂબ જ ગમતી. એમના જમાનામાં હું નહોતી એનો ભારે અફસોસ અનુભવું છું.
(ડો. આર.એમ. વિજયકર)
ગીત ગાયા કાર્ટૂનોને…