સુરતઃ શહેરમાં ભાગલ ચાર રસ્તા નજીક જ 64 ગ્રામ સોનાના દાગીનાની લૂંટ થઈ છે. બંગાળી કારીગર દાગીના લઈને જઈ રહ્યો હતો, તે સમયે ત્રણ વ્યક્તિએ કારીગર પાસેથી દાગીના લૂંટી લીધા હતા. હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને CCTVના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ દાગીનાની કિંમત રૂ. છ લાખની આસપાસ હતી.
હજી થોડા દિવસ પહેલાં જ અમદાવાદના બોપલ વિસ્તારમાંથી એક જવેલર્સની દુકાનમાંથી રૂપિયા 73 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટની ઘટના બાદ આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. લૂંટારુઓના CCTV ફુટેજ પણ સામે આવ્યા હતા. લૂંટ કરવા લૂંટારુ હેલ્મેટ પહેરીને આવ્યો હતો. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલાં કેશોદમાં દિવસના અજવાળે આંબાવાડી વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. નિમેશ કાનાબારની ફરિયાદ અનુસાર આ ચોરીમાં અંદાજિત 15થી 20 લાખની રોકડ અને 10 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી.