કપડવંજઃ કેન્સરની બીમારી સામે લડી સમાજને નવો રાહ ચીંધી રહેલા કપડવંજના તુષાર પટેલ પણ એક અનોખું વ્યક્તિત્વ છે. કપડવંજના આંબલિયારાના તુષાર પટેલ ઈલેકટ્રિકલ એન્જિનિયર થયા. ઈલેકટ્રિકલ એન્જિનિયર થયા પછી મોબાઈલ કંપનીમાં વર્ષો સુધી ‘ઓપરેશન્સ’ જેવા ઉચ્ચ હોદ્દા પર ‘ઈલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન્સ’માં સફળ સેવાઓ આપી હતી. અચાનક જ કોરોના કાળની આસપાસ ગળામાં તકલીફો થવા માંડી અને કેન્સરનું નિદાન થયું. સારવાર અને બોલવાની તકલીફને કારણે નોકરી મૂકી દીધી.
તુષાર પટેલ ચિત્રલેખા. કોમને કહે છે, સામાન્ય ચાલતી જિંદગીમાં અચાનક જ કેન્સરની બીમારી આવી ગઈ.એક વર્ષ સુધી સતત સારવાર ચાલી જેમાં કીમો આપ્યા. 30 દિવસ સુધી રેડિયેશન આપ્યા. નાક બંધ કરી દીધું શ્વાસ લેવા માટે ગળામાં કાણું પાડવામાં આવ્યું. કોઈ પણ પ્રકારની સુગંધ પણ આવતી નથી..સ્વરપેટી કાઢી નાખી એટલે બોલવા માટે મશીન વાપરવું પડે છે. બોલું એટલે સામે વાળાને રોબોટ બોલતો હોય એવું લાગે.
(પ્રજ્ઞેશ વ્યાસ)