નવી દિલ્હીઃ દેશભરમાં ઈમરજન્સી લાગુ કરાયાના 45 વર્ષ પૂર્ણ થવા પર આજે વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશના લોકતંત્રની રક્ષા માટે જે લોકોએ બલિદાન આપ્યું અને સંઘર્ષ કર્યો તે બધાને મારા શત-શત નમન. તેમણે કહ્યું કે, સત્યાગ્રહિઓના ત્યાગ અને બલિદાનને દેશ ક્યારેય નહી ભૂલી શકે. એક ઓડિયો સંદેશને ટ્વીટર પર શેર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજથી 45 વર્ષ પહેલા દેશ પર ઈમરજન્સી ઠોકી બેસાડવામાં આવી હતી. તે સમયે ભારતના લોકતંત્રની રક્ષા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો અને યાતનાઓ વેઠી તે તમામ લોકોને મારા શત-શત વંદન. આ લોકોના ત્યાગ અને બલિદાનને દેશ ક્યારેય ભૂલી નહી શકે.
વડાપ્રધાને કહ્યું કે, જ્યારે દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી તો તેનો વિરોધ માત્ર રાજનૈતિક નહોતો. તે સમયે જન-જનના મનમાં આક્રોષ હતો. બધાના હૃદયમાં ખોવાયેલા લોકતંત્રની તડપ હતી. તેમણે કહ્યું કે, ઈમરજન્સીના સમયે કોઈને ભૂખનો ખ્યાલ નહોતો. સામાન્ય જીવનમાં લોતતંત્રનું શું અસ્તિત્વ છે તે ત્યારે ખ્યાલ આવે છે કે જ્યારે કોઈ લોકતાંત્રિક અધિકારોને છીનવી લે છે.
ઈમરજન્સીના 45 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, દેશમાં લોકતંત્ર છે પરંતુ કોંગ્રેસમાં નથી. સત્તાની લાલચમાં એક પરિવારે 45 વર્ષ પહેલા દેશભરમાં ઈમરજન્સી લાદી હતી.
અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે, 45 વર્ષ પહેલા આ દિવસે સત્તાની લાલચમાં એક પરિવારે ઈમરજન્સી લગાવી હતી. રાતો-રાત દેશને જેલમાં બદલી નાંખ્યો હતો. પ્રેસ, કોર્ટ, મુક્ત ભાષણ આ તમામના અવાજને દબાવી દેવામાં આવ્યો હતો. ગરીબો અને દલિતો પર અત્યાચારો કરવામાં આવ્યા હતા.