નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશનાં 17 રાજ્યોમાં કોરોના વાઇરસના 1,023 મામલા તબલિગી જમાતના નિઝામુદ્દીનના મરકઝમાં થયેલા કાર્યક્રમ સાથે જોડાયેલા છે. દેશમાં કુલ આવેલા કોરોનાના કેસોમાં 30 ટકા કેસો એક જગ્યા મરકઝ સાથે સંબંધિત છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે નવ ટકા કોરોનાના દર્દીઓ 0થી 20 વર્ષની વચ્ચેની ઉંમરના છે, જ્યારે 42 ટકા 20થી 40, 33 ટકા 40થી 60 અને 17 ટકા દર્દીઓ 60 વર્ષથી ઉપરના છે.
છેલ્લા 24 કલાકમાં 601 પોઝિટિવ કેસ
મરકઝે કોરોના જંગ મુશ્કેલ બનાવ્યો
તબલિગી જમાતે દેશમાં કોરોના વાઇરસ સામેનો જંગ જટિલ બનાવી દીધો છે. એનો અંદાજ એ વાત પરથી જ કાઢી શકાય છે કે પાછલા બે દિવસથી જે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે એ મોટા ભાગે જમાતથી આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગઈ કાલે કહ્યું હતું કે 14 રાજ્યોમાં 647 કોરોના પોઝિટિવ મામલે તબલિગી જમાતથી જોડાયેલા હતા. આ મામલા આંદામાન-નિકોબારથી માંડીને આસામ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાના, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાંથી મળ્યા છે.