બિહારમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા DyCM!
તો સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે આ વખતે બિહારમાં મોટો ફેરફાર કર્યો છે. ગત વખત ભાજપે પછાત વર્ગથી આવનારા તારકેશ્વર પ્રસાદ અને રેણુ દેવીને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા. તો આ વખતે ભૂમિહાર સમુદાયથી આવનારા વિજય સિન્હા અને પછાત વર્ગથી આવનારા સમ્રાટ ચૌધરીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
8 મંત્રી શપથ લે તેવી શક્યતા
નીતીશ કુમાર સતત 9મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેશે. નવી સરકારમાં સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિન્હા, વિજય ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ, શ્રવણ કુમાર, પ્રેમ કુમાર, સંતોષ કુમાર સુમન અને સુમિત સિંહ મંત્રી પદના શપથ લેશે. સુમિત સિંહ અપક્ષ ધારાસભ્ય છે. સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા બિહારના નવા નાયબ મુખ્યમંત્રી બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે સાંજે લગભગ 5.00 વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. સમ્રાટ ચૌધરીને ભાજપ વિધાયક દળના નેતા અને વિજય સિન્હાને ઉપનેતા બનાવાયા છે.
મહાગઠબંધનની સ્થિતિ બરાબર નથી : નીતીશ કુમાર
રાજ્યપાલને મળ્યા બાદ નીતીશ કુમારે કહ્યું કે, ‘આજે મેં રાજીનામું આપી દીધું છે, હવે નવા ગઠબંધનમાં જઈ રહ્યો છું. મહાગઠબંધનની સ્થિતિ બરાબર નથી, કામ ન થવાથી તકલીફ થઈ. મેં મારા પક્ષના લોકોની સલાહ બાદ રાજીનામું આપી દીધું છે. મેં અગાઉનું ગઠબંધન (રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન) છોડીને નવું ગઠબંધન બનાવ્યું હતું, પરંતુ તેમાં પણ સ્થિતિ અયોગ્ય હતી. તે લોકો જે રીતે દાવાઓ અને ટિપ્પણી કરી રહ્યા છે, તેનાથી પાર્ટીના નેતાઓ નારાજ થયા છે, તેથી આજે મેં રાજીનામું આપ્યું અને અમે અલગ થઈ ગયા.’