આપણા દરેક તહેવાર પાછળ કોઈને કોઈ વિજ્ઞાન અથવા કુદરતી ઘટનાનો આધાર રહ્યો છે. મોટા ભાગે આપણે
આ બંને નામ પાછળ પણ કારણો છે. સૂર્યની આસપાસ પૃથ્વી પ્રદક્ષિણા કરે છે તે આપણે સહુ જાણીએ છીએ. પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે. જેના કારણે જયારે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં સીધા કિરણો નાંખે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં તેની અસર ઓછી થાય છે અને ક્યારે દક્ષિણ ગોળાર્ધમાં સીધા કિરણો જતા હોય ત્યારે ઉત્તરમાં તેની અસર ઓછી રહે છે. તેથીજ આપણે ત્યાં શિયાળો હોય ત્યારે કેન્યામાં ઉનાળો હોય. ઉત્તરાયણના સમયે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ પ્રયાણ કરે છે. તેથી આ સમયને ઉત્તરાયણ કહે છે. જેના કારણે પવનની દિશા પણ બદલાય. પછી પતંગ ચડાવવાની તો મજાજ આવે ને?
સૂર્ય જયારે મકર વૃત પર આવે ત્યારે મકર સંક્રાંતિ થાય છે તેવી એક વાત છે. તો જ્યોતિષના સંદર્ભમાં સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં જાય ત્યારે મકર સંક્રાંતિ થાય છે. જોકે આવું તો ડીસેમ્બર મહિનામાં થાય છે. વળી આ સમય ખેતી માટે પણ અગત્યનો છે. કારણકે મકર સંક્રાંતિ પછી અમુક જગ્યાએ કાપણી શરુ થાય છે. તેથી ૧૪ ડીસેમ્બર થી ૧૪ જાન્યુઆરી સુધી કોઈ સારા કર્યો કરતા નથી. આ વખતે સંક્રાંતિ ૧૪ જાન્યુઆરી ના ૨૦:૦૫ થી થશે.
આ દિવસે સ્નાન, દાન, પૂજા અને પુણ્ય માટેનો દિવસ ગણાય છે. આત્મ શુદ્ધિ માટે આ દિવસ શ્રેષ્ઠ ગણાય છે. સાધના માટે પણ આ દિવસનું મહત્વ છે. ઉત્તર ભારતમાં ગંગા સ્નાન જેમ મહત્વનું છે તેવીજ રીતે ગુજરાતમાં તાપી અને નર્મદા સ્નાન કરી શકાય. નદીના પટમાં ઉભા રહી અને સૂર્યને અર્ઘ આપવાથી સારી ઉર્જા મળે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા પુથ્વી પર આવી અને સમુદ્રને મળી હતી. તેથી સારા સંબંધો માટે પણ આ દિવસની ખાસ પૂજા મદદરૂપ થાય છે. આ દિવસે સૂર્ય એમના પુત્ર શનિદેવને મળ્યા હતા તેથી પિતા પુત્ર વચ્ચે અણબન હોય તો પણ સંક્રાંતિની પૂજા મદદરૂપ થાય છે. ભારતમાં વિવિધ જગ્યાએ આ તહેવારને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા વિગેરે પડોસી દેશોમાં પણ આ તહેવારની ઉજવણી થાય છે.
સ્નાન માટેનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય પછી બે કલાકનો છે. આ દરમિયાન સૂર્યની હાજરીમાં નદીમાં સ્નાન કરવાથી સારું રહે. બપોરે બાર વાગ્યા પછી આ સ્નાન નો મહિમા રહેતો નથી. સવારે સૂર્યની સામે ઉભા રહીને શરીર પર કોમળ તાપ આવે તેવી રીતે ઉભા રહેવું કે બેસવું જોઈએ. આ દિવસે દાનનું પણ ખુબજ મહત્વ છે. તલ, ગોળ, ચોખા, હળદર જેવા દ્રવ્યોનું દાન શુભ મનાય છે.
મહારાષ્ટ્રમાં એવું કહે છે કે તિલ ગુડ ધ્યા ગુડ ગુડ બોલા. એટલેકે તલ ગોળ ખાવ અને મીઠું મીઠું બોલો. એટલેકે પાછળ જે કઈ ગયું તે ભૂલી અને ફરી સંબંધોમાં મીઠાશ લાવીએ.કેવો સરસ વિચાર છે? ઋતુ બદલાતી હોવાથી તલ અને ગોળ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ દિવસે ગાયને ઘૂઘરી ખવરાવવાનો પણ રીવાજ છે. ગાય એ એક સમયની જીવાદોરી હતી અને તેના બાળકના જન્મ પહેલા તેને સારો ખોરાક જરૂરી હોય છે. આપણા રિવાજોમાં બધાજ પશુપક્ષીઓ સચવાઈ જાય તેવો વિચાર જોવા મળે છે.
આ દિવસે ગુપ્ત દાનનું મહત્વ છે. તેથીજ તલ ગોળના લાડવામાં કોઈને આપતા પહેલા સિક્કા નાખવામાં આવે છે. સાધના માટે બ્રહ્મ મુહૂર્તથી શરૂઆત કરી શકાય. સ્ત્રીઓએ ગાયત્રી મંત્રની સાધના યોગ્ય રીતે કરી શકાય. જે તેમની આંતરિક શક્તિ વધારવામાં મદદરૂપ થઇ શકે. ઉત્તર પ્રદેશમાં આ સમયે માઘ મેલા યોજાય છે. જેમાં સ્નાનનું ખુબજ મહત્વ ગણાય છે. પશ્ચિમ બંગાળમાં પણ ગંગાસ્નાન માટે મેળા આયોજિત થાય છે. કેરળમાંઅનુષ્ઠાન કરવામાં આવે છે તો દક્ષિણના અન્ય રાજ્યોમાં સૌભાગ્યવતીને હળદર અને કંકુ લગાવવામાં આવે છે. આ દિવસે પતંગની મજા લેવા ઉપરાંત આત્મશક્તિ વધારવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ.