નારી શક્તિની ૫.૬૭ મીટરની એક છલાંગ

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: સાબરકાંઠાના વિજયનગર તાલુકાના અંતરીયાળ આદિજાતિ વિસ્તારની ખેડૂત પરીવારની દિકરી નિરમા ભુરાભાઇ અસારીએ પંજાબના સંગરૂર જિલ્લામાં ૪થી ૮ ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન રમાયેલી ૬૫મી નેશનલ એથ્લેટીક સ્કૂલ ગેમ્સમાં પ્રથમ આવી ગુજરાત અને સાબરકાંઠા જિલ્લાનુ ગૌરવ વધાર્યું છે.

ભાંખરા ગામની વતની અને હાલ સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર ખાતે રહીને હિંમત-હાઇસ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષિય દીકરીએ સમગ્ર દેશમાં પોતાનુ અને પોતાના પરીવારનું નામ રોશન કરવાની સાથે જિલ્લા અને રાજ્યનુ નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ૨૫૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્માએ ૫.૬૭ મીટર લાંબી કૂદ લગાવી સુવર્ણ પદક પોતાના નામે કર્યું હતું. ખુબ જ સામાન્ય પરીવારમાંથી આવતી આ દિકરીએ પોતાના ખેડૂત પિતાને ગૌરવાન્વિત કર્યા છે. તેને સાબિત કર્યું કે સફળતા માટે માત્રને માત્ર  અથાગ પરિશ્રમ જોઇએ.

નિરમા જણાવે છે કે તેના પિતા ભાંખરા ગામે ખેતી કરીને તેને અને તેના બે નાના ભાઇઓને ભણાવે છે.આ જીત માત્ર તેની એકની નહી પરંતુ તેના સમગ્ર પરીવાર અને તેના સ્કૂલના શિક્ષકો અને ખાસ સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમની છે. છેલ્લા એક વર્ષથી નિર્મા સ્પોટ્સ સ્ટેડિયમ ખાતે રહીને હિંમત હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે તેને રમતગમતમાં વધુ રસ હોવાથી તે અહી સાબર સ્ટેડિયમમાં આવી હતી. વધુમાં નિર્મા જણાવે છે કે આ સ્પર્ધા માટે તેને ખાસ તાલિમ મળી અને તેના કોચ સંજય યાદવે તેની સાથે ખુબ જ મહેનત કરી છે. કોચ તરફથી મળેલ શિસ્તબધ્ધ તાલિમ અને માતા-પિતાના આશિર્વાદ તેની સફળતાની ચાવી છે.

કોચ યાદવ જણાવે છે કે નિરમાએ આ સ્પર્ધા માટે અથાગ પરીશ્રમ કર્યો છે. સતત અને શિસ્ત બધ્ધ મહેનત કરી છે. લાંબી કૂદ માટે તે સતત અભ્યાસ કરી પોતાનુ કૌશલ્ય વધુને વધુ નિખારવા હંમેશા મેદાન પર જ મળે તે ક્યારે પોતે ખાકી હોવાનુ બહાનુ કે મારાથી નહી થાય તે શબ્દ તેના મોઢે નથી આવ્યા. આ સફળતા તેના પરીશ્રમની સફળતા છે. વધુમાં તેઓ જણાવે છે કે નિર્મા ભવિષ્યમાં ભારત માટે એથ્લેટીક્સમાં સુવર્ણ ચંદ્રક લાવશે એવો મને દ્ર્ઢ વિશ્વાસ છે.

નિરમાની આ સફળતાએ સમાજમાં એક નવી દિશાનુ સુચન કર્યું છે. આજે આપણી આ દિકરી પિતાને તેમજ સાબરકાંઠાને અને વિજયનગરના ભાંખરા ગામને ઓળખ આપી છે. જે દિકરા કરી શકે તે દિકરી પણ કરી શકે છે માતા-પિતાની ઓળખ બની શકે છે. નિરમાનું સપનું ઓલેમ્પિક્સમાં ભારતને સુવર્ણ પદક અપાવાનુ અને માતા-પિતા અને પોતાના ગુરૂનુ નામ રોશન કરવાનું છે.

(પીનલ પટેલ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]