નારી શક્તિના દર્શન કરવા હોય તો આવો નવાનગર…

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020:  સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરનું નવાનગર એક એવુ આદર્શ ગામ છે કે જ્યાં પંચાયતમાં આજ દિન સુધી કોઇ ચુંટણી યોજાઇ નથી. તત્કાલિકન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પંચાયતની ચૂંટણીમાં ગામમાં વેરભારના બીજ ન વવાય તે માટે સમરસ ગામ યોજના શરૂ કરી હતી જે યોજનાને ફળીભૂત કરી રહ્યુ છે નવાનગર ગામ. આ ગામની ખાસ વાત એ છે કે આ ગામમાં સરપંચ સહિતના તમામ ગ્રામપંચાયતના સભ્યો મહિલાઓ છે.

જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ ગામની મહિલાઓને યાદ કરી નારી શક્તિનુ ગૌરવ લેવા જેવુ છે. નવાનગર ગામ આમ તો માંડ ૬૦૦ની વસ્તી ધરાવતુ ગામ છે પરંતુ આ ગામ ખુબ જ સમૃધ્ધ ગામ છે. આ ગામમાં મુખ્ય ખેતી સાથે જોડાયેલા લોકો વસે છે. ગામના સરપંચ મમતાબેન પટેલ જણાવે છે કે આ ગામમાં અમે કયારેય ચુંટણી યોજી નથી. ઘર અને ગામના વિકાસમાં મહિલાઓ ખુબ જ રસ દાખવે છે. અમારૂ ગામ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલુ ગામ છે જેથી અમારે સિંચાઇ માટે પાણીની જરૂરીયાત હોય છે. પાણીની જરૂરિયાત પુરી કરવા માટે અમે ગ્રામજનોએ સ્વયંમ ગામનુ તળાવ ઉંડુ કરાવી સંપ બનાવી ડ્રિપ ઇરીગેશન થકી ખેતી કરી રહ્યા છીએ.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, આ ગામમાં વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન અને પ્લાસ્ટીક મુક્ત ભારત જેવા અભિયાનને અનુસરી સ્વચ્છ ગામ સુંદર ગામનુ નિર્માણ કર્યું છે. અમે ગામમાં પાંચ સખી મંડળ પણ ચલાવી રહ્યા છીએ જેમાં અમે અમારી બચત મુકીએ છીએ અને જ્યારે ગામની અન્ય મહિલાઓને ઘરે પ્રસંગ હોય કે બાળકોના શિક્ષણ માટે પૈસાની જરૂર હોય ત્યારે અમે આ બચતમાંથી ઓછા વ્યાજે લોન આપીએ છીએ. ૬૦૦ની વસ્તી ધરાવતા આ ગામના કાર્યોની અને આયોજનની સુવાસ ગુજરાતના અનેક ગામો સુધી પહોચી રહી છે. આ ગામમાં આવેલી દૂધમંડળીમાં પણ મહિલાઓ સભ્ય છે.

ગામની પિયત મંડળીનુ ઉદઘાટન રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલના હસ્તે થયા પછી અનેક લોકો આ ગામની પીયત મંડળીની મુકાલાતે આવે છે અને પાણીનો યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે શીખે છે. ખરેખર આ ગામ મહિલાઓ દ્રારા આદર્શ ગામ બનાવાયુ છે. જે મહિલા શક્તિની સમજ અને દુરદર્શિતાના દર્શન કરાવે છે.

(પીનલ પટેલ)