આ રીતે સુરતીબહેને ખેલ્યો ગરીબી સામે જંગ…

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020 :  યોગ્ય દિશા, માર્ગદર્શન મળે તો મહિલાઓ ઇચ્છિત સફળતા મેળવે જ છે. લીમખેડાના કંબોઇ ગામના મહિલા ખેડૂત સુરતીબેન સોલંકીએ તેમના પરિશ્રમ અને પ્રતિભાથી આવી જ સફળતા હાંસલ કરી છે. આર્થિક ઉન્નતિથી તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આ સફળતામાં દિશા અને માર્ગદર્શન આપવાનું કામ જિલ્લાના બાગાયત વિભાગે કર્યું છે.

સાતેક વર્ષ પહેલા સુરતીબેન ફકત ઘઉં, મકાઇ, જુવાર જેવા પાકોની જ ખેતી કરતા હતા. આખા વર્ષની કુલ આવક ૧૫ થી ૨૦ હજાર હતી. તેમની પાસે રહેવા માટે માટીથી બનાવેલું કાચું મકાન હતું. ટી.વી., ફ્રીઝ તો ઠીક ઘરમાં પંખો પણ નહોતો. પોતાનું વાહન પણ ન હોય અંતરીયાળ વિસ્તારમાં પારાવાર મુશ્કેલીઓ સાથે પતિ સેવાભાઇ સાથે ખેતી કામ કરતા હતા. બાળકોને નિયમિત શાળાએ મોકલી શકતા નહોતા. કોઇને ફોન કરવો હોય તો પણ ૧૫ કિ.મી. દૂર દાહોદ શહેરમાં જઇ એસટીડીથી ફોન જોડવો પડતો ! ઘરનું કરીયાળું પણ કંઇક આવી રીતે ખરીદતા – ૫૦૦ ગ્રામ તેલ, ૧૦૦ ગ્રામ મરચું-હળદર- મીઠું. કારણ કે એકસાથે મોટી ખરીદી કરવાની તેમનામાં ક્ષમતા નહોતી.


આવા કપરા સમયે જિલ્લાના બાગાયત વિભાગે તેમને ફૂલોની ખેતી કરવા માટેની તાલીમ આપી. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેમ મેળવાય તે શીખવવામાં આવ્યું. તેઓ સીઝન પ્રમાણે ગુલાબ, સેવંતી, બીજલી, મરચા, ટામેટાની ખેતી કરવા લાગ્યા. નિયમિત આવક થવા લાગી. બાગાયત વિભાગ પાસેથી ફૂલોની ખેતીમાં સરકારી સહાયનો લાભ મેળવ્યો અને ૬૫ હજારની સહાય મેળવી તેઓએ પાણીનો ટાંકો બનાવડાવ્યો. જેનાથી બારે માસ પાક લેતા થયા. તેમની બે એકર જમીનમાં આધુનિક પદ્ધતિથી ખેતી અપનાવી. સેન્દ્વિય ખાતર, ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવી. આવક વધતા પશુપાલન પણ અપનાવ્યું. મધમાખી ઉછેરનો પણ સફળ પ્રયોગ કર્યો. અત્યારે તેમણે ખેતરમાં બિજલી, દેશી ગુલાબ, કાશ્મીરી ગુલાબ કર્યા છે. તેમના આંગણામાં પપૈયા,આંબા, બોર જેવા ફળફળાદી પણ ઉગાડયા છે. ખેતરને શેઢે કરેલા ચીકુના ઝાડમાં મબલખ ચીકુ આવે છે.


અત્યારે સુરતીબેન તેમના પતિ સેવાભાઇ સાથે પાકા મકાનમાં રહે છે. પાંચ ગાયોનું ૨૦ થી ૨૨ લીટર દૂધ મળે છે તેમાંથી પણ સારી એવી આવક થાય છે. સવારે વહેલા પાંચ વાગ્યાથી પરીવાર સાથે ફૂલો ચુંટવાનું કામ કરે છે. રોજના ૩૦૦૦ નંગ જેટલા ગુલાબ જેમાં કશ્મીરી ગુલાબ પ૦ પૈસા અને દેશી ગુલાબ ૨૫ પૈસા નંગને ભાવે વેચે છે. સાથે હાલમાં કરેલા બિજલી ફૂલો ૧૦ થી ૧૫ કિલો વેચે છે જેનો કિલો દીઠ ભાવ રૂ. ૩૦ મળે છે. સાંજે જમીને પણ ફૂલો ચુંટીને પ૦ જેટલા હાર તૈયાર કરે છે જેના હારદીઠ રૂ. ૨૦ના ભાવે બજારમાં વેચે છે. આ બધા કામ માટે સેવાભાઇએ બે બાઇકો પણ વસાવી છે. હવે તેમના પાકા મકાનમાં દરેક રૂમમાં પંખો છે. ઘરમાં ટીવી અને ફ્રીઝ છે. ઘરનાં દરેક સભ્ય પાસે સ્માર્ટ ફોન છે. કરીયાણું હવે ગ્રામમાં નહીં પણ કિલોમાં કંઇક આમ ખરીદી છે – ૧૫ કિલો તેલનો ડબ્બો, પ કિલો ખાંડ, મરચું વગેરે. નિયમિત બચત થઇ શકતી હોય ઘરના દરેક સભ્યના વિમા પણ કરાવ્યા છે. સાથે વાર્ષિક ૨૫ હજાર જેટલી રકમનું રોકાણ પણ કરે છે. પૌત્રોને સારી શાળામાં ભણવા મુક્યાનો સંતોષ પણ છે. જરૂર પડયે મજૂરી કામ માટે માણસો પણ રાખે છે.

(મહેન્દ્ર પરમાર)